યક્ષ (પાલિ યખ્ખ, ગુજરાતી જખ) :

January, 2003

યક્ષ (પાલિ યખ્ખ, ગુજરાતી જખ) : ભારતની ધાર્મિક પરંપરાઓ અનુસાર દિવ્ય ખજાનાઓના રક્ષક અને ધનસંપત્તિના દાતા, ઉપદેવતા. હિંદુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મોમાં યક્ષોનો મહિમા સ્વીકારવામાં આવ્યો છે.

યક્ષ

હિંદુ ધર્મમાં દેવોના દેવો, ગણદેવો અને ઉપદેવો એ ત્રણ વર્ગો મનાય છે. યક્ષોની ગણના ઉપદેવોમાં કરવામાં આવે છે. મહાભારતમાં તેમને શૂદ્રદેવતા કહ્યા છે. મૂળમાં તેઓ અસુરો ગણાતા, પરંતુ પાછળથી સુરો (દેવો) સાથે જોડાણ પામ્યા. તેઓ કુબેરના ઉપાસક હતા અને તેની સંપત્તિની રક્ષા કરતા. કુબેરને યક્ષોનો રાજા કહેવામાં આવ્યો છે.

ઋગ્વેદમાં યક્ષોને જાદુઈ શક્તિ ધરાવતા અને રાક્ષસોની નિકટ માનવામાં આવતા હતા. અલબત્ત, તેઓ મનુષ્યોના વિરોધી નહોતા. ‘પુણ્યજન’ ગણાતા યક્ષો અને રાક્ષસો બંને કુબેરનાં પ્રજાજનો ગણાતાં. વસ્તુત: પ્રારંભમાં બે પ્રકારના અસુરો હતા, એમાં ખજાનો, જલ અને યજ્ઞાદિની રક્ષા કરનાર યક્ષ કહેવાયા, જ્યારે યજ્ઞોમાં બાધા કરનારા રાક્ષસો કહેવાયા. યક્ષો ઉત્તરે હિમાલયના કાશ્મીર પ્રદેશમાં સ્થિર થયા, જ્યારે રાક્ષસો દક્ષિણમાં સ્થિર થયા. યક્ષોનો રાજા કુબેર ઉત્તર દિશાનો દિક્પાલ અને સ્વર્ગનો કોષાધ્યક્ષ મનાયો.

વસ્તુત: યક્ષ એ કોઈ કાલ્પનિક લોકો નહોતાં, કિરાતોની જ ખમ્બુ, લિમ્બુ કે યાખા નામનો જાતિસમુદાય હતો. મત્સ્યપુરાણમાં જણાવ્યા પ્રમાણે, તેઓ આર્ય જનપદોમાં રહેતા હતા. કાલિદાસના સમય (ઈ. સ. ચોથી-પાંચમી સદી) સુધીમાં તેઓ વિન્ધ્યપ્રદેશ સુધી પ્રસર્યા હોવાનું જણાય છે. કલ્હણે ‘રાજતરંગિણી’માં તેમને કાશ્મીરના મૂળ વતની ગણાવ્યા છે અને ત્યાંથી ઉત્તરનાં મેદાનોના ભાગમાં પ્રસર્યા હોવાનું જણાવ્યું છે. કલ્હણના વર્ણન પરથી જણાય છે કે યક્ષો નદીનાળાંના પ્રવાહો બદલવામાં કુશળ ઇજનેરો હતા. જલરક્ષક દેવતા તરીકે તેમની ખ્યાતિ અન્ય ગ્રંથોમાં નિરૂપાઈ છે તે આ બાબતમાં સૂચક છે. મહાભારતમાં વનવાસકાળ દરમિયાન જળની શોધમાં ગયેલા પોતાના ભાઈઓ બકુલ નામના યક્ષના પ્રશ્નોના ઉત્તર નહિ આપી શકતાં મૂર્ચ્છા પામ્યા ત્યારે યુધિષ્ઠિરે એ યક્ષ-પ્રશ્નના સંતોષકારક ઉત્તર આપીને પોતાના ભાઈઓને ઉગાર્યા હોવાનો વૃત્તાંત અપાયો છે.

પ્રાચીન કાળમાં યક્ષપૂજાનો સંપ્રદાય પણ પ્રચલિત થયો હતો. ભગવદ્ગીતામાં રાજસ પ્રકારના લોકો યક્ષની પૂજા કરતા હોવાનું વર્ણવાયું છે. દંડીના ‘દશકુમારચરિત’માં યક્ષ-યક્ષિણીઓનો સંબંધ મેલી વિદ્યા સાથે હોવાનો નિર્દેશ પ્રાપ્ત થાય છે. તમિળનાડુના ઐયરો (દક્ષિણના આહીરો કે આભીરો) યક્ષોની પૂજા કરતા હતા. આજે પણ જખ કે જક્ષણીની પૂજા-ઉપાસના લોકસમુદાયમાં પ્રચલિત હોવાનું જણાય છે. મૂર્તિઓમાં તેમને ભારે વક્ષ, મોટાં બહાર લચેલાં ઉદર, હાથમાં તલવાર, ગદા તેમજ ભાલો વગેરે શસ્ત્રો ધારણ કરતા દર્શાવાયા છે.

