યયાતિ (1959) : મરાઠી લેખક વિ. સ. ખાંડેકરની નવલકથા. તેને મળેલા અનેક ઍવૉર્ડોમાં રાજ્ય સરકારનો ઍવૉર્ડ, કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1960) અને જ્ઞાનપીઠ ઍવૉર્ડ (1974) મુખ્ય છે.

વિકાસશીલતાના મહાકાવ્ય જેવી આ નવલકથાનું વિષયવસ્તુ રાજા યયાતિની પૌરાણિક કથામાંથી લેવામાં આવ્યું છે. યયાતિ પોતાના પુત્રનું યૌવન મેળવીને શાશ્વત તારુણ્ય ઝંખતો હતો. આ કથામાં ખાંડેકરે કેટલાક ફેરફારો કરી તેમાં નવો અર્થ પ્રયોજી તેને અદ્યતન જીવનના સંદર્ભમાં પ્રસ્તુત કરી છે. યયાતિને સતત દુન્યવી સુખ શોધનાર માનવી તરીકે અને કચને આંતરિક સંવાદિતા શોધનાર વ્યક્તિ રૂપે રજૂ કર્યા છે. દૈહિક વાસના અને આત્મતત્વની ઝંખના વચ્ચે અટવાતા માનવીના મનનો સનાતન દ્વિધાભાવ આલેખવા ખાંડેકરે મૂળભૂત માનવ-પરિસ્થિતિનો લાભપ્રદ ઉપયોગ કર્યો છે.

ખાંડેકરને મન કચ નિષ્પાપ નૈતિક ચારિત્ર્ય ધરાવતી વ્યક્તિ છે. તેનાં ત્યાગ, પૂર્ણતા માટેની મથામણ તથા માનવજાતિ માટેના સર્વવ્યાપી પ્રેમના કારણે તે ઉદાત્ત પાત્ર તરીકે ઊપસી આવે છે, જ્યારે ભૌતિક ભોગવિલાસ માટેની આસક્તિ યયાતિને ચંચળ મનનો માનવી બનાવી મૂકે છે.

આ નવલકથામાં 3 યથાર્થ દર્શન પ્રતીત થાય છે; કારણ કે તેમાં પોતાની કથની કહેનાર 3 પાત્રો છે  યયાતિ, દેવયાની અને શર્મિષ્ઠા. તે પાત્રોના મનની ઊંડાઈ માપવાનો ખાંડેકરનો પ્રયત્ન તેમના પોતાના મનની આંતર-પ્રતિક્રિયા પ્રગટ કરે છે. આ રીતે ખાંડેકરે આસક્તિ અને ત્યાગ વચ્ચેનો ભેદ રજૂ કર્યો છે; પરિણામે નવલકથામાં થોડા પ્રસંગોની ગૂંથણીવાળું બારીક કથાવસ્તુ હોવા છતાં પાત્રોનું પૃથક્કરણ રસાળ છે.

ખાંડેકરે રજૂ કરેલ યયાતિ મૂળભૂત રીતે ઉદાત્ત, સંસ્કારી છે તથા જીવનનાં શાશ્વત મૂલ્યોથી પરિચિત છે; પરંતુ તેની ભોગેચ્છા તેને અનિયંત્રિત બનવા દે છે અને તેની અધોગતિ નોતરે છે. તેની દૈહિક ભોગવિલાસ માટેની લોલુપતા જાણે આત્મપીડનમાંથી છુટકારો મેળવવાનો માર્ગ છે. નવલકથામાં અપનાવાયેલી કથનાત્મક શૈલી તેની પ્રબોધકતાનો મહત્વનો ભાગ છે. મુખ્ય પાત્રો તેમની પોતાની કથની મુખ્ય કથાવસ્તુના જુદા જુદા તબક્કે રજૂ કરે છે. કલાત્મક પ્રૌઢિ અને હેતુની ઉન્નત ગંભીરતાને લીધે મરાઠી અને તેથી ભારતીય સાહિત્યમાં આ કૃતિ મહત્વના પ્રદાનરૂપ છે.

બળદેવભાઈ કનીજિયા