યકૃતમાં ગાંઠ : યકૃતમાં કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠ. તેના મુખ્ય 2 પ્રકારો છે : સૌમ્ય (benign) અને મારક (malignant). મારક ગાંઠને કૅન્સર કહે છે. યકૃતમાં થતા કૅન્સરને યકૃતકૅન્સર, યકૃતકોષીય કૅન્સર, યકૃતકોષીય કર્કાર્બુદ (hepato-cellular carcinoma), યકૃતાર્બુદ (hepatoma) – એમ વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. (જુઓ કૅન્સર, યકૃતનું). યકૃતમાં આંતરડાં, જઠર, ફેફસાં, સ્તન તથા અન્ય અવયવોમાંથી ફેલાઈને આવેલી કૅન્સરની ગાંઠો પણ થાય છે. તે સમયે જે તે કૅન્સરને ચોથા તબક્કાનું કૅન્સર ગણવામાં આવે છે.
યકૃતના કોષોના 2 સૌમ્ય પ્રકારના સંખ્યાવૃદ્ધિ-વિકારો વર્ણવાયેલા છે : સ્થાનીય ગંડિકામય અતિવિકસન (focal nodular hyperplasia) અને યકૃતકોષીય ગ્રંથિ-અર્બુદ (liver cell adenoma). મુખમાર્ગે ગર્ભનિરોધક ગોળીઓ લેતી સ્ત્રીઓમાં તે જોવા મળે છે. જોકે સ્થાનીય ગંડિકામય અતિવિકસન દરેક ઉંમરે થાય છે અને તેને ગર્ભનિરોધક ઔષધ સાથે સંબંધ નથી. તેનાથી મોટેભાગે કોઈ તકલીફ થતી નથી અને તેથી તેને લક્ષણરહિત (asymptomatic) અતિવાહિનીમય (hypervascular) પેશીજથ્થા જેવો વિસ્તાર – એ રીતે દર્શાવી શકાય. સી. એ. ટી. સ્કૅન કે એમ.આર.આઇ.નાં ચિત્રણોમાં ઘણી વખત વચ્ચે અતિઘટ્ટ રૂઝપેશી જેવો ડાઘ જોવા મળે છે. સૂક્ષ્મપેશી-વિકૃતિરૂપે જોઈએ તો તેમાં યકૃતકોષો(hepatocytes)ના અતિવૃદ્ધિજન્ય એકમો હોય છે અને વચ્ચે પ્રસંવૃદ્ધિ (proliferation) પામતી પિત્તનલિકાઓ હોય છે.
યકૃતકોષીય ગ્રંથિ-અર્બુદ જીવનના ત્રીજા અને ચોથા દાયકામાં જોવા મળે છે અને તે સામાન્ય રીતે ગર્ભનિરોધ ઔષધોથી થાય છે. દર્દીને પેટમાં સખત દુખાવો થાય છે અને તે સમયે ગાંઠની મધ્યમાં કોષનાશ (necrosis) તથા રુધિરસ્રાવ (લોહી વહેવું) થાય છે. ગાંઠમાં ઘણી નસો હોય છે માટે તેને અતિવાહિનીમય ગાંઠ કહે છે. યકૃતના વિકિરણચિત્ર(liver scan)માં તે અલ્પઘટ્ટ વિસ્તાર (hypodense area) તરીકે જોવા મળે છે. આવા વિસ્તારને શીત વિસ્તાર (cold area) પણ કહે છે. તેને કાપવામાં આવે તો કપાયેલી સપાટી પર કોઈ ખાસ વિશેષતા દેખાતી હોતી નથી. સૂક્ષ્મદર્શકમાં યકૃતકોષોની પટ્ટીઓ, નિવાહિકા પથિકાઓ (portal tracts) અને મધ્યસ્થ શિરાઓ જોવા મળે છે. યકૃત મોટું થાય છે અને તેને પેટમાં જમણી બાજુ ઉપરના ભાગે અને પાંસળીઓની નીચે ગાંઠ રૂપે સંસ્પર્શી શકાય છે. યકૃતની ક્ષમતા-કસોટીઓ સામાન્ય રહે છે.
જે દર્દીને તકલીફ હોય તેનામાં તેને કાપીને કાઢવાની ક્રિયા કરાય છે. ત્યારપછી લાંબું સુખપૂર્ણ જીવન રહે છે. જો તેમાં કોષનાશ કે રુધિરસ્રાવ થયેલો હોય તો લક્ષણરહિત દર્દીમાં પણ શસ્ત્રક્રિયા કરાય છે. હવે ઉદરાંત:દર્શક (laparoscope) વડે પણ શસ્ત્રક્રિયા સંભવિત છે. ગર્ભનિરોધ દવાનો ઉપયોગ બંધ કરવાનું પણ સૂચવાય છે.
ક્યારેક સી.એ.ટી. સ્કૅન કે અલ્ટ્રાસાઉન્ડ(સોનોગ્રાફી)ની તપાસમાં જાલયુક્ત વાહિનીઅર્બુદ (cavernous haemangioma) નામની ગાંઠ આકસ્મિક રીતે જ જોવા મળે છે. તેનું સ્પષ્ટ નિદાન એમ.આર.આઇ. વડે શક્ય છે. સામાન્ય રીતે તેને સાબિત કરવા સોય વડે તપાસ કરાતી નથી; પરંતુ તે વધુ જોખમી હોય એવું સાબિત થયેલું નથી. તેની સારવાર કરવાની ભાગ્યે જ જરૂર પડે છે.
શિલીન નં. શુક્લ