યકૃતશોથ, મદ્યપાનજન્ય (alcoholic hepatitis) : દારૂને કારણે યકૃત(liver)માં ઉદભવતા ઉગ્ર તથા દીર્ઘકાલી શોથ (inflammation) અને કોષનાશ(necrosis)ની પ્રતિક્રિયા. ચેપ, ભૌતિક અથવા રાસાયણિક ઈજા પછી શરીરમાં પ્રતિભાવરૂપે જે પ્રતિક્રિયા ઉદભવે છે, તેને શોથ (inflammation) કહે છે. તે સમયે તે સ્થળે લોહીનું પરિભ્રમણ અને લોહીના કોષોનો ભરાવો થાય છે. તેથી ત્યાં સોજો આવે છે. મદ્યપાનની રાસાયણિક અસરોને કારણે યકૃતમાં શોથકારી પ્રતિભાવ ઉદભવે છે. સામાન્ય રીતે તે આપોઆપ શમે છે; પરંતુ ક્યારેક તે સતત ચાલુ રહે તો અંતે યકૃતકાઠિન્ય (cirrhosis) નામનો વિકાર થઈ આવે છે. તેમાં યકૃતની અંદર તંતુઓ વિકસે છે અને યકૃતકોષોની અનિયમિત સંખ્યાવૃદ્ધિ ગંડિકાઓ બનાવે છે. યકૃતકાઠિન્યનાં બે મુખ્ય કારણોમાં યકૃતશોથ–સીનો ચેપ અને મદ્યપાન છે. અમેરિકામાં યકૃતશોથ–સી કરતાં મદ્યપાનથી યકૃતકાઠિન્ય થવાની સંભાવના 4થી 5ગણી વધુ જોવા મળી છે.
દરરોજ 50 ગ્રામ (વ્હિસ્કીના 4 ઔંસ, વાઇનના 15 ઔંસ અને બિયરના 48 ઔંસ) જેટલા આલ્કોહૉલનું 10 વર્ષ માટે સેવન કરનારાઓમાંના 8 %થી 15 %ને મદ્યપાનજન્ય યકૃતકાઠિન્ય થાય છે. જો સાથે વિષાણુથી થતો દીર્ઘકાલી યકૃતશોથ (chronic hepatitis) જેવું અન્ય કારણ ન હોય તો યકૃતકાઠિન્ય થવાની સંભાવના 5 % જેટલી રહે છે. જનીની પરિબળોનું પણ તેમાં મહત્વ ગણાય છે; જેમ કે, અર્બુદ-કોષનાશી ઘટક (tumour necrosis factor, TNF) – આલ્ફા તથા કોષવર્ણક પ્રણાલી (cytochrome system) – P 450 2E1 – ના સંકેતો સાથે સંકળાયેલાં જનીનોની બહુરૂપતા (polymorphism) મદ્યપાનથી યકૃતકાઠિન્ય થવાની સંભાવના વધારે છે. સ્ત્રીઓના જઠરમાં આલ્કોહૉલ ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક ઓછો હોવાથી યકૃતવિકાર વધુ થાય છે. જોકે અન્ય પરિબળો પણ કાર્યરત હશે; કેમ કે, કેટલીક વ્યક્તિઓને લાંબા સમય સુધી અતિભારે માત્રામાં મદ્યપાન પછી પણ યકૃતશોથ થતો નથી, જ્યારે કેટલાકને થોડાક સમયમાં જ તે થઈ આવે છે; પરંતુ 80 % દર્દીઓમાં 5 વર્ષ કે વધુ સમયનો મદ્યપાન-કુપ્રયોગ જોવા મળ્યો છે. એવું કહી શકાય કે જેટલો લાંબો સમયગાળો અને જેટલી વધુ માત્રા તેટલું જોખમ વધુ. સામાન્ય રીતે લોહીમાં આલ્કોહૉલનું પ્રમાણ 80 મિગ્રા./ડેસિલીટર કે વધુ થાય ત્યારે શ્વસનકસોટી(breath test)માં હકારાત્મક પરિણામ આવે છે. જેટલો લાંબો સમય વધુ પ્રમાણમાં આલ્કોહૉલ લેવાયો હોય તેટલા પ્રમાણમાં તેનો ચયાપચય પણ વિકસે છે અને તેથી તેવા દર્દીઓમાં ભારે માત્રામાં દારૂ પીવા છતાં શ્વસનકસોટી નકારાત્મક રહે છે.
