યકૃતકાઠિન્ય (liver cirrhosis) : ચેપ કે અન્ય કોઈ કારણસર યકૃતકોષોને થયેલી ઈજાને કારણે યકૃતમાં તંતુઓ તથા યકૃતકોષોના ગંડિકા-સ્વરૂપ પુન:સંજનન(regeneration)થી ઉદભવતી સ્થિતિ. તેમાં પેશીવિકૃતિ-સ્વરૂપે મુખ્ય 2 વિકૃતિઓ ઉદભવે છે તંતુતા (fibrosis) અને ગંડિકાઓ (nodules). આ એક ગંભીર પ્રકારનો રોગ છે અને અમેરિકામાં મૃત્યુનાં કારણોમાં 10મે સ્થાને આવે છે. અમેરિકામાં વય-સંબંધિત મૃત્યુદર ગણવામાં આવેલો છે અને તે મુજબ દર 1 લાખની વસ્તીએ તેનો મૃત્યુદર 9.2 છે. યકૃતકાઠિન્યના રોગમાં મુખ્ય 3 વિકારો થાય છે યકૃતકોષીય દુષ્ક્રિયાશીલતા (hepatocellular dysfunction), નિવાહિકા-સર્વાંગી રુધિરાભિસરણીય જોડાણો (portosystemic shunting) તથા નિવાહિકાતંત્રીય અતિરુધિરદાબ (portal hypertension) (જુઓ યકૃતીય અતિરુધિરદાબ). યકૃતકોષોના કાર્યમાં આવતી વિષમતાને દુષ્ક્રિયાશીલતા કરે છે. તેને કારણે આલ્બ્યુમિન(પ્રોટીન)નું ઉત્પાદન ઘટે છે. બરોળ અને આંતરડામાંનું લોહી યકૃતમાં લાવતા નસોના સમૂહને નિવાહિકાતંત્ર(portal system) કહે છે. તેમાં દબાણ વધે ત્યારે તેને નિવાહિકાતંત્રીય અતિરુધિરદાબ કહે છે તેને કારણે નિવાહિકાતંત્ર અને સર્વાંગી રુધિરાભિસરણ વચ્ચે જોડાણો ઉદભવે છે. તેને કારણે જઠર અને અન્નનળીમાંની નસો પહોળી થાય છે. તેની શિરાસર્પિલતા (vericosity) કહે છે.
પેશીવિકૃતિવિદ્યા(histopathology)ને આધારે તેને મુખ્ય 3 પ્રકારોમાં વર્ગીકૃત કરાય છે : લઘુગંડિકામય (micronodular), ગુરુગંડિકામય (macronodular) અને મિશ્ર. આ વર્ણનાત્મક સંજ્ઞાઓ છે અને તે અલગ અલગ રોગો નથી. કોઈ એક દર્દીમાં તે જુદા જુદા તબક્કે જોવા મળે છે. મદ્યપાનને કારણે લઘુગંડિકામય યકૃતકાઠિન્ય થાય છે. તેને મદ્યપાનજન્ય યકૃતરોગ અથવા લેનેકનું યકૃતકાઠિન્ય પણ કહે છે. તેમાં પુન:સંજનનીય ગંડિકાઓ યકૃતમાંની મૂળ ગંડિકાઓ જેવડી (1 મિમી. કે ઓછા વ્યાસવાળી) હોય છે. ગુરુગંડિકામય યકૃતકાઠિન્યમાં થોડાક સેમી. જેટલા વ્યાસવાળી ગંડિકાઓ હોય છે અને તેમાં મધ્યસ્થ શિરા પણ હોય છે. આવું ઘણી વખત તીવ્ર ચેપ પછી યકૃતમાં કોષનાશ (necrosis) થયો હોય તથા સંસ્થાપક પેશી(stromal tissue)ને થયેલી ઈજા થયેલી હોય અને તે પછી યકૃતના કોષો સંખ્યા વધતી વધે ત્યારે જોવા મળે છે. તે આ સ્થિતિને કોષનાશોત્તર યકૃતકાઠિન્ય(postn-ecrotic cirrhosis) કહે છે.
