યંત્રવાદ : સજીવ અને નિર્જીવ તમામ પદાર્થો વિવિધ પ્રકારનાં યંત્રો જ છે, એવી વિચારધારા.
યંત્રવાદ, ભૌતિકવાદ, કાર્યકારણ-આધારિત નિયતિવાદ અને પ્રકૃતિવાદ – આ બધા મતો સામાન્ય રીતે એકબીજાને ટેકો આપતા વિચારોનું જૂથ છે. ક્યાંક દ્વૈતવાદ પણ યંત્રવાદ સાથે જોડાયેલો છે.
આધુનિક તત્વચિંતનના સ્થાપક ફ્રેન્ચ ચિંતક ડેકાર્ટ (1596–1650) દ્વૈતવાદી (dualist) હતા; મન કે ચેતના વિચાર કરનાર વસ્તુ છે અને વિસ્તાર (extension) ધરાવતા પદાર્થો ભૌતિક દ્રવ્યો છે. આ બે અત્યંત ભિન્ન છે. મનુષ્યને જ મન, સભાનતા અને વિચારશક્તિ છે. બાકી તમામ સજીવ કે નિર્જીવ પદાર્થો જુદી જુદી જટિલતા ધરાવતાં યંત્રો જ છે. ભૌતિકવાદીઓ નિર્જીવ પદાર્થોની ગતિને યાંત્રિક રીતે સમજાવતા હતા. પરંતુ ડેકાર્ટે તો મનુષ્યેતર તમામ સજીવ પ્રાણીઓનાં હલનચલનોની પણ યંત્રવાદી (mechanistic) સમજૂતી આપી. માત્ર મનુષ્યને જ બેવડું સ્વરૂપ (dual nature) છે. મનુષ્યને શરીર છે અને શરીર વિસ્તારવાન ભૌતિક પદાર્થ તરીકે એક યંત્ર જ છે. પરંતુ મનુષ્ય વિચારશક્તિયુક્ત મન પણ ધરાવે છે, જે શરીરવ્યાપારોથી અલગ અને સ્વતંત્ર છે.
ડેકાર્ટના સમયમાં લોકો સ્વયંચાલિત યંત્રોથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. દા.ત., ઘડિયાળો ચાલુ સ્થિતિમાં પોતાની મેળે જ તેની અંદર રહેલાં યંત્રોનાં કાર્યોથી સમય બતાવે છે. ઘડિયાળ જુદા જુદા નાનામોટા ભાગોની બનેલી છે. અને તે ભાગો યાંત્રિક રીતે આંતરક્રિયા કરે છે. ઘડિયાળના કાર્યમાં કોઈ ખરાબી આવે તો તેની પણ યંત્રવાદી સમજૂતી આપી શકાય છે. ડેકાર્ટના મત પ્રમાણે મનુષ્યનું શરીર આ જ રીતે કામ કરે છે, પણ મનુષ્યનું મન એ રીતે કામ કરતું નથી. આમ ડેકાર્ટે મન અને શરીર એમ બે પ્રકારનાં દ્રવ્યો માન્યાં છે અને તેમાંથી એક પ્રકારના દ્રવ્યની યંત્રવાદી સમજૂતી આપી છે.
તત્વચિંતનમાં યંત્રવાદી અભિગમ ન્યૂટન(1642–1727)ના ભૌતિક વિજ્ઞાનથી પુષ્ટ થયો હતો. તેને લીધે પ્રકૃતિની હેતુવાદી (purposive) સમજૂતીને સ્થાને પ્રકૃતિની યંત્રવાદી સમજૂતી સ્વીકારવામાં આવી. ફ્રેન્ચ ચિંતક લા મેત્રી(1709–51)ના મંતવ્ય અનુસાર મનુષ્યને એક યંત્ર તરીકે સમજી શકાય. ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી લા પ્લાસ(1749 –1827)ની ર્દષ્ટિએ અમુક ચોક્કસ સમયે જો કોઈ બુદ્ધિમાન જ્ઞાતા ભૌતિક દ્રવ્ય(matter)ના બધા કણોનું સ્થાન જાણી શકે તો તેવા જ્ઞાતા માટે પ્રકૃતિનો ભૂતકાળ કે ભવિષ્યકાળ કશું અજ્ઞાત નહિ રહે. આ રીતે પ્રકૃતિવાદ, ભૌતિકવાદ, નિયતિવાદ અને યંત્રવાદ જોડાતા ગયા.
