યર્કિસ ઑબ્ઝર્વેટરી (Yerkes Observatory), શિકાગો : શિકાગો યુનિવર્સિટીના ખગોળ અને ખગોળભૌતિક વિભાગ સાથે સંકળાયેલી, શિકાગોથી સોએક કિલોમીટરના અંતરે આવેલી અમેરિકાની એક પ્રમુખ વેધશાળા. આ વેધશાળા વિલિયમ્સ બે, વિસકૉન્સિન-(Williams Bay, Wisconsin)માં આશરે 334 મીટરની ઊંચાઈએ જિનીવા લેક(Lake Geneva)ના ઉત્તરી કિનારે આવેલી છે. આ વેધશાળાની સ્થાપના જ્યૉર્જ એલરી હેલ (George Ellery Hale : 1868–1938) નામના અમેરિકાના ખગોળશાસ્ત્રીએ કરી હતી અને તે માટેની આર્થિક સહાય ચાર્લ્સ યર્કિસ (Charles Tyson Yerkes : 1837–1905) નામના એક ધનિક વેપારીએ કરી હતી. હેન્રી આઇવ્ઝ કોબ (Henry Ives Cobb) નામના સ્થપતિએ કરેલી તેની અલંકૃત રચના (ornate design) ધ્યાનાકર્ષક છે.
આ વેધશાળાની સ્થાપના સન 1897માં 102 સેમી.(40 ઇંચ)ના વર્તક (વક્રીભવન) દૂરબીનથી થઈ હતી. આજે પણ દુનિયાનાં બધાં વર્તક દૂરબીનોમાં આ દૂરબીન સહુથી મોટું છે, અને આટલાં વર્ષો બાદ પણ તે બરાબર કામ આપે છે. આ ઐતિહાસિક દૂરબીનનું નિર્માણ સન 1895થી 1897 દરમિયાન થયું. તેનું ફોકસ-અંતર (focal length) તારાઓની છબિ ઉતારવામાં બહુ અનુકૂળ સાબિત થયું છે. પરિણામે આ દૂરબીન દ્વારા શ્રેષ્ઠ તારક-તસવીરો પ્રાપ્ત થઈ છે. વળી દૂરબીનના મૂળ સ્થાનમાં કે તેના લેન્સમાં પણ આટલાં વર્ષો સુધી કોઈ સ્થાનફેર થયો નથી. આ કારણે કોઈ એક જ વિસ્તારના તારાઓની અમુક વર્ષોના ગાળે લીધેલી છબિઓ સરખાવીને તારાઓના સ્થાનમાં થતા ફેરફારો બહુ સૂક્ષ્મતાથી માપી શકાયા છે. આમ આ દૂરબીને ખગોળમિતિ (positional astronomy) ક્ષેત્રે અમૂલ્ય ફાળો આપ્યો છે.
તે પછી 1901માં 61 સેમી.નું પરાવર્તી દૂરબીન પણ અહીં ગોઠવવામાં આવ્યું. આ દૂરબીન અમેરિકાના ખગોળશાસ્ત્રી અને પ્રકાશિક ઉપકરણો બનાવનાર તરીકે જાણીતા જ્યૉર્જ વિલિસ રિચી (George Willis Ritchey : 1864–1945) દ્વારા બનાવવામાં આવેલું. પાછળથી 1968માં તેને સ્થાને 104 સેમી.નું પરાવર્તી દૂરબીન ગોઠવવામાં આવ્યું. આ વેધશાળાનું સંચાલન શિકાગો યુનિવર્સિટી અને મૅકડૉનાલ્ડ વેધશાળા (McDonald Observatory) સાથે મળીને કરે છે. યર્કિસ વેધશાળા 1991થી ઍન્ટાકર્ટિકામાં શરૂ થયેલા એક સહકારી સંગઠનના ઍસ્ટ્રોફિઝિકલ રિસર્ચ સેન્ટરના વહીવટી કેન્દ્રની કામગીરી પણ સંભાળે છે. આ વેધશાળા સાથે શરૂઆતથી જ પ્રતિભાવાન ખગોળજ્ઞો સંકળાયેલા રહ્યા છે. આવા વૈજ્ઞાનિકોની લાંબી યાદીમાં ભારતના સુબ્રમણ્યમ ચંદ્રશેખર(1910–1995)નો પણ સમાવેશ થાય છે. 1983માં નોબેલ પારિતોષિક મેળવનાર આ ખગોળશાસ્ત્રી સન 1937માં રિસર્ચ એસોશિયેટ તરીકે આ વેધશાળામાં જોડાયા હતા.
આ વેધશાળાનું દફતરખાનું (archives) ઘણું સમૃદ્ધ છે. ઐતિહાસિક દસ્તાવેજોનો મોટો સંગ્રહ અહીં આવેલો છે. વેધશાળા સાથે સંકળાયેલા ઘણા વૈજ્ઞાનિકોના પત્રવ્યવહારો ઉપરાંત અનેક પ્રકારના વહીવટી ખતપત્રો તેમાં જોવા મળે છે.
સુશ્રુત પટેલ