ચિહ્નો, લક્ષણો અને નિદાન : ઘણા લાંબા સમય સુધી કોઈ તકલીફ થતી નથી અથવા ક્યારેક ધીમેથી અલક્ષણીય (insidious) રીતે પણ તીવ્ર (severe) સ્વરૂપે શરૂઆત થાય છે ત્યારે અશક્તિ, થકાવટ, નિદ્રાવિકાર, સ્નાયુનો દુખાવો તથા વજનનો ઘટાડો થઈ આવે છે. રોગ વધે ત્યારે ખોરાકની અરુચિ થાય છે, ઊબકા તથા ક્યારેક ઊલટી થાય છે. યકૃત મોટું થવાથી તેના આવરણમાં તણાવ ઉદભવે છે. તેને કારણે અથવા પેટમાં પ્રવાહી ભરાવાથી દુખાવો થાય છે. ઋતુસ્રાવ અનિયમિત થાય અથવા બંધ થાય, નપુંસકતા (impotence) આવે, કામોત્તેજના (libido) ઘટે, વંધ્યતા થાય તથા પુરુષોમાં સ્તન મોટાં થાય તથા દુખે. અન્નનળી અને જઠરમાંની નસોમાં નિવાહિકા-સર્વાંગી રુધિરાભિસરણના જોડાણને કારણે ક્યારેક લોહીની ઊલટી થાય છે. તેને રુધિરવમન (haemetemesis) કહે છે અને તે 15 %થી 25 % દર્દીઓમાં થાય છે.
આશરે 70 % દર્દીઓમાં યકૃત મોટું થાય છે; પેટ પર હાથ મૂકી તેને સંસ્પર્શી શકાય છે. તેની સપાટી ગંડિકામય અને કઠણ હોય છે તથા ધાર ગોળ તથા અનિયમિત હોય છે. ડાબો ખંડ વધુ મોટો થાય છે. ચામડી પર લાલ રંગના કરોળિયા જેવા આકારના કેશિકામસા (spider nevi) થાય છે. તેમના મધ્યભાગમાં દબાણ આપવાથી તે દેખાતા બંધ થાય છે. હથેળીનો અંગૂઠા તથા ટચલી આંગળી નીચે આવેલો ઉપસેલો ભાગ લાલાશ વાળો થાય છે હસ્તતલીય રક્તવર્ણકતા (palmar erythema) કહે છે. શરીરમાં વિટામિનની ઊણપને કારણે જીભ આવે છે. (જિહ્વાશોથ, glossitis) તથા હોઠના ખૂણા પર કાપા અથવા મુખકોણશોથ (cheilosis) થાય છે. વજન ઘટે છે. સ્નાયુઓ ક્ષીણ થાય છે, તાવ આવે છે. લાંબા સમયની માંદગી હોય તેવો શરીરનો દેખાવ થાય છે. પાછળથી થોડો કમળો થાય છે, જે રોગના છેલ્લા તબક્કામાં વધુ તીવ્ર બને છે. પેટમાં પ્રવાહી ભરાય છે (જલોદર, ascites), ફેફસાંની આસપાસ પ્રવાહી ભરાય છે, પગે સોજા આવે છે અને પાછળથી લોહીનાં ચકામાં પણ થાય છે. વધુ તીવ્ર વિકારમાં અથવા યકૃતીય મસ્તિષ્કવિકાર (hepatic encephalopathy) થાય છે. તે સમયે દિવસ-રાતની જાગૃતિ-નિદ્રાનું સામાન્ય ચક્ર અવળું થઈ જાય છે, ધ્રુજારી ઉદભવે છે, પંખીની પાંખની માફક હાથ હાલવારૂપ પંખકંપન (flapping tremor અથવા asterixis) થાય છે, ઉચ્ચારણ અસ્પષ્ટ બને છે, લોહીની ઊલટી થાય છે સન્નિપાત (delirium) થાય છે, દર્દી ઘેનમાં પડે છે અને છેલ્લે ગાઢ બેભાનવસ્થા(અતિઅચેતનતા, coma)માં સરી પડે છે. યકૃતમાં ચેપ કે કોઈ અન્ય વિકાર થાય અથવા જઠર-આંતરડાંમાં લોહી ઝમે તો આવું થઈ આવે છે. આશરે 35 % દર્દીઓમાં તાવ આવે છે. તે ખાસ કરીને મદ્યપાની યકૃતશોથ, અજ્ઞાતમૂલ જીવાણુજન્ય પરિતનશોથ (peritonitis), પિત્તનલિકાશોથ (cholangitis) જેવા વિકારોમાં જોવા મળે છે. 30 %થી 50 % દર્દીઓમાં બરોળ મોટી થાય છે (પ્લીહાવર્ધન, splenomegaly). પેટ અને છાતી પરની ચામડી નીચેની નસો (શિરાઓ) પહોળી થાય છે. તેવી રીતે મળાશય અને ગુદામાં વાહિનીમસા (piles) થઈ આવે છે.