યંત્રો ન્યૂટનના મૉડેલ મુજબ સવિભાગ અવયવીઓ (wholes) છે. તેના જુદા જુદા ભાગોની આંતરક્રિયા કાર્યકારણના નિયમથી નિર્ધારિત થાય છે.
આ સંદર્ભમાં પ્રશ્ન એ થયો કે મનુષ્યોની સભાનતા અને તેના ઇરાદાઓ, ઇચ્છાઓ, મૂલ્યો, અર્થો વગેરેને લીધે થતું તેનું સભાન હેતુલક્ષી વર્તન કેવી રીતે સમજાવવું ? આવેગો(emotions)નું શું ? યંત્રો પ્રસન્નતા અનુભવી શકે ? યંત્રો ક્રોધ કે ઈર્ષ્યા કરી શકે ? યંત્રો બીજા યંત્ર સામે વેરભાવ કે દુશ્મનાવટ રાખી શકે ?
આ પ્રશ્નના પ્રતિભાવ રૂપે બે મત રજૂ થયા. કેટલાકે તો એમ માનવાનું ચાલુ રાખ્યું કે સભાનતા(awareness)ને મગજની ક્રિયાઓ તરીકે જ સમજવી પડે. અત્યારે ઘડિયાળ જેવાં યંત્રોને બદલે કમ્પ્યૂટરના મૉડલથી મનુષ્યની માનસિક પ્રક્રિયા સમજાવી શકાય છે તેવું સ્વીકારવામાં આવ્યું. મન એ ‘કમ્પ્યૂટર-પ્રોગ્રામ’ છે, ‘સૉફ્ટવેર’ છે. મગજ ‘હાર્ડવેર’ છે. મનુષ્યને જિનેટિક કોડથી અને જૈવ રસાયણી ક્રિયાઓથી પૂર્વ-નિર્ધારિત કાર્ય-સૂચિ-અભિલિખિત (biologically programmed) કમ્પ્યૂટર તરીકે ઘટાવી શકાય. બહારથી આવતાં સૂચનો (inputs) તેના ઉપર થતી પ્રક્રિયા (processing) અને તેના પરિણામે નીપજતું વર્તન (output) એ રીતે એટલે કે માહિતી-પ્રક્રિયાત્મક તંત્ર (information processing system) તરીકે મનુષ્યને સમજી શકાય. પ્રશ્ન જટિલતાનો છે. સમજૂતી એની એ જ રહે છે.
