યક્ષગાન બયલતા (1957)

January, 2003

યક્ષગાન બયલતા (1957) : દક્ષિણ કન્નડના લોકનાટ્ય યક્ષગાનના સ્વરૂપના ઊગમ અને વિકાસને લગતો શિવરામ કારન્તનો શોધપ્રબંધ. આ કૃતિને 1959ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. નાટ્યવિષયનાં વિવિધ પાસાંને લગતા પોતાના ખાસ રસને લીધે કારન્ત તેમના પ્રદેશના આ કલાસ્વરૂપ તરફ આકર્ષાયા. એમાં કેટલાક ધંધાદારીઓએ તેનું વ્યાપારીકરણ કરેલું જોઈ તેમાં પ્રવેશેલી વિકૃતિથી ચિંતિત પણ બન્યા. તેમણે યક્ષગાનને લગતી તમામ પ્રાપ્ય હસ્તપ્રતો તપાસવા વિસ્તૃત પ્રવાસ ખેડ્યો અને એવા તારણ પર આવ્યા કે આ સ્વરૂપ 4 સદીઓ કરતાંય પ્રાચીન છે, અને તેનું સંગીત શાસ્ત્રીય સંગીત કરતાં વિશાળ ફલક ધરાવતી લોકકથાઓમાંથી ઊતરી આવ્યું છે. તેમના મત પ્રમાણે આ સ્વરૂપ અસલમાં 10 અવતારો અથવા વિષ્ણુના અવતારનાં કીર્તન કરવામાં વપરાતું અને તેથી તે ‘દશાવતાર આતા’ તરીકે જાણીતું થયું. એક તરફ લય અને સંગીત, બીજી તરફ ભાવો-લાગણીઓ અને અનુભવ, ધીમે ધીમે કેવી રીતે એકબીજાંથી વિખૂટાં પડ્યાં તેની તેમણે વિચારણા કરી છે.

આ કૃતિના બીજા ભાગમાં આ સ્વરૂપમાં નોંધપાત્ર ફાળો આપનાર સોળમી સદીથી વીસમી સદી સુધીના કવિઓ અને નાટ્યકારોની વિગતો આપી છે.

એમની આ કૃતિ 1975માં અંગ્રેજીમાં અનૂદિત કરાઈ હતી. લોકકલાના અભ્યાસમાં વિશિષ્ટ ફાળો આપનાર આ કૃતિને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ પ્રાપ્ત થઈ છે.

આ પુરસ્કૃત કૃતિમાં તેમણે ગ્રામીણ નાટકકારો અથવા આખ્યાનકારોનાં જીવન અને કૃતિઓ તપાસવાની સાથોસાથ આ સ્વરૂપના ક્રમિક અને સર્વાંગી વિકાસનું નિરૂપણ કર્યું છે. યક્ષગાનનું સરળ લોકસંગીત શાસ્ત્રીય સંગીત કરતાં વધુ ભાવવાહી છે. યક્ષગાનની પરંપરામાં દક્ષિણ ભારતની અન્ય નૃત્યનાટિકાઓનાં સ્વરૂપોનાં તત્વો રહેલાં છે. પણ તે ઉછીની લીધેલી કલા નથી. તેમણે ‘સભાલક્ષણ’ પણ તપાસ્યું છે. આથી યક્ષગાનના સંગીત અંગેના પ્રકરણમાં માત્ર યક્ષગાન પરત્વે જ નહિ, પણ ભારતના બિનશાસ્ત્રીય સંગીત અથવા લોકસંગીતશાસ્ત્રના વિષય પરત્વે પણ તેમણે પોતાની રીતે વિચાર્યું છે અને તેની રજૂઆત દ્વારા આ ક્ષેત્રે અતિમૂલ્યવાન ફાળો આપ્યો છે. તેમનાં તારણો વિસ્તૃત સંશોધન અને ભાગવત ભજવતા સંગીતકારો સાથેના પરિસંવાદો પર આધારિત છે, તેથી કૃતિનો આ ભાગ કારન્તના પ્રબંધનું હાર્દ બને છે. કઠપૂતળી દ્વારા ભજવાતા યક્ષગાન વિશે પણ તેમણે સંક્ષેપમાં રજૂઆત કરી છે.

આ કૃતિની શૈલી સાદી અને સંક્ષિપ્ત છે. ‘યક્ષગાન બયલતા’ આ કલાસ્વરૂપ અંગેનો સૌથી વધુ વિદ્વત્તાપૂર્ણ, સંશોધનમૂલક, દૃષ્ટાંતરૂપ ગ્રંથ છે. આ લોકનાટ્યના મૂળ સ્વરૂપ વિશેના તેમના ખ્યાલો અનુસાર તેમણે યક્ષગાનને પુનર્જીવિત કર્યું, તે માટે વિવિધ નર્તકોનાં જૂથોને તેની તાલીમ આપી અને તેમની સાથે રશિયા સમેત અનેક યુરોપીય દેશોની મુલાકાત પણ લીધી હતી.

બળદેવભાઈ કનીજિયા