યંગ, એડ્વર્ડ (જ. 1683, યુફામ, હૅમ્પશાયર, ઇંગ્લૅન્ડ; અ. 5 એપ્રિલ 1765) : અંગ્રેજી કવિ અને નાટ્યકાર. તેમણે ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો અને 1708માં તેઓ ‘ઑલ સોલ્સ, ઑક્સફર્ડ’ના ફેલો બન્યા.
તે તેમના ‘ધ કમ્પ્લેઇન્ટ, ઑર, નાઇટ-થૉટ્સ ઑન લાઇફ, ડેથ ઍન્ડ ઇમ્મોર્ટાલિટી’ (1742–1746) નામક દીર્ઘ કાવ્યકૃતિથી ખૂબ જાણીતા બન્યા. તેમની સાવકી દીકરી, જમાઈ અને પત્નીનાં ક્રમશ: ઝડપથી થયેલાં અવસાનથી પ્રેરાઈને આ કાવ્યકૃતિ તેમણે રચી છે. તેને ઘણા મોટા પ્રમાણમાં સ્વીકૃતિ મળી હતી. તે કૃતિ મોટેભાગે ‘નાઇટ-થૉટ્સ’ તરીકે જાણીતી છે. તેમણે ‘બુસિરિસ’ (1719) અને ‘ધ રિવેન્જ’ (1721) નામક બે કરુણાન્ત કાવ્યકૃતિઓ પણ આપી છે.
1730માં તેઓ પાદરી બન્યા તે પહેલાં તેમણે 1725થી 1728 દરમિયાન ‘ધ યુનિવર્સલ પૅશન’ જેવી હાસ્યરસિક શ્રેણી પણ આપેલી.
બળદેવભાઈ કનીજિયા