બીજી બાજુ એવી પણ દલીલ થઈ છે કે મનુષ્યના મનને ભૌતિક-યાંત્રિક રીતે, કમ્પ્યૂટરની કે કોઈ યંત્રની પરિભાષામાં ન સમજી શકાય, કારણ કે મનનાં જે ગુણધર્મો અને કાર્યો છે (જેમ કે, પ્રત્યક્ષીકરણ કે પ્રેરિત વર્તન) તેને અનુરૂપ જડપદાર્થમાં કોઈ ઘટનાઓ જ બનતી નથી. વીસમી સદીના અમેરિકન ફિલસૂફ જેરી ફૉડર મુજબ તો આપણે મનુષ્યની ભાષા કે તેના પ્રત્યક્ષીકરણ વિશે થોડુંઘણું તો જાણીએ છીએ, પણ તેની ચેતના કે તેની વિચારક્રિયા વિશે કશું જાણતા નથી. ફૉડર, ટૉમસ, નેગલ જેવા ચિંતકોના મતે સભાનતા કે ચેતનાને ભૌતિક-શારીરિક વિચારકોટિઓથી કેવી રીતે સમજાવી શકાશે તે પ્રશ્ન ઉકેલાય તેવો નથી. જો મન યંત્રની જેમ જ સમજે તો મનુષ્યને પસંદગીના સ્વાતંત્ર્યનો અને તેથી પોતાનાં કાર્યોની જવાબદારીનો જે અનુભવ થાય છે તેને સમજી શકાય તેમ નથી. યંત્રો તો એવી સવિભાગ વસ્તુઓ છે કે જેમાં તેના જુદા જુદા ભાગોની આંતરક્રિયા કાર્યકારણના નિયમને આધારે સમજી શકાય. પ્રાકૃતિક જગત કરતાં માનસિક-સામાજિક જગત જુદું છે એટલે પ્રાકૃતિક વિજ્ઞાનનાં જ સ્પષ્ટીકરણનાં મૉડલો અને તેની જ શોધપદ્ધતિઓ મનુષ્યવિષયક જ્ઞાનો માટે તેટલી જ પ્રસ્તુત છે તેવું કેટલાકને માન્ય નથી. મનુષ્યોના વર્તનની ઇરાદાલક્ષી (intentional) સમજૂતી આપવી જ પડે. ઘડિયાળની ઇચ્છા સમય બતાવવાની નથી, પણ તેનું કાર્ય સમય બતાવવાનું છે તે સમજી શકાય છે; પણ મનુષ્ય સમય જાણવાની ઇચ્છાથી ઘડિયાળ જુએ છે તેનો નકાર કરી શકાય નહિ. કમ્પ્યૂટરને કોઈ ઇરાદો નથી, પણ તેનો ઉપયોગ કરનાર મનુષ્યને તો માહિતી પ્રાપ્ત કરવાનો ઇરાદો છે જ. બંનેને એક કોટિમાં મૂકી શકાય નહિ. તેનો અર્થ એ નથી કે મનુષ્ય કોઈ અલૌકિક અ-પ્રાકૃતિક પદાર્થ છે, પરંતુ મુદ્દો એટલો જ છે કે જડપ્રકૃતિનો ખુલાસો અને સચેતન મનુષ્યના વર્તનનો ખુલાસો બંનેના નિયમો એના એ જ છે તેવું ન કહી શકાય.
પ્રાકૃતિક પદાર્થોની યંત્રવાદી સમજૂતી આપી શકાય છે, પણ સજીવ વસ્તુની સમજૂતી એટલે કે પ્રાણશક્તિ કે જીવનતત્વની સમજૂતી કેવળ ભૌતિક-યાંત્રિક ન હોઈ શકે. ઍરિસ્ટૉટલે તેવું દર્શાવ્યું હતું. જડ અને સજીવ વચ્ચે મૂળભૂત તફાવત છે અને એ તફાવત જડની ઉપરવટ જતાં કોઈ નવા ઉત્સ્ફુરિત (emergent) તત્વ એટલે કે પ્રાણતત્વ ઉપર આધારિત છે.