યકૃતકાઠિન્યના દર્દીમાં ઘણી વખત પરીક્ષણશાળાની કસોટીઓનાં પરિણામો સામાન્ય રહે છે. ઘણી વખત લોહીમાં હીમોગ્લોબિન ઘટવાથી પાંડુતા (anaemia) થાય છે. તેનાં મુખ્ય કારણોમાં દારૂની ઝેરી અસરને કારણે રક્તકોષોનું ઘટેલું ઉત્પાદન, ફૉલિક ઍસિડ નામના પ્રજીવકની ઊણપ, રક્તકોષો તૂટવાથી થતી રક્તકોષવિલયન(haemolysis)ની સ્થિતિ, બરોળ મોટી થવાથી થતું અતિપ્લીહન (hypersplenism) તથા ક્યારેક જઠર-આંતરડાંમાંથી અકળ રીતે લોહી વહી જાય તેવી સ્થિતિ વગેરેનો સમાવેશ થાય છે. રક્તકોષો સાથે ઘણી વખત શ્વેતકોષો ઘટે છે (અતિપ્લીહનને કારણે) અથવા જો ચેપ લાગ્યો હોય તો તે વધે છે. દારૂની ઝેરી અસર, ચેપ, ફૉલિક ઍસિડની ઊણપ વગેરેને કારણે ક્યારેક ગંઠનકોષો ઘટે છે. લોહીને ગંઠાવનારા ગુલ્મકારી ઘટકો (clotting factors) ઘટવાને કારણે પ્રોથ્રૉમ્બિનકાળ લંબાય છે. યકૃતકોષોને થતી ઈજાને કારણે અમુક અંશે એસ્પાર્ટેટ ટ્રાન્સએમાઇનેઝ, ઍલ્કેલાઇન ફૉસ્ફૅટેઝ તથા બિલિરુબિન વધે છે, આલ્બ્યુમિન ઘટે છે તથા ગ્લૉબ્યુલિન વધે છે. જો સાથે HCV નામનો ચેપી કમળો કરતા વિષાણુનો ચેપ, મદ્યપાનની ચાલુ રહેલી કુટેવ, યકૃતીય મેદવિકાર હોય તો મધુપ્રમેહ થવાની સંભાવના વધે છે. હૃદયના વીજાલેખ(ECG)માં QT–સમયગાળો લંબાય છે. ક્યારેક લોહીના રુધિરરસમાં કાર્ડિયાક ટ્રોપોનિન–I વધે છે, જે હૃદયના સ્નાયુમાં થયેલી ઈજા સૂચવે છે. યકૃતની પેશી(ઊતક, tissue)નો સોય વડે ટુકડો લઈને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે તે પ્રક્રિયાને પેશીપરીક્ષણ અથવા ઊતકપરીક્ષણ (biopsy) કહે છે. તેના વડે યકૃતકાઠિન્યનું નિદાન કરાય છે. અશ્રાવ્યધ્વનિચિત્રણ (ultrasonography), કમ્પ્યૂટર-સંલગ્ન અનુપ્રસ્થીય ચિત્રણ (CT scan) તથા ચુંબકીય અનુનાદ-ચિત્રણ (MRI) વડે બરોળ, યકૃત, તેમની શિરાઓ તથા નિવાહિકાશિરાનાં ચિત્રણો મેળવીને નિદાન કરી શકાય છે. શંકાસ્પદ રીતે મોટી થયેલી ગંડિકાઓનું પેશીપરીક્ષણ કરાય છે. આલ્ફા-ફીટોપ્રોટીનનું વધેલું પ્રમાણ કૅન્સર થયાનું સૂચવે છે. અન્નનળી તથા જઠરની અંત:દર્શક (endoscope) વડે તપાસ કરવાથી તેમાં ઉદભવેલી શિરાસર્પિલતા(અન્નનળીમાં પહોળી અને વાંકીચૂકી થયેલી નસો)નું નિદાન કરાય છે. તેની મદદથી નિવાહિકાતંત્રમાં દબાણ વધેલું છે કે નહિ તે પણ જાણી શકાય છે તથા તેમાંથી લોહી ઝમી રહ્યું છે કે નહિ તેની માહિતી પણ મળે છે.