મદ્યપાનને કારણે વિટામિનો અને ઊર્જા(કૅલરી)ની ઊણપ ઉદભવે છે. તેનાથી કેટલા પ્રમાણમાં યકૃતશોથ તથા યકૃતકાઠિન્ય થાય છે તે નિશ્ચિત નથી. એક સંકલ્પના પ્રમાણે ઇથેનૉલને કારણે શરીરમાં અંતર્વિષ (endotoxin) ઉદભવે છે, જે યકૃતમાંના કુફરના કોષો દ્વારા અર્બુદકોષનાશી ઘટક અને અન્ય કોષગતિકો(cytokines)નું ઉત્પાદન કરાવે છે. આ કોષગતિકો યકૃતશોથની પ્રતિક્રિયા સર્જે છે. આલ્કોહૉલમાંથી ઑક્સિદાયી ચયાપચયી દ્રવ્ય (oxidative metabolite) રૂપે એસેટાલ્ડિહાઇડ બને છે. તે મેદનું પેરૉક્સિડેશન કરે છે અને પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ (immune response) સર્જે છે. આવો પ્રતિરક્ષાલક્ષી પ્રતિભાવ યકૃતશોથ સર્જે છે. જો તે સમયે સાથે યકૃતશોથ–બી કે–સીનો ચેપ હોય કે હિમેટોક્રોમેટૉસિસ નામનો રોગ કરતી જનીન-વિકૃતિ (genetic mutation) હોય તો તીવ્ર પ્રકારનો યકૃતવિકાર થાય છે.
ચિહ્નો, લક્ષણો અને નિદાન : કોઈ એક દર્દીને કોઈ તકલીફ ન હોય, પરંતુ તેનું યકૃત મોટું થયેલું હોય છે, તો કોઈ એક દર્દી ગંભીર રીતે બીમાર પણ હોઈ શકે. ભારે માત્રામાં મદ્યપાન, અરુચિ, ઊબકા, કમળો અને મોટું થયેલું યકૃત સ્પષ્ટ નિદાન સૂચવે છે. ક્યારેક તેની સાથે પેટમાં દુખાવો, પેટને અડવાથી વેદના (સ્પર્શવેદના, tenderness), બરોળ મોટી થવી, જલોદર થવું, તાવ આવવો કે વિકાર થવો (મસ્તિષ્કરુગ્ણતા, encephalopathy) વગેરે પણ જોવા મળે છે. રક્તકોષો મોટા હોય અને સાથે પાંડુતા હોય, શ્વેતકોષોની સંખ્યામાં વધારો થાય, ક્યારેક શ્વેતકોષોની સંખ્યા ઘટે તથા આશરે 10 % દર્દીઓમાં ગંઠનકોષો(platelets)ની સંખ્યા પણ ઘટે. રુધિરકોષોની સંખ્યા ઘટવાનું કારણ બરોળ મોટી થઈ હોય તે અથવા દારૂની ઝેરી અસર થઈ હોય તે હોઈ શકે. એમીનો ટ્રાન્સએમિનેઝ ઉત્સેચકો વધે છે. તેમાં ઍસ્પાર્ટેટ ટ્રાન્સએમિનેઝના વધારાનું પ્રમાણ એલેનિન ટ્રાન્સએમિનેઝથી બમણું કે વધુ હોય છે. રુધિરરસમાં આલ્કેલાઇન ફૉસ્ફેટેઝનું પ્રમાણ પણ વધે છે અને 80 %થી 90 % દર્દીઓમાં કમળો થઈ આવે છે. જો રુધિરરસમાં બિલિરૂબિનનું પ્રમાણ 10 મિગ્રા./ડેસિલીટરથી વધુ હોય અને પ્રોથ્રૉમ્બિનકાળ 6 સેકન્ડ કરતાં વધુ વધેલો હોય તો મૃત્યુદર 50 % જેટલો હોય છે. 50 %થી 75 % દર્દીઓમાં લોહીમાંનું આલ્બ્યુમિન ઘટે છે અને ગ્લોબ્યુલિન વધે છે. શરીર અને યકૃતમાં લોહધાતુનો ભરાવો થાય છે. યકૃતનું પેશીપરીક્ષણ નિદાનસૂચક હોય છે. યકૃતકોષોમાં ચરબીનો ભરાવો, લોહીના બહુરૂપકેન્દ્રી શ્વેતકોષો(polymorphs)નો ભરાવો, યકૃતનો કોષનાશ (necrosis), આલ્કોહૉલથી થતી કાચવત્ કાય (alcoholic hyaline body) અથવા મેલોરી કાય (Mallory bodies) તથા સૂક્ષ્મગંડિકામય યકૃતકાઠિન્ય (micronodular cirrhosis) જોવા મળે છે. સોનોગ્રાફી કરવાથી યકૃતના અન્ય રોગોની ગેરહાજરી નક્કી કરી શકાય છે અને જળોદર થયું હોય તો તે દર્શાવી શકાય છે. સી.એ.ટી. સ્કૅન કે એમ.આર.આઈ.ની મદદથી યકૃતના કે સ્વાદુપિંડના અન્ય રોગો વિશે માહિતી મળે છે.