ફ્રેન્ચ તત્વચિંતક બર્ગસૉં(1859–1941)એ આ સજીવતત્વવાદ(vitalism)નો સ્વીકાર કરીને ભૌતિકવાદ, યંત્રવાદ અને પ્રકૃતિવાદનો વિરોધ કર્યો. જૈવિક ઉત્ક્રાન્તિને પ્રાણતત્વના આવિષ્કાર રૂપે સમજવાની છે. નહિ કે ભૌતિક-યાંત્રિક પરિભાષામાં. નર્યો ભૌતિકવાદ સજીવની ઉત્પત્તિનો ખુલાસો આપી શકે નહિ. કાળના નાનામોટા વિભાગો –સેકન્ડ, મિનિટ, કલાક વગેરેને બાહ્ય રૂપે સમજવાને બદલે અનુભવાતી સમયાવધિ કે સમયગાળા(duration)ને બર્ગસૉંએ મહત્વ આપ્યું છે. બર્ગસૉં કહે છે, જો મન ભૌતિક પદાર્થ હોય તો તેની ઉત્ક્રાન્તિ શા માટે થઈ ? સ્નાયુજન્ય હલનચલનો જ પૂરતાં છે, તો પછી વિચારોનું શું કામ છે ? જો બધું જડ કાર્ય-કારણનિયમને અધીન હોય તો મનુષ્યને પસંદગીનું સ્વાતંત્ર્ય છે એમ કહી શકાય ખરું ? ‘હૅમ્લેટ’ કે ‘ઑથેલો’ જેવાં નાટકો કે મનુષ્યની અન્ય કૃતિઓ શું તેની પૂર્વે પ્રવર્તેલી તમામ પરિસ્થિતિઓના સમુચ્ચય રૂપે જ સમજાવી શકાય ? શું કશો નવો આવિષ્કાર તેમાં નથી ? મનુષ્ય જીવંત સભાન વ્યક્તિ છે. તેને પસંદગીનું સ્વાતંત્ર્ય છે. મન એ યંત્ર નથી જ. જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર કરતાં કશુંક જે નવું છે તેનો અભ્યાસ કરે છે અને મનોવિજ્ઞાન જીવવિજ્ઞાન કરતાં કશુંક જે નવું છે તેનો અભ્યાસ કરે છે. તેથી મનુષ્ય યંત્ર નથી. તેનાથી ઊલટું, યંત્રની જેમ વર્તતો માનવી સમાજના હાસ્યનો કે વ્યંગનો વિષય બને છે.
મનને યંત્ર ન ગણાય, પણ જીવંત શરીરને યંત્ર ગણાય તેવું ડેકાર્ટે કહ્યું હતું. બર્ગસૉં તેથી આગળ જઈને એમ કહે છે કે શરીર કે મન સજીવ દેહધારી વસ્તુનાં પાસાંઓ છે અને તેથી જીવંત વસ્તુ તરીકે સજીવ શરીરને પણ યંત્ર ન ગણાય. બીજી બાજુ શરીરને તો ઠીક, પણ મનને પણ ભૌતિક-યાંત્રિક રીતે સમજી શકાય તેવો ઉગ્ર પ્રકૃતિવાદી-યંત્રવાદી મત પણ રજૂ થયો છે; દા.ત., અમેરિકન તત્વચિંતક સન્તયાને (1863–1951) યંત્રવાદ, ભૌતિકવાદ અને પ્રકૃતિવાદ સ્વીકારીને બર્ગસૉંનો વિરોધ કર્યો. સંતયાનના મત પ્રમાણે બર્ગસૉં જેને જીવશક્તિ, પ્રાણતત્વ કહે છે તે કોઈ વ્યક્તિને બંદૂકની એક ગોળી વાગે ત્યાં જ વિસર્જિત થઈ જાય છે તેનું શું ? પૃથ્વી ઉપર જીવનરક્ષક માત્રામાં જે તાપમાન છે તે આખા વિશ્વમાં એકધારી રીતે થોડુંક નીચું જાય તોપણ તમામ પ્રાણતત્વ કે જીવતત્વ ધરાવનાર સચેતન હસ્તીઓનો સંપૂર્ણ નાશ થઈ જાય તેવું બનશે.
સંતયાન માનસિક ઘટનાઓની સમજૂતી માટે પણ ભૌતિકવાદ-યંત્રવાદ સ્વીકારે છે. અમેરિકન મનોવિજ્ઞાનીઓએ વીસમી સદીમાં વર્તનવાદ(behaviourism)નો અભિગમ સ્વીકાર્યો તે સંતયાનની ર્દષ્ટિએ ઉચિત જ છે. વૉટસન, સ્ક્રિનર જેવા અમેરિકન મનોવિજ્ઞાનીઓએ રશિયન શરીરવિજ્ઞાની પાવલૉવસમર્થિત ભૌતિકવાદ, યંત્રવાદ અને નિયતિવાદ સ્વીકાર્યો અને મનુષ્ય તેમજ પ્રાણીઓનાં વર્તનની ઉદ્દીપક પ્રતિક્રિયાનાં વણશીખેલાં અને શીખેલાં જોડાણોને આધારે જ સમજૂતી આપી; જેમ કે સંવેદનો એ જ્ઞાનતંતુઓની ઉત્તેજના જ છે, વર્તન એ સ્નાયુઓની ક્રિયાઓ જ છે તેવું વર્તનવાદીઓએ સમજાવ્યું છે. સંતયાનના અભિપ્રાય મુજબ મનોવિજ્ઞાનીઓ જે તથ્યો સાથે કામ પાડે છે તે તથ્યો આખરે તો ભૌતિક-શારીરિક તથ્યો જ છે.
