યંગહસબન્ડ, ફ્રાન્સિસ એડ્વર્ડ, સર

January, 2003

યંગહસબન્ડ, ફ્રાન્સિસ એડ્વર્ડ, સર (જ. 31 મે 1863, મરી, ભારત; અ. 31 જુલાઈ 1942, ડૉરસેટ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના સાહસખેડુ પ્રવાસી અને સૈનિક. 1882માં લશ્કરમાં જોડાયા. 1886–87માં મંચુરિયાનો સાહસ-પ્રવાસ હાથ ધરી પેકિંગ(બીજિંગ)થી યારકંદ થઈને મધ્ય એશિયા પાર કર્યું; પાછા વળતાં કાસ્ગરથી મુસ્તાંગ ઘાટમાં થઈને ભારતમાં પ્રવેશવાનો માર્ગ તેમણે શોધી કાઢ્યો. 1902માં તેમણે બ્રિટિશ સૈન્ય સાથે લહાસામાં કૂચ કરી તિબેટના દલાઈ લામાને વેપાર-સંધિ કરવાની ફરજ પાડી. આ સાહસિક અભિયાનના પરિણામે પશ્ચિમી વિશ્વ માટે તિબેટનાં દ્વાર ખુલ્લાં થયાં; આથી 1904માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો.

ફ્રાન્સિસ એડ્વર્ડ (સર) યંગહસબન્ડ

1906થી 1909 સુધી કાશ્મીરમાં બ્રિટિશ રેસિડન્ટ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમણે ભારત તથા મધ્ય એશિયા વિશે અનેક પુસ્તકો લખ્યાં છે. 1936માં તેમણે ‘વર્લ્ડ કૉંગ્રેસ ઑવ્ ફેઇથસ’ની સ્થાપના કરી હતી. તેઓ તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતા ઉપરાંત પ્રવાસ-પ્રવૃત્તિમાં ઊંડો રસ ધરાવતા હોવાથી એ વિષયનાં જે ઘણાં પુસ્તકો લખ્યાં તેમાં ‘ઇન્ડિયા ઍન્ડ તિબેટ’ (1910), ‘વિધિન’ (1912), ‘લાઇફ ઇન ધ સ્ટાર્સ’ (1927) અને ‘મૉડર્ન મિસ્ટિક્સ’ (1935) નોંધપાત્ર છે.

મહેશ ચોકસી