યમી વૈવસ્વતી : ઋગ્વેદ અનુસાર સૂર્યવિવસ્વત્ની પુત્રી. ઋગ્વેદ 10–17–1, 2માં કથા છે, તે મુજબ ત્વષ્ટાએ પોતાની પુત્રી સરણ્યુને વિવસ્વત્ (સૂર્ય) સાથે પરણાવી હતી. તેનાથી વિવસ્વત્ને સંતાનયુગ્મ પ્રાપ્ત થયું : યમ અને યમી. આ રીતે યમી વિવસ્વત્ની પુત્રી હોવાથી યમી વૈવસ્વતી તરીકે પ્રસિદ્ધ થઈ. શ્રીમદભાગવત 6–6–40માં એની માતાનું નામ ‘સંજ્ઞા’ આપ્યું છે. યમી ઋષિકા હતી, મંત્રદર્શિની હતી. તેનું અને યમ સાથેનું એક સંવાદસૂક્ત ઋગ્વેદ 10–10 મળે છે. તેમાં છ મંત્રોની તે દર્શિની છે. આ સંવાદસૂક્ત સાધારણ તફાવત સાથે અથર્વવેદ(18–1)માં પણ મળે છે. યમીના પ્રણયપ્રસ્તાવનો યમ અનાદર કરે છે. આ સૂક્ત માનવસભ્યતાના ઉષ:કાળનું છે. યમી વૈવસ્વતી વિદૂષી હતી. ઋગ્વેદમાં તેણે દર્શન કર્યું હોય તેવું એક સ્વતંત્ર સૂક્ત 10–154 મળે છે. આ સૂક્ત માટે ભાષ્યકાર સાયણાચાર્યે સ્પષ્ટ કહ્યું છે – ‘વિવસ્વતો દુહિતા યમ્યૃષિ:’ – વિવસ્વત્ની પુત્રી યમી (આની) ઋષિ છે. આ સૂક્તમાં અનુષ્ટુપમાં રચાયેલા પાંચ મંત્રો છે. તેનો ભાવાર્થ સરસ છે. મરણોન્મુખ યજમાનને કહેવાયું છે – ‘હે જીવ, તું પછીનો જન્મ એવો પ્રાપ્ત કર કે જેમાં સામ જ્ઞાન-પ્રદાન કરે, યજુ: અને અથર્વ જ્ઞાનપ્રદાન કરે. તપથી જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. તું એવા અપરાજેય તપને પ્રાપ્ત કરજે. વીરપુરુષો પરાક્રમોથી શરીર છોડે અને સહસ્રોનું દાન કરે, તેવો જન્મ તું પ્રાપ્ત કરજે. પૂર્ણજ્ઞાનીઓ સત્યનિષ્ઠ હોય છે, યાજ્ઞિકો હોય છે, સત્યની વૃદ્ધિ કરનાર તપોનિષ્ઠ માતપિતા હોય છે. તું એવો જન્મ મેળવજે.
હજારો દૃષ્ટિવાળા ક્રાન્તદર્શીઓ પરમેશ્વરને પોતાનાં જ્ઞાન અને કર્મમાં સાચવી રાખે છે. ‘હે જીવ, તું આવો જન્માન્તર પ્રાપ્ત કર.’ ‘સ્કન્દપુરાણ’ 2–4–11માં જણાવ્યું છે કે યમીએ ભાઈબીજનું વ્રત કરીને પોતાના ભાઈ યમને પ્રસન્ન કર્યો હતો. યમુના આ વૈવસ્વતીનું નદીસ્વરૂપ છે. ભાઈબીજને દિવસે યમુના-સ્નાન કરવાથી યમ પ્રસન્ન રહે છે, તેવું વિધાન છે. ભવિષ્યોત્તર પુરાણનું કથન છે કે આ દિવસે બહેન પોતાના ભાઈને પોતાને ઘરે જમાડે તો તેને યમથી બચાવી શકે છે. યમુનાજળમાં ઊભા રહીને, યમને તલમિશ્રિત ત્રણ જલાંજલિ આપવી તે ‘યમુનાસ્નાનતર્પણ’ કહેવાય છે.
રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા