યંગ, ચિક (જ. 9 જાન્યુઆરી 1901, શિકાગો, ઇલિનૉઇસ; અ. 14 માર્ચ 1973, સેંટ પિટર્સબર્ગ, અમેરિકા) : અમેરિકાના કાર્ટૂન ચિત્રપટ્ટી(strip)ના કલાકાર. બેહદ ખ્યાતિ પામેલા લોકપ્રિય પાત્ર ‘બ્લૉન્ડી’ના સર્જક. મૂળ નામ મ્યુરટ બર્નાડ યંગ. તેમનો જન્મ અને ઉછેર કલા-સંસ્કાર ધરાવતા પરિવારમાં થયો હતો. તેમણે શિકાગો ઇન્સ્ટિટ્યૂટમાં કલાનો અભ્યાસ કર્યો. અનેક સ્થળે જુદી જુદી કામગીરી સંભાળ્યા પછી તેઓ ન્યૂઝપેપર એન્ટરપ્રાઇઝ ઍસોસિયેશનમાં જોડાયા. ત્યાં પોતાના સર્વપ્રથમ સર્જન રૂપે ‘અફેર્સ ઑવ્ જેન’ નામની ચિત્રપટ્ટી તૈયાર કરી. કાર્ટૂન-કલાકાર તરીકે તેમની કારકિર્દીમાં નમણી યુવતીઓનાં પાત્રો અગ્રેસર રહેતાં આવ્યાં છે; જેમકે ‘બ્યૂટિફુલ બૅબ’, ‘ડમ્બ ડૉરા’ અને છેવટે ‘બ્લૉન્ડી’ (1930).

આ ‘બ્લૉન્ડી’ નામની ચિત્રપટ્ટી ‘કિંગ ફીચર્સ’ સંસ્થાનું સૌથી લોકભોગ્ય પાત્ર બની રહ્યું અને અનેક સિંડિકેટમાં તેનું ધૂમ વેચાણ થયું. એ ચિત્રપટ્ટીના વિષય પરથી 28 ફિલ્મોનું સર્જન થયું અને ટેલિવિઝન તેમજ રેડિયોની અનેક કથા-શ્રેણીઓનું નિર્માણ થયું.

મહેશ ચોકસી