યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય (drug and toxin induced liver disease) : દવાઓ તથા રસાયણોની યકૃત પર થતી ઝેરી અસર. રોજ નવી દવાઓ બને છે, નવાં નવાં રસાયણોના સંસર્ગમાં અવાય છે. કુદરતી (નૈસર્ગિક) કે દ્રુમજન્ય (herbal) ઔષધોનો ઉપયોગ કરાય છે. આ બધાંમાંથી ઘણાં યકૃતમાં વિષતા સર્જે છે. તેને ઘણી વખત વિષાણુજ યકૃતશોથ (viral hepatitis) અથવા પિત્તરોધી કમળો (obstructive jaundice) જેવો વિકાસ સર્જે છે. યકૃતમાં ઝેરી પદાર્થોનું નિર્વિષીકરણ (detoxification) થતું હોય છે, પરંતુ તે ક્યારેક યકૃતમાં જ ઝેરી અસર સર્જે છે. ક્યારેક બે ઔષધો સાથે આપવાથી ઝેરી અસર થાય છે અથવા વધે છે; જેમ કે આઇસોનાયાઝિડ અને રિફામ્પિસિન, એસીટાએમિનોફેન અને આલ્કોહૉલ.
(1) સીધી ઝેરી અસર : કેટલાંક ઔષધો સીધી ઝેરી અસર કરે છે. આવી ઝેરી અસર પદાર્થની માત્રા સાથે સીધો સંબંધ ધરાવે છે અને તે દરેક વ્યક્તિને અસરગ્રસ્ત કરે છે. ક્યારેક તેના સંસર્ગ અને યકૃતવિકાર વચ્ચે થોડો લક્ષણરહિત કાળ (latent period) પસાર થાય છે. તેનાં ઉદાહરણોમાં મુખ્ય છે એસીટાએમિનોફેન (પૅરેસીટેમૉલ), આલ્કોહૉલ, કાર્બન ટેટ્રાક્લૉરાઇડ, ક્લૉરોફૉર્મ, ભારે ધાતુઓ, મર્કેપ્ટોપ્યુરિન, નિઆસિન, વનસ્પતિજન્ય આલ્કેલૉઇડ્ઝ, ફૉસ્ફરસ, ટેટ્રાસાઇક્લિન્સ, વૅલ્પ્રોઇક ઍસિડ, વિટામિન ‘એ’, વગેરે.
(2) વ્યક્તિવૈચિત્ર્યની અસર : કેટલીક વખત વ્યક્તિગત વૈચિત્ર્ય(idiosyncracy)ને કારણે કોઈ એક વ્યક્તિને ઍલર્જી, તાવ કે ઇઓસિનરાગી શ્વેતકોષોની અધિકતા થઈ આવે છે.
આ પ્રકારની પ્રતિક્રિયા ક્યારેક જ જોવા મળે છે. તે ઔષધમાત્રા (dose) સાથે સંબંધિત હોતી નથી. સામાન્ય રીતે તેમાં જોવા મળતી લોહીના ઇઓસિનરાગી કોષો(eosinophils)ની અધિકતા તે એક પ્રકારની વિષમોર્જિત (allergic) પ્રતિક્રિયા હોય એવું સૂચવે છે. ક્યારેક તે સિવાયની સીધી ઝેરી અસર હોય એવું જોવા મળે છે. આવું જનીની બંધારણને કારણે હોય છે. આવી પ્રતિક્રિયા ઍમિઓડેરોન, ઍસ્પિરિન, કાર્બોમેઝેપિન, ક્લૉરેમ્ફેનિકોલ, ડાઇક્લૉફેનેક, ફ્લ્યુટામાઇડ, હેલોથેન, આઇસોનાયાઝિડ, મિથાઇલ ડોપા, ઑક્ઝાસિલિન, ફીનાઇલબ્યૂટેઝોન, ફેનિટોઇન, પાયરિઝીનેમાઇડ, ક્વિનિડિન, સ્ટ્રેપ્ટોમાયસિન વગેરે દવાઓના ઉપયોગમાં ઘણી વખત જોવા મળે છે. આ સિવાય પણ અન્ય ઔષધો આવી પ્રતિક્રિયા સર્જે છે.