નિદાનભેદ રૂપે મદ્યપાની યકૃતશોથને પિત્તાશયશોથ (cholecystitis) કે પિત્તમાર્ગીય પથરીથી અલગ પડાય છે. ક્યારેક એમિએડેરોન જેવી દવાની ઝેરી અસર પણ આવો વિકાર કરે છે. સાથે વિષાણુજ કે અન્ય પ્રકારના યકૃતશોથ થયા નથી તેની ખાતરી કરાય છે.
સારવાર : દારૂ પીવાનું છોડી દેવું આવશ્યક છે. ખોરાકમાં કાર્બોદિત પદાર્થો વડે કૅલરી પૂરી પડાય છે. જો દર્દીને અપોષણ થયું હોય તો તેના વજન પ્રમાણે દર કિલોગ્રામે 40 કૅલરી અને 1.5થી 2 ગ્રામ પ્રોટીન અપાય છે. ફોલિક ઍસિડ, થાયામિન અને અન્ય વિટામિનો અપાય છે. યકૃત કે મગજના વિકારથી મૃત્યુ થતું અટકાવવા મિથાયલપ્રેડ્નિસોલન અપાય છે. પ્રોથૉમ્બિન કાળ લંબાયેલો હોય તો વિટામિન ‘કે’ અપાય છે. પેન્ટૉક્સિફાયલિન નામનું ઔષધ અર્બુદકોષનાશી ઘટકનું અવદમન કરે છે. તેની મદદથી પ્રથમ માસનો મૃત્યુદર ઘટાડી શકાય છે. તે મુખ્યત્વે યકૃત-મૂત્રપિંડ-સંલક્ષણ (hepatorenal syndrome) ઘટાડે છે. અન્ય પ્રયોગાત્મક સારવારમાં પ્રોપાયલ થાયોયુરેસિલ, ઑક્સેન્ડ્રોલોન તથા એસ એડિનોસિલ-ઍલમિથિયોનિન વપરાય છે.
પૂર્વાનુમાન : જો પ્રોથ્રૉમ્બિનકાળ 3 સેક્ધડથી વધુ વધેલો ન હોય તો પ્રથમ વર્ષનો મૃત્યુદર 7 % હોય છે, જે પ્રોથ્રૉમ્બિનકાળ વધે ત્યારે વધીને 18 % જેટલો થાય છે. જો પ્રોથ્રૉમ્બિનકાળ એટલો વધેલો હોય કે જેમાં યકૃતનું પેશીપરીક્ષણ શક્ય ન હોય, તો તેમાં મૃત્યુદર 42 % જેટલો થાય છે. લોહીમાં બિલિરૂબિન 10 મિગ્રા./ડેસિલીટરથી વધુ હોય, યકૃતીય મસ્તિષ્કરુગ્ણતા (બેભાનાવસ્થા) થઈ હોય કે મૂત્રપિંડની નિષ્ફળતારૂપ મૂત્રવિષરુધિરતા (azotaemia) થઈ હોય તો મૃત્યુદર વધુ રહે છે. દર્દી ઉગ્ર વિકારમાંથી બહાર આવી જાય તોય તેનો 3 વર્ષે મૃત્યુદર 10ગણો વધેલો હોય છે. તેવું યકૃતની પેશીપરીક્ષણમાં તીવ્ર વિકૃતિ જોવા મળે તોપણ થાય છે. જળોદર, લોહીની ઊલટી, યકૃત-મૂત્રપિંડ-સંલક્ષણ કે તીવ્ર કમળો હોય તો પણ 3 વર્ષનો મૃત્યુદર વધુ રહે છે. જો દર્દી મદ્યપાનની આદત છોડે નહિ તો મૃત્યુદર વધુ રહે છે. યકૃતપ્રતિરોપણ પણ જો દર્દી 6 મહિના માટે મદ્યપાન છોડે તો જ કરી શકાય છે.
સુધાંશુ પટવારી
શિલીન નં. શુક્લ