યકૃતકાઠિન્ય થવાનાં કારણોનું નિદાન કરવું આવશ્યક છે. મૂળ કારણને આધારે સારવાર અંગેના અને અંતિમ પરિણામ અંગેના નિર્ણયમાં ફરક પડી શકે છે. યકૃતકાઠિન્યનાં મુખ્ય કારણો છે દીર્ઘકાલી યકૃતશોથ બી અને સી તથા દારૂ. ઘણી વખત અમદ્યજન્ય યકૃતીય મેદવિકાર(non-alcoholic fatty liver)માં પણ યકૃતકાઠિન્ય થાય છે. હીમેટોક્રોમેટૉસિસ નામના વિકારના પાછલા તબક્કાઓમાં પણ યકૃતકાઠિન્ય થાય છે. તે સમયે ચામડીમાં કાળાશ, સાંધામાં સોજો, હૃદયની નિષ્ફળતા, મધુપ્રમેહ તથા લોહીમાં ફેરિટિનના પ્રમાણમાં વધારો વગેરે જોવા મળે છે. નિદાન માટે HFE નામના જનીનનું નિર્દેશન તથા યકૃતનું લોહ માટેનું અભિરંજન નિદાન સૂચવે છે. વિલ્સનનો રોગ, આલ્ફા–1–ઍન્ટિપ્રોટિયેઝ (આલ્ફા–1–ઍન્ટિટ્રિપ્સિન)ની ઊણપ વગેરે જેવા ચયાપચયી રોગોમાં પણ યકૃતકાઠિન્ય થાય છે. પિત્તમાર્ગના વિકારમાં પ્રાથમિક પિત્તમાર્ગીય યકૃતકાઠિન્ય (primary biliary cirrhosis) નામનો રોગ થાય છે. સામાન્ય રીતે તે સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. તેમાં ખૂજલી પુષ્કળ થાય છે તથા લોહીના રુધિરરસના આલ્કેલાઇન ફૉસ્ફેટેઝનું પ્રમાણ ઘણું વધે છે. તેની સાથે IgM પ્રકારનું ગ્લૉબ્યુલિન તથા કોલેસ્ટિરોલ વધે છે તથા પ્રતિકણાભસૂત્રીય પ્રતિદ્રવ્ય(antimitochondrial antibody)નું પ્રમાણ પણ વધે છે. પિત્તમાર્ગમાં પથરી, સંકીર્ણતા (stricture) અથવા ગાંઠ થાય તો પિત્તમાર્ગીય અવરોધ ઉદભવે છે. તેમાં પણ પાછળથી દ્વૈતીયિક (secondary) પિત્તમાર્ગી યકૃતકાઠિન્ય થાય છે. તેમાં પ્રતિકણાભસૂત્રીય પ્રતિદ્રવ્યનું પ્રમાણ વધતું નથી. હૃદયની ક્રિયાનિષ્ફળતા કે હૃદયના આવરણ(પરિહૃદકલા, pericarium)માં સતંતુ સંકીર્ણન (constriction) થાય તો તેવા રોગમાં યકૃતમાં તંતુતા (fibrosis) થાય છે. તેને હૃદયરોગજન્ય યકૃતકાઠિન્ય (cardiac cirrhosis) કહે છે. યકૃતશિરામાં અવરોધ ઉદભવે તોપણ યકૃતકાઠિન્ય થાય છે. આ વિકારને યકૃતકાઠિન્યથી અલગ પડાય છે.
આનુષંગિક તકલીફો : અન્નનળીમાં પહોળી થયેલી શિરામાંથી લોહી ઝમે તો લોહીની ઊલટી થાય અથવા કાળા રંગનો ઝાડો થાય; નિવાહિકાતંત્રમાં દબાણ વધવાથી થતી જઠરરુગ્ણતા (gastropathy) અથવા જઠર કે પક્વાશયમાં ચાંદું થાય; દારૂ, ચેપ કે શસ્ત્રક્રિયા પછી યકૃતની ક્રિયાનિષ્ફળતા થાય અને દર્દી બેભાન થઈ જાય; યકૃતમાં કૅન્સર ઉદભવે; રોગપ્રતિકારક્ષમતા (પ્રતિરક્ષા, immunity) ઘટવાથી શરીરમાં વ્યાપક ચેપ લાગે; દારૂના અતિકુપ્રયોગને કારણે હૃદયના સ્નાયુનો વિકાર થાય (હૃદ્-સ્નાયુરુગ્ણતા, cardiomyopathy), રુધિરાભિસરણના વિકારો થાય વગેરે વિવિધ પ્રકારની જીવનને જોખમી આનુષંગિક તકલીફો થઈ શકે છે.
સારવાર : દારૂનો સંપૂર્ણ નિષેધ, પૂરતી કૅલરી અને 75થી 100 ગ્રામ/દિવસના દરે લેવાતા પ્રોટીનવાળો ભાવે એવો ખોરાક તથા જો શરીરમાં પાણીનો ભરાવો હોય તો ખોરાકમાં સોડિયમ આયનો (મીઠું) પર નિયંત્રણ આ મુખ્ય દૈનિક સારવાર છે. જો યકૃતને કારણે મગજના કાર્યમાં વિક્ષેપ ઉદભવતો થયો હોય (યકૃતીય મસ્તિષ્કરુગ્ણતા, hepatic encephalopathy), તો પ્રોટીન પરનું નિયંત્રણ વધારાય છે. દર્દીને 30થી 40 ગ્રામથી વધુ પ્રોટીન અપાતું નથી. વિટામિન આપવાથી ફાયદો રહે છે.