(3) પિત્તસ્થાયી (cholestatic) પ્રતિક્રિયાઓ : ક્યારેક ઔષધો પિત્તની નળીમાં સોજો કરીને કે અન્ય કોઈ રીતે જાણે પિત્તમાર્ગમાં અવરોધ ઉદભવ્યો હોય તેવી સ્થિતિ સર્જે છે અને કમળો તથા અન્ય વિકારો થાય છે. એઝાથાયોપ્રિન, ઇસ્ટ્રોજન, ચયવર્ધી સ્ટિરૉઇડ (anabolic steroids), ઇન્ડિનેવિર, મર્કેપ્ટોપ્યુરિન, મિથાઇલ ટેસ્ટોસ્ટિરોન, સાઇક્લૉસ્પોરિન વગેરે ઔષધો પિત્તના સ્રવણ(secretion)ને અસરગ્રસ્ત કરીને આવો વિકાર કરે છે. એમૉક્સિસિલિન-ક્લેવુલેનિક ઍસિડ, ક્લૉરોથાયેઝાઇડ, ક્લોરપ્રોપેઝીન, ક્લૉરપ્રોપેમાઇડ, ઍરિથ્રોમાયસિન, પેનિસિલેનાઇન, પ્રોક્લોર્પરેઝિન, ક્લૉક્ઝાસિલિન, સલ્ફાડાયેઝિન જેવી દવાઓ પિત્તનલિકાઓમાં સોજો (શોથ, inflammation) કરીને અવરોધ સર્જે છે. તેનું કારણ વિષમોર્જા (allergy) જેવી પ્રતિક્રિયા હોય છે અને તેથી તેને વિષમોર્જિત પિત્તનલિકાશોથ (allergic cholangitis) કહે છે.
(4) ઉગ્ર અથવા દીર્ઘકાલી યકૃતશોથ (acute or chronic hepatitis) : દવાઓ અને રસાયણોના સંસર્ગને કારણે ક્યારેક સ્વકોષઘ્ની યકૃતશોથ જેવો વિકાર થાય છે (જુઓ યકૃતશોથ, દીર્ઘકાલી). ઍસ્પિરિન, આઇસોનાયાઝીડ, મિથાઇલ ડોપા, મિનોસાઇક્લિન, નાઇટ્રોફ્યુરેન્ટોઇન, પ્રોપાયલથાયોયુરિસિલ, બિનસ્ટિરૉઇડી પ્રતિશોથ (anti-inflammatory) ઔષધો, કોકેન, સલ્ફોનેમાઇડ, રિટેનોવિર વગેરેના ઉપયોગમાં આવો વિકાર જોવા મળેલો છે.
(5) પ્રકીર્ણ પ્રતિક્રિયાઓ : દવાઓ અને રસાયણોને કારણે ક્યારેક યકૃતકોષોમાં મેદ (fat) જમા થવાથી યકૃતીય મેદવિકાર (fatty liver) અથવા hepatic steatosis થાય છે, તો ક્યારેક ચિરશોથગડ(granuloma)ની ગંઠિકાઓ યકૃતમાં જોવા મળે છે. ક્યારેક યકૃતમાં તંતુતા (fibrosis) અથવા યકૃતકાઠિન્ય(cirrhosis)નો વિકાર થઈ આવે છે. દારૂ, ઍમિયોડેરોન, કૉર્ટિકોસ્ટિરૉઇડ અને મિથોટ્રેક્ઝેટના સેવન પછી યકૃતકોષોમાં ગુરુકોષપુટિકામય (macrovesicular) વિકાર થાય છે, તો સ્ટેવુડિન, ટેટ્રાસાઇક્લિન, વેલ્પ્રોઇક ઍસિડ અને ઝિડોવુડિનના સેવન પછી લઘુકોષપુટિકામય (microvesicular) મેદવિકાર થાય છે. ક્યારેક ઍલોપ્યુરિનોલ, ક્વિનિડિન, ક્વિનિન, ફીનાઇલબ્યુટેઝોન તથા ફેનિટોઇન ચિરશોથગડ કરે છે, તો મિથોટ્રેકઝેટ અને વિટામિન ‘એ’ના અતિસેવનથી યકૃતમાં તંતુતા વિકસે છે અથવા યકૃતકાઠિન્યનો રોગ થાય છે. ચયકારી સ્ટિરૉઇડ (anabolic steroids), એઝાથાયૉપ્રિન, મુખમાર્ગી ગર્ભનિરોધક દવાઓ ક્યારેક યકૃતમાં રુધિરપૂર્ણ ગુહાઓ (blood filled cavities) સર્જે છે. તેને યકૃતીય રુધિરગુહા(peliosis hepatis)નો વિકાર કહે છે. મુખમાર્ગી ગર્ભનિરોધકો તથા ઇસ્ટ્રોજનના સેવન પછી ક્યારેક યકૃતગ્રંથિ-અર્બુદ(hepatic adenoma) નામની અને વિનાયલ ક્લૉરાઇડના સંસર્ગ પછી ક્યારેક વાહિની-યમાર્બુદ (angiosarcoma) નામની ગાંઠો થાય છે.
શિલીન નં. શુક્લ