યથાર્થવાદ (realism)

January, 2003

યથાર્થવાદ (realism) : ઓગણીસમી સદીના મધ્યમાં ફ્રાંસમાં પ્રકટેલ કલાપ્રવાહ. આ કલાપ્રવાહનો પ્રણેતા ચિત્રકાર ગુસ્તાફ કૉર્બે (Gustave Corbet, 1819–1877) સમકાલીન બે મુખ્ય કલાપ્રવાહો – રંગદર્શિતાવાદ (romanticism) અને નવપ્રશિષ્ટતાવાદ-(neoclassicism)થી કંટાળ્યો હતો. રંગદર્શિતાવાદના માનવમનને બહેકાવતી લાગણીઓના સ્વપ્નિલ વિહાર તેમજ નવપ્રશિષ્ટતાવાદમાં અંકિત થતાં ગ્રેકોરોમન વીરનાયકો, નાયિકાઓ અને દેવદેવીઓનાં ચિત્રો અને શિલ્પો નિહાળી-નિહાળીને તે થાક્યો હતો. તે માનતો હતો કે ચામડાની આંખે જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય તેવા દેવતાઓનાં ચિત્રો-શિલ્પો સર્જવાનો કોઈ અર્થ નથી. તેનું એક પયગંબરી (prophetic) વિધાન ખૂબ જ વિખ્યાત થયું હતું : ‘મેં કદી દેવદેવી જોયાં ન હોવાથી, હું દેવદેવી ચીતરી ન શકું.’ કૉર્બેએ સમકાલીન સમાજની સાચી તાસીર પ્રકટ કરતાં ચિત્રો સર્જ્યાં. તેણે ખેતરોમાં કામ કરતાં ફ્રેન્ચ ખેતમજૂરોનાં, રસ્તો બનાવવાનું કામ કરતા મજૂરોની પથ્થર તોડવાની ક્રિયાઓનાં, ગ્રામીણ પ્રદેશો અને સમુદ્રોનાં ચિત્રો સર્જ્યાં. આ ઉપરાંત તેણે પોતાનું વિરાટ આત્મચિત્ર દોર્યું, જેમાં વચ્ચોવચ્ચ તે પોતે પોતાના સ્ટુડિયોમાં કૅન્વાસ પર ચિત્ર ચીતરતો નજરે પડે છે. ચિત્રના જમણા ભાગમાં પોતાનાં ચિત્રકારમિત્રો અને કવિમિત્રોને આલેખ્યા અને ચિત્રના ડાબા ભાગમાં પોતાના કડિયામિત્રો, કઠિયારામિત્રો અને પથ્થર તોડનારા મજૂરમિત્રોને આલેખ્યા. આમ, બુદ્ધિજીવીઓ શ્રમજીવીથી ચડિયાતા નથી અને બધા સમાન છે તેવી પોતાની માન્યતાનું પ્રતિપાદન કર્યું. વળી, પોતાને અડીને જ નગ્ન મુદ્રામાં ઊભેલી સ્ત્રી ‘મૉડેલ’ અને પોતાની સામે કૅન્વાસ પાસે એક બાળક તથા ગલૂડિયું ચીતર્યું છે. સમકાલીન રંગદર્શી ચિત્રકારો જેરિકો (Gericault) દલાક્રવા(Delacroix)માં જોવા મળતાં કલ્પનાનાં ઉડ્ડયનો અને સમકાલીન નવપ્રશિષ્ટતાવાદી ચિત્રકાર આંગ્ર(Ingres)માં જોવા મળતા પ્રાચીન કલા-સંસ્કૃતિ પ્રત્યેના આકર્ષણની સરખામણીમાં કૉર્બેનાં ચિત્રોમાં આધુનિકતાની તાજી હવાનો અનુભવ થાય છે. તેણે પોતાનાં મોટાભાગનાં ચિત્રો ફ્રાંસમાં આવેલા પોતાના ગામ ઑર્નાન્સમાં સર્જ્યાં હતાં. કેટલાંક ચિત્રોમાં સમકાલીન રાજકીય પરિસ્થિતિ અને સામાજિક દંભ પરનો કટાક્ષ અછતો રહેતો નથી.

અન્ય રિયાલિસ્ટ ફ્રેન્ચ ચિત્રકાર દોમિયે(Daumier)એ સમકાલીન સમાજ પર કૉર્બે કરતાં પણ વધુ આકરા કટાક્ષના ચાબખા માર્યા છે. તેણે શિષ્ટાચારના ડોળ અને લાગણીવેડાને તિલાંજલિ આપી ભદ્ર સમાજમાં વ્યાપેલાં આડંબર અને પાખંડીપણા પર તથા તત્કાલીન આપખુદ સરકારમાં વ્યાપેલ ભ્રષ્ટાચાર પર પોતાનાં ચિત્રોમાં આકરા પ્રહાર કર્યા. તેના જાણીતા ચિત્ર ‘ટ્રાવેલર્સ ઑવ્ ધ થર્ડ ક્લાસ’માં નીચલા સ્તરના લોકોના નીરસ અને કંગાળ જીવનનું નિરૂપણ છે. તેનાં અદાલતનાં ચિત્રોમાં વકીલો અને ન્યાયાધીશોનાં આડંબર અને તુમાખીનું નિરૂપણ છે.

યથાર્થવાદની સીધી અસર બાર્બિઝોન (Barbizon) નિસર્ગચિત્ર- શૈલી પર પડી. આ શૈલીમાં રંગદર્શી અભિગમનો ત્યાગ કરી વાસ્તવિક નિસર્ગને આત્મસાત્ કરવાનો પ્રયત્ન છે. તે પછી અસ્તિત્વમાં આવેલી પ્રભાવવાદી (impressionist) ચિત્રશૈલી પર પણ યથાર્થવાદનો પરોક્ષ પ્રભાવ જોઈ શકાય છે.

અમિતાભ મડિયા