બૌદ્ધ ધર્મમાં પણ યક્ષોને મૂળમાં મનુષ્યરૂપે અને પાછળથી ‘અમાનુષા:’ સાથે સેળભેળ કરવામાં આવ્યા હોવાનું જણાય છે. આથી બૌદ્ધ સાહિત્યમાં તેમનો દેવો, રાક્ષસો, દાનવો, ગંધર્વો, કિન્નરો, મહોરગોની સાથે ‘અમાનુષા’ તરીકે નિર્દેશ થયેલો જોવામાં આવે છે. તેમનો સંપ્રદાય સાગરખેડુઓમાં પ્રચલિત થયો હતો. યક્ષોમાંના કેટલાક વૃક્ષદેવતા અને કેટલાક ભૂમિદેવતા મનાતા. સાધારણ રીતે તેમનો વાસ વૃક્ષમાં છે તેમ મનાતું. તેઓ અલૌકિક શક્તિ ધરાવતા, પોતે બાંધેલા મહેલોમાં રહેતા અને સઘળા પ્રકારનો વૈભવ ભોગવતા. બૌદ્ધ મૂર્તિવિધાનમાં યક્ષોને મહત્વનું સ્થાન મળ્યું છે. એમાં ધ્યાની બુદ્ધ રત્નસંભવમાંથી ઉદભવ પામેલ જમ્ભલ મુખ્ય છે. જમ્ભલની સ્વતંત્ર મૂર્તિઓમાં જમ્ભલને તેની શક્તિ (યબ-યુમ) સાથે  અષ્ટદલકમલની મધ્યમાં ઊભેલ દર્શાવાય છે. એ કમળની આઠેય પાંદડીઓ પર આઠ યક્ષરાજો અનુક્રમે મણિભદ્ર, પૂર્ણભદ્ર, ધનદ, વૈશ્રવણ, કેલીમાલી, ચિવિકુંડલી, સુખેન્દ્ર અને ચરેન્દ્ર પોતપોતાની યક્ષિણી(અનુક્રમે ચિત્રકાલી, દત્તા, સુદત્તા, આર્યા, સુભદ્રા, ગુપ્તા, દેવી અને સરસ્વતી)ને આલિંગન આપતા દર્શાવાય છે. એમાં પ્રત્યેક યક્ષ દ્વિભુજ છે અને તે જમણા હાથમાં બિજોરું અને ડાબા હાથમાં નોળિયો ધારણ કરતા જોવામાં આવે છે. જમ્ભલની આ સ્વરૂપની સ્વતંત્ર દ્વિભુજ પ્રતિમાઓ પણ પ્રાપ્ત થાય છે. બૌદ્ધ પરંપરામાં યક્ષોને ખજાનાના અધિપતિ અને ભેટસોગાદોથી પ્રસન્ન થતાં સુખ-સમૃદ્ધિ આપનારા વર્ણવ્યા છે.

તેમનામાં સૌથી મુખ્ય વૈશ્રવણ (કુબેર) છે. તે ખજાનાનો દેવતા છે અને પોતાના યક્ષસમુદાય સાથે ઉત્તરમાં રહે છે. આ દ્વિભુજ યક્ષના જમણા હાથમાં માતુલિંગ કે બિજોરું અને ડાબા હાથમાં મુખમાંથી રત્ન બહાર કાઢતો નોળિયો હોય છે. અહીં નોળિયો ખજાનાનું પ્રતીક હોવાનું જણાય છે.

જૈન પરંપરામાં યક્ષોને ધનનું રક્ષણ કરનારા હોઈ દેવકોટિમાં સ્વીકાર્યા છે. યક્ષો તીર્થંકરોના ભક્ત છે. દરેક તીર્થંકરની સેવા કરવા માટે ઇંદ્ર એક યક્ષ અને એક યક્ષિણીની નિયુક્તિ કરે છે. તીર્થંકરની જમણી બાજુ યક્ષ અને ડાબી બાજુ યક્ષિણી સેવાતત્પર મુદ્રામાં ઊભેલાં હોય છે. આથી તેઓ શાસનદેવતા કે અનુચરદેવતા તરીકે ઓળખાય છે. તીર્થંકરની મૂર્તિમાં તીર્થંકર જે આસન–પાટલી પર બેઠા હોય તેની બંને બાજુએ કે ફરતા પરિકરના છેડા પર યક્ષ અને યક્ષિણીની પ્રતિમા કંડારેલી જોવામાં આવે છે. ઉત્તરકાળમાં જૈન દેવીદેવતાઓમાં યક્ષોને મહત્વનું સ્થાન પ્રાપ્ત થતાં તેમની સ્વતંત્ર પ્રતિમાઓ પણ થવા લાગી. ઋષભદેવના યક્ષ ગોમુખ અને યક્ષિણી ચક્રેશ્વરી, નેમિનાથના યક્ષ ગોમેધ અને યક્ષિણી અંબિકા તેમજ પાર્શ્વનાથના યક્ષ ધરણેન્દ્ર અને યક્ષિણી પદ્માવતીની ઉપાસના વિશેષ પ્રચલિત થઈ. યક્ષરાજ મણિભદ્રની પણ સ્વતંત્ર મૂર્તિઓ થવા લાગી હતી.

પ્રવીણચંદ્ર પરીખ