યયાતિ (Perseus)

January, 2003

યયાતિ (Perseus) : આકાશના ઉત્તરી ગોળાર્ધનું એક જાણીતું તારામંડળ. તેનો અધિકાંશ ભાગ આકાશગંગાના પટમાં આવેલો છે; પરિણામે તેની પશ્ચાદભૂમિકામાં અસંખ્ય તારાઓ દેખાય છે. તેનો આકાર ફૂલછોડ જેવો ધારીએ, તો તેની ત્રણ તારાસેરોને છોડની ત્રણ ડાળીઓ માની શકાય. તેની વચલી તારાસેરથી સહેજ ઊંચે નજદીકના વૃષભ તારામંડળમાંનો કૃત્તિકા (Pleiades) નામનો અત્યંત જાણીતો તારાપુંજ આવેલો છે, જેની મદદથી યયાતિ તારામંડળ તુરત જ પરખાય છે. કેટલાક લોકો યયાતિમાં અંગ્રેજી K જેવો, તો વળી કેટલાક ફ્લરડેલી(fleur-de-li = ફ્રાંસના રાજવંશનું રાજચિહ્ન)નો આકાર કલ્પે છે. ભારતમાંથી ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા દરમિયાન રાત્રે નવ વાગ્યે જોતાં યયાતિ તારામંડળ ક્ષિતિજથી મહત્તમ ઊંચાઈએ આવે છે, અર્થાત્ યામ્યોત્તર ગમન (culminates) પામે છે, અને ત્યારે તે સહેલાઈથી દેખાતું હોવાથી ઓળખવામાં સરળતા રહે છે. તેને અવલોકવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ડિસેમ્બર છે.

ગ્રીક પૌરાણિક કથા અનુસાર પર્સિયસ (કે પર્સ્યૂસ) જ્યૂપિટરનો પુત્ર હતો. તે મહાપરાક્રમી હતો. તેને રાક્ષસી મેડૂસાનું માથું કાપવાનું દુષ્કર કામ સોંપવામાં આવેલું. મેડૂસા ગૉર્ગન (gorgon) હતી. સર્પકેશી ત્રણ દૈત્ય બહેનોમાંની એક. ગૉર્ગન એટલે ભયંકર (terrible). (આજે પણ બેડોળ, કુરૂપ અને ત્રાસદાયક સ્ત્રીને અંગ્રેજીમાં ‘ગૉર્ગન’ કહેવાય છે.) આ ગૉર્ગનના ચહેરા સામે જોનાર તુરત જ પથ્થર થઈ જતો. તેને પંખીના જેવી પાંખો અને નહોર હતાં. મેડૂસાના માથામાં પણ તેની બહેનોની જેમ જ જીવતા સર્પોનું ઝુંડ હતું અને જે કોઈ તેના ભયંકર ચહેરા સામે જુએ તે તુરત જ પથ્થર બની જતું. પર્સિયસના રક્ષણ માટે પ્લૂટોએ એક શિરસ્ત્રાણ, મર્ક્યૂરીએ પાંખોવાળી પાદુકા તો મિનર્વાએ દર્પણની જેમ ચળકતી ઢાલ આપી હતી. આ બધાંની મદદથી તેણે મેડૂસાનો વધ કરી તેનું માથું પોતાનાં વસ્ત્રોમાં સંતાડી દીધું. રસ્તામાં તેને ઍન્ડ્રૉમિડા નામની રાજકુમારીનો ભેટો થયો. સીટસ (તિમિ) નામના સમુદ્રદૈત્યે તેને સાંકળે બાંધી હતી. પર્સિયસે મેડૂસાની આંખ (અલ્ગૂલ) બતાવીને સીટસને પથ્થરનો પાળિયો બનાવી, ઍન્ડ્રૉમિડાને તેના પાશમાંથી મુક્ત કરી અને પાછળથી તેની સાથે લગ્ન કર્યાં. એક હાથમાં મેડૂસાનું માથું પકડીને ઊભેલો આ નરવીર પર્સિયસ આકાશમાં સ્થાપિત કરી દેવાયો છે.

વાત રહી ભારતીય નામોની. આકાશના આ ભાગમાં આવેલાં યયાતિ, શર્મિષ્ઠા, દેવયાની અને વૃષપર્વા જેવાં તારામંડળોનાં નામોમાંથી એકેય નામ આપણા ખગોળના જૂના ગ્રંથમાં જોવા મળતું નથી. આટલાં બધાં સુંદર તારામંડળોનાં ભારતીય નામો પણ હોવાં જ જોઈએ, તેવું વિચારીને શ્રી બાળશાસ્ત્રી જાંભેકર નામના દક્ષિણના એક વિદ્વાને ભારતીય પુરાણકથાઓમાંથી ગ્રીક લોકોની આ કથાને કાંઈક અંશે મળતી આવતી કથાનાં પાત્રોને લઈને આ બધાં તારામંડળોનાં ભારતીય નામો આપ્યાં. એટલે આધુનિક કાળમાં પશ્ચિમના પર્સિયસ નામના આ તારામંડળ માટે ભારતમાં યયાતિ નામ પસંદ કરવામાં આવ્યું છે. પર્સિયસ ઍન્ડ્રૉમિડાનો ઉદ્ધારક હતો, તો યયાતિ દેવયાનીનો.

