મ્હારાં સૉનેટ (1935, સંવર્ધિત-વિશોધિત બીજી આવૃત્તિ, 1953) : ગુજરાતના મૂર્ધન્ય કવિ બલવંતરાય ક. ઠાકોર-રચિત સૉનેટોનો સંચય. તેની પહેલી આવૃત્તિ 1935માં કવિ દ્વારા અને તેની બીજી આવૃત્તિ તેમના અવસાન બાદ કવિ ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત થઈને પ્રકાશિત થઈ હતી. એ પછી તો ઉમાશંકર જોશી-સંપાદિત આવૃત્તિનાં એકાધિક પુનર્મુદ્રણો થયાં છે.
આ ઉમાશંકર-સંપાદિત આવૃત્તિમાં બીજી આવૃત્તિ માટેનું 1951માં બલવંતરાયે જ તૈયાર કરેલું પ્રાસ્તાવિક લખાણ તથા તેમની ‘સેહની’ ઉપનામ વિશેની સંક્ષિપ્ત નોંધ આપ્યા બાદ ઉમાશંકરે પોતાના સંપાદકીય અભિગમની તથા બલવંતરાયના સૉનેટક્ષેત્રના પ્રદાનની અને સંપાદનની ઉપયોગિતા અંગેની રસપ્રદ રજૂઆત કરી છે.
બલવંતરાયે ‘મ્હારાં સૉનેટ’ના છ વિભાગ પાડ્યા છે : (1) કવિતાપ્રેમ; (2) પ્રેમ; (3) મિત્રતા, બુઝુર્ગી, મૃત્યુ, શ્રદ્ધા; (4) ઇતિહાસદૃષ્ટિ : સ્વ-કોલાહલ, બે વિશ્વવિગ્રહો, અહિંસા; (5) સમાજદર્શન, પ્રકૃતિ પર ચિંતન; (6) સંસારની સુખદુ:ખમયતા. તેમાં પ્રથમ ત્રણ વિભાગોમાં આત્મલક્ષિતા તરફનો અને પછીના ત્રણમાં પરલક્ષિતા તરફનો ઝોક જોઈ શકાય છે. (આ વિભાગો આમ તો સ્થૂલ અને ખાસ તો વિષયો સમજવા પૂરતા વધુ સગવડભર્યા હોવાનું ઉમાશંકરનું મંતવ્ય છે.)
પ્રસ્તુત સંચયમાં ‘ભણકાર’, ‘કવિનું એકાંત’, ‘સર્જકકવિ અને લોકપ્રિયતા’, ‘યમને નિમંત્રણ’, ‘અતલ નિરાશા’, ‘દ્યુતિકણી’, ‘જાગરણ’, ‘પ્રેમની ઉષા’, ‘નાયિકાનું પ્રાયશ્ચિત્ત–2 મોગરો’, ‘વધામણી’, ‘પ્રેમનો મધ્યાહન’, ‘જૂનું પિયરઘર’, ‘વર્ષાની એક સુંદર સાંઝ’, ‘સુખદુ:ખ (સૉનેટમાલા)’ જેવાં બલવંતરાયનાં જાણીતાં – ઉત્તમ-વિશિષ્ટ સૉનેટકાવ્યોનો સમાવેશ થયો છે. તેથી ગુજરાતી સૉનેટ-કવિતાના ઇતિહાસમાં આ સંગ્રહનું ઐતિહાસિક તેમજ કાવ્ય-કલા-દૃષ્ટિએ ઊંચું મૂલ્ય છે.
આ સૉનેટો નારિકેલપાકશૈલીના ઉદાહરણરૂપ છે. તેમાં બાહ્ય રુક્ષતા હેઠળ માનવમનની કોમળ-મધુર સંવેદનાઓની સરવાણી વહેતી હોવાનું અનુભવી શકાય છે. પ્રેમના નાજુક-મધુર ભાવોનું નિરૂપણ ‘પ્રેમની ઉષા’ તેમજ તે ગોત્રનાં અન્ય સૉનેટોમાં છે. ‘વધામણી’ અને ‘જૂનું પિયરઘર’ જેવી રચનાઓમાં દામ્પત્યપ્રેમની ગહરાઈ પામી શકાય છે. પ્રકૃતિનું રમ્ય-મધુર, પ્રસન્નશાન્ત ચિત્રણ ‘વર્ષાની એક સુંદર સાંઝ’માં છે; તો ‘સુખદુ:ખ(સૉનેટમાલા)’માં વાર્ધક્યનું જે વાસ્તવિક ચિત્રણ છે તે અપૂર્વ છે. બલવંતરાયની વિચાર-ભાવગત ગહરાઈ અને સંકુલતાનું, અરૂઢ પદાવલિ તેમજ લયલીલાનું આગવું આકર્ષણ છે. ગુજરાતીમાં પૃથ્વી, મંદાક્રાન્તા, શિખરિણી, ગુલબંકી જેવા છંદોનું કલાગત સામર્થ્ય સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાના સાધક બલવંતરાયે બરોબર સિદ્ધ કરી બતાવ્યું છે. ગુજરાતીમાં સૉનેટગુલ્મને દૃઢમૂલ અને પુષ્પિત – સ-ફલ કરવામાં બલવંતરાયનો કાવ્યપુરુષાર્થ અહીં પ્રતીત થાય છે. તેમની કાવ્યકલાની સૂક્ષ્મ સૂઝ, સમજ અને તેમનો કલાગત શીલ-સંયમ માટેનો ઉચ્ચગ્રાહ ‘ભણકારા’ આદિ પહેલા વિભાગનાં સૉનેટોમાં પ્રભાવિત કરે એવો છે. વિશિષ્ટ અભિવ્યક્તિવાળાં આ સૉનેટકાવ્યોનું બ. ક. ઠા.ના વિવરણ સાથે ગ્રંથ રૂપે થયેલું સંપાદન પણ ગુજરાતી કવિતામાં મહત્વનું લેખાય છે.
ચન્દ્રકાન્ત શેઠ