શરીરે સોજા આવ્યા હોય કે પેટમાં પ્રવાહી ભરાયું હોય (જલોદર) તો નિદાન માટે જળોદરનું પ્રવાહી સોય વાટે બહાર કઢાવાય છે (નિષ્કાસન, aspiration). તેમાં ભાગ્યે જ લોહી વહેવું, ચેપ લાગવો, આંતરડાંમાં છિદ્ર પડવું જેવા વિકારો થાય છે. જલોદરીય પ્રવાહીનું પરીક્ષણશાળામાં પરીક્ષણ કરાય છે અને તેમાંના કોષોની સંખ્યા અને પ્રકાર તથા પ્રોટીનનું પ્રમાણ જણાય છે. જલોદરીય પ્રોટીન (આલ્બ્યુમિન) અને રુધિરરસીય આલ્બ્યુમિનનું ગુણોત્તર પ્રમાણ 1.1થી વધુ હોય તો તે નિવાહિકાતંત્રમાં વધેલું દબાણ સૂચવે છે. જો જલોદરીય પ્રવાહીમાં ઍડિનોસાઈન ડિએમાઇનેઝ વધુ હોય તો તે ક્ષયરોગ સૂચવે છે. યકૃતકાઠિન્યવાળા દર્દીમાં જળોદર થવાની વિવિધ ક્રિયાપ્રવિધિઓ છે. નિવાહિકાતંત્રમાં વધેલું દબાણ, લોહીમાં આલ્બ્યુમિનનો ઘટાડો, અંતર્વિષને કારણે નાઇટ્રિક ઑક્સાઇડનું ઉત્પાદન, રેનિન-એન્જિઓટેન્સિનના રુધિરી સ્તરમાં વધારો, મૂત્રપિંડ દ્વારા સોડિયમ આયનનો સંગ્રહ, આલ્ડોસ્ટિરોનના યકૃતીય નાશમાં ઘટાડો વગેરે. તેથી સારવારમાં સોડિયમ આયનો(મીઠું)માં ઘટાડો કરાય છે, જરૂર પડ્યે પાણી લેવામાં પણ નિયંત્રણ કરાય છે, મૂત્રવર્ધક ઔષધો અપાય છે તથા જલોદરનું નિષ્કાસન કરાય છે. આ બધાંથી દૈનિક વજનનો ઘટાડો 0.5થી 0.7 કિલોગ્રામ જેટલો રહે તે જોવાય છે. જો આ સારવારથી જલોદર પર નિયંત્રણ ન આવે તો સંયોગિકા (shunt) મૂકીને પરિતનગુહામાંનું પ્રવાહી શિરામાં ઠલવાય તેવી નળી મૂકવાની યોજના કરાય છે. આવી સંયોગિકાને પરિતન-શિરા સંયોગિકા (peritoneo- venous shunt) કહે છે. હાલ ડોકમાં આવેલી કંઠશિરા(jugular vein)માંથી પસાર કરીને યકૃતની અંદર એક ધાતુની પસારનળી (stent) મૂકવામાં આવે છે; જે યકૃતીય શિરાની એક શાખા અને નિવાહિકાશિરાને જોડે છે. આ પ્રક્રિયાને પારકંઠશિરાઅંત:યકૃતીય સંયોગિકીકરણ (transjugular intrahepatic shunt, TIPS) કહે છે. તેના વડે 75 % કિસ્સામાં જલોદર ઘટે છે. તેની લાંબા સમયની ઉપયોગિતા અંગે અનિશ્ચિતતા છે અને તેનાથી યકૃતજન્ય મસ્તિષ્કરુગ્ણતા થવાની સંભાવના રહે છે. પરિતનગુહા અને શિરા વચ્ચે મુકાતી સંયોગિકા પણ સફળ રહે છે; પણ તેને કારણે નસોમાં લોહી જામી જવું (65 %), શરીરમાં ચેપ લાગવો (4 %થી 8 %), હૃદયની નિષ્ફળતા થવી (2 %થી 4 %) તથા શિરાસર્પિલતામાંથી લોહી વહેવું જેવી તકલીફો થાય છે. તેને કારણે TIPSનો ઉપયોગ વધારવાનું સૂચવાય છે.