આ તારામંડળમાં અલગૂલ કે અલ્ગૉલ (Algol) નામનો એક પ્રકાશિત તારો આવેલો છે, જે ગ્રીક પુરાણકથા અનુસાર મેડૂસાની દુષ્ટ આંખ છે, જે ઉઘાડબંધ થતી રહે છે. મૂળ અરબી શબ્દ ‘અલ્-ગૂલ’ છે, જેનો અર્થ થાય પિશાચ, અસુર કે ભૂત. આમ તેનો અર્થ રાક્ષસી તારો એવો થાય. આ તારો પર્સિયસ તારામંડળનો બીટા પર્સી (Beta Persei) તારો છે. અલગૂલ એક ગ્રહણકારી યુગ્મ તારો (eclipsing binary) છે. આથી તેના તેજમાં વધઘટ થતી રહે છે. આથી તેને આંખ મિચકારતો રાક્ષસ (Winking Demon) કે દૈત્યનયન (Demon’s Eye) પણ કહેવાય છે. તેની તેજસ્વિતામાં દર 2 (બે) દિવસ, 20 કલાક અને 48 મિનિટે 2.1થી 3.4 કાંતિમાન (magnitude) સુધીની વધઘટ થતી રહે છે અને જો આકાશ સ્વચ્છ હોય તો શિયાળાની લાંબી રાત્રિમાં કોઈ એક જ રાત્રે તેના તેજમાં થતી વધઘટ જોઈ શકાય છે. હકીકતે આ તારો આકાશમાં શોધવામાં આવેલો પહેલો ગ્રહણકારી યુગ્મ તારો હતો. અત્યાર સુધીમાં અલગૂલ જેવા બે હજારથી પણ વધુ તારા શોધાયા છે. વર્તમાન સદીમાં એવું માલૂમ પડ્યું છે કે અલગૂલને એક ત્રીજો જોડીદાર તારો પણ છે, જોકે તે એનું ગ્રહણ કરતો નથી. આ રીતે વસ્તુત: અલગૂલ ત્રણ તારાની એક સંયુક્ત યોજના છે. તે ત્રિક તારો છે. તારાની આ ત્રયી આપણાથી આશરે 104 પ્રકાશ-વર્ષ દૂર છે.

એવું લાગે છે કે આ તારાને આપેલા નામ પરથી તેના તેજવિકારમાં થતા ફેરફારની મધ્યયુગીન આરબોને ખબર હોવી જોઈએ. પણ તે અંગેની વ્યવસ્થિત નોંધ યુરોપમાં મળે છે. સન 1669માં ઇટાલીના ખગોળવિદ્ જેમિનિયાનો મોંતાનેરી(Geminiano Montanari : 1633–1687)એ તેના આ રૂપવિકારની, અથવા કહો કે, તેજમાં થતી વધઘટની, નોંધ કરી હતી. તે પછી 1782–83માં ડચ-અંગ્રેજ ખગોળવિદ્ જૉન ગુડરિકે (John Goodrick : 1764 –1786) તેની તેજસ્વિતાનો આવર્તકાળ નિર્ધારિત કર્યો હતો; એટલું જ નહિ, તે યુગ્મ તારો છે અને તેના એક ઝાંખા તારા વડે તેનું ગ્રહણ થતું રહે છે તેવું પણ તેણે નોંધેલું, જે પાછળથી પ્રમાણિત થયું હતું.

અલગૂલ તેના તેજવિકારને કારણે જાણીતો છે, પણ તે આ તારામંડળનો સહુથી પ્રકાશિત તારો નથી. યયાતિ તારામંડળનો સહુથી ચળકતો તારો (આલ્ફા) અલજેનિબ કે મરફૅક (Algenib/Mirfak) નામનો તારો છે. આ ઉપરાંત યયાતિમંડળમાં બીજા ચારેક પ્રકાશિત તારા પણ છે, પણ હકીકતે આ સમગ્ર મંડળનો એક પણ તારો પ્રથમ કાંતિમાન(magnitude)નો નથી. આ તારામંડળમાં આવેલા અન્ય નોંધપાત્ર ખગોળપિંડો : મેસિયર–34 (M–34). આ એક ખુલ્લું કે અવકાશી તારકગુચ્છ (open cluster) છે, જે બાઇનૉક્યુલર કે દૂરબીન વડે જોઈ શકાય છે. તેનો કાંતિમાન 6 છે. M–76 ગ્રહરૂપ નિહારિકા (planetary nebula) છે, જે 11 કાંતિમાનના તારા જેવો ચળકાટ ધરાવે છે, અને દૂરબીનથી જોઈ શકાય છે. NGC–869 અને NGC–884 એવા બે યયાતિ દ્વિતારાગુચ્છ (double cluster) પણ આવેલા છે, જે અંધારી રાતે નરી આંખે પણ જોઈ શકાય છે. આ પ્રત્યેક તારકગુચ્છમાં આશરે 300થી પણ વધુ તારાઓ આવેલા છે. દક્ષિણ ભારતમાંથી આ બંને તારકગુચ્છ આકાશમાં ઘણા ઉત્તરે આવેલા હોઈ, બહુ સારી રીતે જોઈ શકાતા નથી.

આ ઉપરાંત, દર વર્ષે ઑગસ્ટમાં અને તેમાંય ખાસ કરીને 11 અને 12મી તારીખે, મધરાત પછી આ તારામંડળમાંથી ઉલ્કાની વર્ષા થતી જોવા મળે છે. યયાતિ ઉલ્કા (Perseids) તરીકે ઓળખાતી આ ઉલ્કાવર્ષા બહુ જાણીતી ઉલ્કાવર્ષા પૈકીની એક અને અત્યંત દર્શનીય હોય છે. દર કલાકે આશરે પચાસથી સાઠ જેટલી ઉલ્કા જોવા મળે છે. સ્વિફ્ટ-ટટલ નામનો આવર્તક ધૂમકેતુ (periodic comet Swift-Tuttle) આ માટે કારણભૂત છે.

સુશ્રુત પટેલ