યર્બી, ફ્રૅન્ક

January, 2003

યર્બી, ફ્રૅન્ક (જ. 5 સપ્ટેમ્બર 1916, ઑગસ્ટા) : અમેરિકાના ઐતિહાસિક નવલકથાકાર. તેમને ‘હેલ્થ કાર્ડ’ (1944) નામક વાર્તાસંગ્રહ માટે ઓ’ હેનરી સ્પેશ્યલ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમની નવલકથા ‘ધ ફૉક્સિસ ઑવ્ હૅરો’(1946)એ તેમને વ્યાપક પ્રસિદ્ધિ અપાવી હતી. તે નવલકથાનું ધૂમ વેચાણ થયું હતું. 1947માં તેના આધારે ફિલ્મનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું.

તેમની અન્ય નવલકથાઓમાં ‘પ્રાઇડ્ઝ કૅસલ’ (1949), ‘ફેર ઑક્સ’ (1957) અને ‘ગ્રિફિન્સ વે’ (1962) ઉલ્લેખનીય છે. આ નવલકથાઓનું સર્જન આંતરવિગ્રહના સમયમાં થયું હતું. તે નવલકથાઓ દક્ષિણમાં ગુલામી અને પુન:નિર્માણ અંગે સાચી ભાવનાશીલ કથાઓના સર્જન માટે સહાયક બની. તેમની પાછળની નવલકથાઓ ‘સ્પીક નાઉ’ (1969) અને ‘દહૉમિન’(1971)માં તેમણે તેમના પ્રથમ વાર્તાસંગ્રહનું વિષયવસ્તુ છેડ્યું છે. અમેરિકન એલચીના કૅરિબિયન સરમુખત્યાર સામેના સંઘર્ષને વણી લેતી તેમની છેલ્લી નવલકથા ‘હેલ ધ કૉન્કરિંગ હીરો’ (1978) છે.

બળદેવભાઈ કનીજિયા