યકૃત (liver) : પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ. તેને કલેજું પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1.4 કિલોગ્રામ (3 શેર) જેટલું હોય છે. તે ઉરોદરપટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. તે લગભગ બધેથી પરિતનકલા (peritoneum) નામના પેટના પોલાણની અંદરના આચ્છાદન (lining) કરતા આવરણથી ઢંકાયેલો હોય છે. દાત્રરૂપ તંતુબંધ (falciform ligament) નામના તંતુઓના બનેલા રજ્જુપટ વડે તે ડાબા અને જમણા ખંડમાં વહેંચાયેલો છે. જમણા ખંડના નીચલા ભાગમાં ચતુષ્કરૂપ ખંડ (quadrate lobe) તથા પાછળની બાજુ પુચ્છીય ખંડ (caudate lobe) આવેલા છે. પેટમાંના પોલાણને પરિતનગુહા (peritoneal cavity) કહે છે. તેની દીવાલ પર અંદરની તરફના પડ અથવા આચ્છાદનને પરિતનકલા કહે છે. તેનાં બે પડ છે. એક અવયવોનું આવરણ બનાવતું પડ હોય છે, જેને અવયવી પરિતનકલા (visceral peritoneum) કહે છે અને બીજું જે સ્નાયુની દીવાલનું આવરણ કરતું પડ હોય છે તેને પરિઘીય પરિતનકલા (parietal peritoneum) કહે છે. આ બંને પડ એકબીજા સાથે સળંગ જોડાયેલાં હોય છે અને આમ તેમની વચ્ચે એક પોલાણ બને છે, જેને પરિતનગુહા કહે છે. પરિઘીય પરિતનકલામાંથી નીકળતા જાડા, દાતરડાના આકારના રજ્જુપટને દાત્રરૂપ તંતુબંધ કહે છે, જે યકૃતની ઉપરની સપાટી સુધી લંબાયેલો હોય છે. આ રજ્જુપટની ડાબી બાજુના ભાગને ડાબો ખંડ અને જમણી બાજુના ભાગને જમણો ખંડ કહે છે. દાત્રરૂપ તંતુબંધ ચપટો છે, જ્યારે તેની મુક્ત ધાર પર એક ગોળ દોરડા જેવો રજ્જુસમ તંતુબંધ (round ligament) આવેલો છે, જે યકૃતની સપાટી પરથી પેટની નાભિ સુધી જોડાય છે. રજ્જુસમ તંતુબંધ એક તંતુમય દોરી જેવી સંરચના હોય છે. ગર્ભાવસ્થામાં તે નાભિશિરા (umbilical vein) રૂપે હતી અને તેના દ્વારા ગર્ભનું લોહી પાછું ઓર (placenta) તરફ જતું હતું.

યકૃતમાં બનતું પિત્ત સૂક્ષ્મ પિત્તનલિકાઓ (bile canaliculi) દ્વારા જમણી અને ડાબી યકૃતીય નળી(hepatic duct)માં પ્રવેશે છે. તે બંને નળીઓ જોડાઈને સામાન્ય યકૃતીય નળી (common hepatic duct) બનાવે છે. યકૃતની બહાર પિત્તાશય (gallbladder) નામની પિત્તનો સંગ્રહ કરતી કોથળી હોય છે. તેના મુખમાંથી પિત્તાશયનલી (cystic duct) નીકળે છે જે સામાન્ય યકૃતીય નળી સાથે જોડાઈને સામાન્ય પિત્તનળી (common bile dult) બનાવે છે. સામાન્ય પિત્તનળી સ્વાદુપિંડમાં થઈને, સ્વાદુપિંડનળી (pancreatic duct) સાથે જોડાઈને કે તેનાથી અલગ, પરંતુ તેની સાથે વૉટરનો વિપુટ (ampula of Vater) નામના ઊપસેલા ભાગ દ્વારા નાના આંતરડાના પક્વાશય (duodenum) નામના ભાગમાં ખૂલે છે. આ સમગ્ર નલિકાસમૂહ તથા પિત્તાશયને પિત્તમાર્ગ (biliary tract) કહે છે.