ક્યારેક પરિતનગુહામાં ભરાયેલા પ્રવાહીમાં અજ્ઞાત કારણસર જીવાણુઓનો ચેપ લાગે છે. તેને અજ્ઞાતમૂલ જીવાણુજન્ય પરિતનશોથ (spontaneous bacterial peritonitis) કહે છે. તે સમયે પેટમાં દુખાવો, તાવ તથા મસ્તિષ્કરુગ્ણતા (encephalopathy) જેવી તકલીફો થઈ આવે છે. ઘણી વખતે તકલીફો સામાન્ય હોય છે, પણ જલોદરના પ્રવાહીમાં બહુરૂપકેન્દ્રી શ્વેતકોષો(polymorpho-nuclear cells)નું પ્રમાણ વધીને 250 કે 500/માઇક્રોલીટરથી વધે છે, જ્યારે પ્રોટીનનું પ્રમાણ 1 ગ્રા./ડેસિ.લી.થી ઓછું હોય છે. તેમાંના જીવાણુઓનું સંવર્ધન (culture) કરીને તેમનો પ્રકાર જાણી શકાય છે (80 %થી 90 %). મુખ્યત્વે ઈ-કોલી અને ન્યુમોકોકાઈ હોય છે. સંવર્ધન-ઔષધવશ્યતા કસોટી(culture sensitivity test)નું પરિણામ આવે ત્યાં સુધી સિફોટેક્ઝિમ નામનું ઍન્ટિબાયૉટિક નસ વાટે અપાય છે. તેને બદલે સિફ્ટ્રિએક્ઝોન, એમૉક્સિસિલિન-ક્લેવુલેનિક ઍસિડ અથવા સિપ્રોફ્લૉક્સાસિન પણ અપાય છે. જો સાથે નસ વાટે આલ્બ્યુમિન અપાય તો મૃત્યુદર ઘટે છે. જરૂર પડ્યે 24 કલાકમાં ફરી જલોદર-નિષ્કાસન કરાય છે. એક વર્ષે મૃત્યુદર 70 % જેટલો છે. વારંવાર ચેપ ન લાગે તે માટે દરરોજ નૉફર્લોક્સાસીન અપાય છે તથા ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારાય છે. અગાઉથી નૉફર્લોક્સાસીન કે કોટ્રાઇમૅક્સેઝોલ આપીને ચેપનો પ્રથમ હુમલો થતો અટકાવી શકાય છે.
યકૃતકાઠિન્યના રોગમાં ક્યારેક મૂત્રપિંડની નિષ્ફળતા ઉદભવે છે. તે સમયે નત્રલવિષરુધિરતા (azotaemia), અલ્પમૂત્રસ્રાવ (oliguria), લોહી તથા પેશાબમાં સોડિયમનો ઘટાડો, લોહીના દબાણમાં ઘટાડો, પેશાબમાં પ્રોટીન વહી જવું (પ્રોટીનમેહ, proteinuria) વગેરે વિવિધ તકલીફો થાય છે. સામાન્ય રીતે તે યકૃતરોગનો અંતિમ તબક્કો હોય છે. તેને અંતિમ ફલકીય યકૃતરોગ (endstage liver disease) કહે છે. તે સમયે મૂત્રપિંડમાં ઉદભવેલા વિકારને કારણે (નત્રલવિષરુધિરતા, અલ્પમૂત્રસ્રાવ, પ્રોટીનમેહ) ઉત્પન્ન થતી સ્થિતિને યકૃત-મૂત્રપિંડી સંલક્ષણ (hepato-renal syndrome) કહે છે. તે સમયે મૂત્રપિંડની નિષ્ફળતાનાં અન્ય કારણોની હાજરી નથી તે જાણી લેવાય છે. યકૃતરોગમાં મૂત્રપિંડની નિષ્ફળતા થવાનું કારણ પૂરેપૂરું સમજાયું નથી, પરંતુ તે કદાચ પ્રૉસ્ટાગ્લેન્ડિન E2 નું ઘટેલું ઉત્પાદન હોઈ શકે. આ દ્રવ્ય યકૃતમાં બને છે અને મૂત્રપિંડની નસોને પહોળી કરે છે. સારવાર માટે નસ વાટે ઑર્નિપ્રેલિન અને આલ્બ્યુમિન ઑર્નિપ્રેલિન અને ડોપામિન અથવા સોમેટોસ્ટેટિનનો સહધર્મી (analog) ઑક્ટ્રિાયોસાઇડ અને મિડોડ્રિન (આલ્ફા-ઍડ્રિનર્જિક ઔષધ) અપાય છે. જો ફાયદો થાય તો TIPS ગોઠવવામાં આવે છે; પરંતુ યકૃત પ્રતિરોપણ (liver transplant) વગર મૃત્યુદર ઘણો વધુ રહે છે. ચેપ તથા લોહી વહેવાને કારણે મૃત્યુ સંભવે છે.