ટૂંકમાં, આ સંદર્ભમાં ત્રણ મુખ્ય રજૂઆતો થઈ છે :
(1) મન અભૌતિક દ્રવ્ય હોવાથી યંત્ર નથી, પણ જીવંત શરીર ભૌતિક હોવાથી યંત્ર જ છે (ડેકાર્ટ). (2) જીવંત પ્રાણીઓ યંત્રો નથી (બર્ગસૉં). (3) મન અને શરીર બંનેની ભૌતિક-યાંત્રિક સમજૂતી આપવી જોઈએ (સંતયાન, પાવલૉવ, વૉટસન, સ્ક્રિનર વગેરે).
કેટલાક જરૂર એમ માને છે કે સચેતન અને સજીવ પ્રાણી તરીકેનાં મનુષ્યનાં આગવાં નવાં લક્ષણોને ભૌતિક વિજ્ઞાનની પરિભાષામાં કે તેની વિચારકોટિઓમાં નિ:શેષ રીતે વિગલિત (reduce) કરી શકાય નહિ. તેથી જે ભૌતિકવાદીઓ વિગલનવાદીઓ (reductionists) છે તેનાથી વિરુદ્ધ જઈને ઘણા ભૌતિકવાદીઓ અવિગલનવાદ (non-reductionism) સ્વીકારે છે. વિગલનવાદીઓ મુજબ સમાજવિજ્ઞાનને મનોવિજ્ઞાનમાં, મનોવિજ્ઞાનને જીવવિજ્ઞાનમાં, જીવવિજ્ઞાનને રસાયણ-વિજ્ઞાનમાં અને રસાયણવિજ્ઞાનને આખરે ભૌતિકશાસ્ત્રમાં વિગલિત (reduce) કરી શકાય તેમ છે; તેથી સર્વ વિજ્ઞાનોની એકતા (unity of sciences) સિદ્ધ થશે એમ અવિગલનવાદીઓ માને છે. ભૌતિકવિજ્ઞાનથી માંડીને સમાજશાસ્ત્ર સુધી આગળ જઈએ તો દરેક વિજ્ઞાનના અભ્યાસવિષયમાં નવાં નવાં તત્વોનું ઉત્સ્ફુરણ (emergence) થાય છે; જેમ કે, જડ કરતાં જીવંત વસ્તુમાં અને જીવંત વસ્તુ કરતાં સભાનતા અને સ્વ-સભાનતા ધરાવતી વસ્તુમાં નવાં તત્વો ઉદભવે છે. એટલે કે ભૌતિક બાબતો આધાર છે અને નવી પ્રગટેલી બાબતો અનુવર્તન (supervenient) કે રૂપઘટના છે. તેથી વિગલનની જરૂર નથી અને છતાં મનુષ્યોની રચના કે કાર્યમાં કોઈ લોકોત્તર દૈવી તત્વનો આવિષ્કાર છે તેમ માનવાની પણ જરૂર નથી. આમ, કણભૌતિકી (partical physics), બ્રહ્માંડવિદ્યા (cosmology), કાર્બનિક રસાયણ (organic chemistry) અને ઉત્ક્રમલક્ષી જીવવિદ્યા (evolutionary biology)–જ્ઞાનનાં આ ક્ષેત્રોની સમન્વિત વિશ્વદૃષ્ટિથી મનુષ્યને સમજી શકાય છે.
મધુસૂદન બક્ષી