યકૃતની નિષ્ફળતાને કારણે મસ્તિષ્કવિકાર થાય છે. તેને યકૃતજન્ય મસ્તિષ્કરુગ્ણતા (hepatic encephalopathy) અથવા ‘કમળી’ કહે છે. (જુઓ યકૃતીય મસ્તિષ્કરુગ્ણતા.) તે સમયે સારવારમાં કબજિયાત થતી અટકાવવી, શરીરમાં પાણી અને વીજવિભાજ્યો(elecrolytes)ના સંતુલનને જાળવી રાખવું, મૂત્રવર્ધકો તથા નિદ્રાપ્રેરકો ન આપવાં, જળોદરનું નિષ્કાસન કરવું પડે તો તે સાચવીને અને મર્યાદિત પ્રમાણમાં કરવું તથા સંયોગિકા મૂકવાની શસ્ત્રક્રિયા (shunt surgery) કરવી અથવા TIPS મૂકવી વગેરે વિવિધ બાબતો ધ્યાન પર લેવાય છે. ઉગ્ર હુમલો હોય ત્યારે ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ અતિશય ઘટાડાય છે. પ્રાણીજ પ્રોટીનને સ્થાને વનસ્પતિજન્ય પ્રોટીન અપાય છે. જઠરાંત્રમાર્ગમાં ઝમેલા લોહીને મળ વાટે કાઢવા માટે મોં વાટે મૅગ્નેશિયમ સાઇટ્રેટ અપાય છે અથવા નાક-જઠરી નળી વડે નિષ્કાસન કરાય છે. લેકચ્યુલોઝ વડે અવશોષી શકાય તેવા એમોનિયાના આયનોનું પ્રમાણ ઘટાડાય છે. એમોનિયાનું ઉત્પાદન કરતા જીવાણુને ઘટાડવા નિયોમાયસિન તથા મેટ્રોનિડેઝોલ અપાય છે. અફીણ, અફીણાભ પીડાશામકો, પ્રશાંતકો (tranquillizers) તથા નિદ્રાપ્રેરક ઔષધો બંધ કરાય છે. જો ઉશ્કેરાટ રહે તો ઑક્ઝાપામ અપાય છે. જસત(zinc)ની ઊણપ હોય તો તે ઘટાડાય છે. જઠરમાંના એચ. પાયલોરિ નામના સૂક્ષ્મજીવો એમોનિયાનું ઉત્પાદન કરે છે એવું મનાય છે; તેથી તેમની સારવાર કરાય છે. સોડિયમ બેન્ઝોએટ અને ઑર્નિથિન એસ્પાર્ટેટ આપવાથી પણ લોહીમાં એમોનિયાનું સ્તર ઘટે છે. ફ્લુમાઝેનિલ નામની દવાનો પણ પ્રયોગ કરાય છે.
જો દર્દીને લોહતત્વની ઊણપવાળી પાંડુતા (anaemia) થાય તો લોહનો ક્ષાર (ફેરસ સલ્ફેટ) અપાય છે. મદ્યપાન કરેલું હોય એવા દર્દીમાં સાથે ફૉલિક ઍસિડ અપાય છે. જો ખૂબ લોહી વહી ગયું હોય તો ફક્ત રક્તકોષોને નસ વાટે અપાય છે. દર્દીનો પ્રોથ્રૉમ્બિનકાળ લંબાયો હોય તો તેને લોહી વહેવાની સંભાવના રહે છે. તે સમયે વિટામિન ‘કે’ અપાય છે. જો યકૃતમાં ક્રિયાનિષ્ફળતા થયેલી હોય તો જરૂર પડ્યે તે કિસ્સામાં સંગુલ્મક ઘટકો (coagulation factors) અપાય છે. અન્નનળીમાંની શિરાસર્પિલતામાંથી લોહી વહેતું હોય તો તેને નળી મૂકીને દબાણ અપાય છે. પ્રોપ્રેનોલોન અને સોમેટોસ્ટેટિન પણ અપાય છે.
યકૃતકાઠિન્યના દર્દીમાં ક્યારેક વાયુ પોટા-ધમની વચ્ચે પ્રદમ તફાવત (alveolar arterial gradient) વધે છે અને ફેફસામાંની નસો તથા ધમની-શિરા-જોડાણો પહોળાં થાય છે. આવી સ્થિતિને યકૃત-ફેફસી સંલક્ષણ (hepatopulmenary syndrome) કહે છે. સારવારમાં મિથિલિન બ્લૂ વપરાય છે; પરંતુ તેનું ખાસ પરિણામ હોતું નથી. યકૃત-પ્રતિરોપણથી વિકાર શમે છે. થોડાક સમય માટે TIPSથી રાહત રહે છે.
અંતિમ ફલકીય વિકારવાળા અને વિકારની વધતી તીવ્રતાવાળા ચુનંદા કિસ્સામાં યકૃત-પ્રતિરોપણ કરી શકાય છે. કૅન્સર, હૃદ-ફેફસી રોગ (cardiopulmenary disease) તથા ચેપ હોય તો પ્રતિરોપણ કરાતું નથી. HIVનો ચેપ, તીવ્ર કુપોષણ તથા અણસમજુ દર્દી હોય તો પ્રતિરોપણ કરવામાં મુશ્કેલી રહે છે. મદ્યપાનીઓએ મદ્યપાન છોડ્યાને 6 મહિના થયેલા હોવા જોઈએ. બગડતી જતી તબિયત, વધતું બિલિરુબિન, ઘટતું આલ્બ્યુમિન, બગડતી રુધિરગંઠનની ક્રિયા, ચિકિત્સા છતાં અનિયંત્રિત જલોદર, વારંવાર શિરાસર્પિલતામાંથી રુધિરસ્રાવ તથા બગડતી જતી મસ્તિષ્કરુગ્ણતા હોય તો યકૃતનું પ્રતિરોપણ કરી શકાય છે. હાલ તેના પછી 5 વર્ષે 80 % દર્દીઓ જીવિત હોય છે. પ્રતિરોપિત દર્દીઓમાં ક્યારેક યકૃતશોથ (hepatitis) બી અને સી, કૅન્સર તથા યકૃતશિરામાં રુધિરગુલ્મ (thrombosis) અથવા લોહીનો ગઠ્ઠો જામી જવો જેવા વિકારો થાય છે. યકૃતશોથ બીનો ચેપ રોકવા માટે પ્રતિરક્ષાગ્લૉબ્યુલિન (immunoglobulin) અપાય છે. પ્રતિરોપણ પછીના પ્રતિરક્ષાલક્ષી વિકારો રોકવા સાઇક્લોસ્પૉરિન, ટેક્રૉલિમસ, એઝાથાયોપ્રિન અથવા કૉર્ટિકોસ્ટિરૉઇડ અપાય છે. તેમને કારણે પણ ચેપ, મૂત્રપિંડનિષ્ફળતા, ચેતાવિકારો વગેરે થાય છે. ક્યારેક નિરોપ-અસ્વીકાર (graft rejection), પિત્તનું ઝમવું (leak) તથા નસોમાં અવરોધ પણ ઉદભવે છે.
પૂર્વાનુમાન: છેલ્લાં કેટલાંક વર્ષોંમાં સારવારની સુધારણા છતાં જીવનકાળ ખાસ લંબાયો નથી. મૃત્યુદર નક્કી કરવામાં ચાલુ રહેલું મદ્યપાન તથા રોગની તીવ્રતા મુખ્ય હોય છે. રોગની તીવ્રતા ચાઈલ્ડ-પઘ(Child-Pugh)ના વર્ગીકરણથી નક્કી કરી શકાય છે (સારણી). લોહીની ઊલટી, કમળો, બેભાનાવસ્થા તથા જલોદર ખરાબ ચિહ્નો ગણાય છે. લોહીમાં આલ્બ્યુમિન 3 ગ્રામ/ડેસિલી.થી ઓછું હોય, બિલિરુબિન 3 મિ.ગ્રામ/ડેસિલી.થી વધુ હોય, જલોદર, મસ્તિષ્કરુગ્ણતા, કાયક્ષીણતા (cachexia) તથા લોહીની ઊલટી હોય તો 6 મહિને મૃત્યુદર 50 % હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા, સભાનતાના વિકારો, શ્વાસોચ્છવાસમાં તકલીફ, 65 વર્ષથી વધુ વય, 16 સેકન્ડથી વધુ પ્રોથ્રોમ્બિન-કાળ વગેરે બાબતો પણ ઊંચો મૃત્યુદર સૂચવે છે. જેમનામાં યકૃતપ્રતિરોપણ શક્ય હોય તેમનામાં જીવનકાળ લંબાવી શકાય છે.
સુધાંશુ પટવારી
શિલીન નં. શુક્લ