યકૃતની સૂક્ષ્મ સંરચનાનો અભ્યાસ કરતાં જણાય છે કે યકૃતકોષોની પટ્ટીઓ નાની નાની ખંડિકાઓ (lobules) બનાવે છે. યકૃતકોષોની પટ્ટીઓ મધ્યસ્થ શિરાની આસપાસ પૈડાના આરાની માફક ગોઠવાઈને આવી ખંડિકાઓ બનાવે છે. તેમની વચ્ચે વિવરાભિકાઓ (sinusoids) નામનાં સૂક્ષ્મ પોલાણો હોય છે; જેમાં લોહી ઠલવાયેલું હોય છે. આ વિવરાભિકાઓમાં કુપ્ફરના કોષો આવેલા હોય છે, જે જીવાણુઓનું કોષભક્ષણ કરે છે. યકૃતને યકૃત ધમની (hepatic artery) તથા નિવાહિકા શિરા (portal vein)માંથી લોહી મળે છે. યકૃતધમનીમાંનું લોહી ઑક્સિજન લાવે છે, જ્યારે નિવાહિકાશિરામાં આવતું લોહી આંતરડામાં અવશોષાયેલાં પોષક દ્રવ્યો લાવે છે. બંને પ્રકારના સ્રોતમૂળમાંથી આવતું લોહી વિવરાભિકાઓમાં ઠલવાય છે અને યકૃતકોષોના સંપર્કમાં આવે છે. વિવરાભિકાઓમાંનું લોહી ખંડિકાઓમાંની મધ્યસ્થ શિરા દ્વારા યકૃતશિરા સુધી પહોંચે છે, જે અધોમહાશિરા (inferior vena cava) જોડે જોડાય છે. યકૃતકોષોમાં ઉત્પન્ન થતું પિત્ત સૂક્ષ્મ પિત્તનલિકાઓમાં પ્રવેશે છે અને તેના દ્વારા તે પિત્તમાર્ગમાં વહીને આંતરડાંમાં ઠલવાય છે. યકૃતની સૂક્ષ્મ સંરચના અને તેની વિકૃતિઓના અભ્યાસ માટે સોય વડે યકૃતની પેશી કાઢીને તપાસી શકાય છે. તેને યકૃતીય પેશીપરીક્ષણ (liver biopsy) કહે છે. યકૃતના વિકારોના નિદાનમાં યકૃતનાં કાર્યોનું પરીક્ષણ કરતી કસોટીઓ કરાય છે. (જુઓ યકૃતક્ષમતા કસોટીઓ) તથા તેમાં ઉદભવતી પેશીવિકૃતિઓ માટે સોનોગ્રાફી, સી. એ. ટી. સ્કૅન તથા પિત્તમાર્ગને લગતાં ચિત્રણ પણ લઈ શકાય છે.

યકૃત અને નિવાહિકાતંત્ર : (1) યકૃત, (2) ઉરોદરપટલ, (3) યકૃતનલિકા, (4) પિત્તાશયનલિકા, (5) પિત્તાશય, (6) સામાન્ય પિત્તનલિકા, (7) સ્વાદુપિન્ડનલિકા, (8) સ્વાદુપિન્ડ, (9) વૉટરનો વિપુટ, (10) પક્વાશય, (11) યકૃતનો ડાબો ખંડ, (12) યકૃતનો જમણો ખંડ, (13) જઠર, (14) બરોળ, (15) મોટું આંતરડું, (16) ‘ડ’ આકાર આંતરડું, (17) મળાશય, (18) બરોળશિરા, (19) જઠરમાંથી લોહી લઈ જતી શિરા, (20) આંતરડામાંથી લોહી લઈ જતી શિરા, (21) નિવાહિકા શિરા, (22) અધોમહાશિરા

યકૃતમાં દરરોજનું 800થી 1,000 મિ.લીટર જેટલું પિત્ત બને છે. તે પીળું કે છીંકણીસમ કે દિવેલ જેવું લીલું હોય છે. તેનું pH મૂલ્ય 7.6થી 8.6 હોય છે અને તેમાં મુખ્યત્વે પાણી, પિત્તક્ષારો, કોલેસ્ટિરોલ, લેસિથિન નામનું ફૉસ્ફોલિપિડ, પિત્તવર્ણકો (bile pigments) તથા આયનો હોય છે. તે યકૃતનું ઉત્સર્જિત દ્રવ્ય છે અને તે ખોરાકમાંના તૈલી પદાર્થોનું તૈલનિલંબન (emulsification) કરીને તેમના પાચનમાં ઉપયોગી બને છે. તૈલનિલંબનની ક્રિયામાં આહારમાંના તૈલી દ્રવ્ય(તેલ, ઘી, ચરબી)ને 1 માઇક્રોમીટરના વ્યાસવાળી બિન્દિકાઓ(droplets)માં ફેરવાય છે અને તેની આસપાસ પિત્તક્ષારોનું આવરણ બને છે. તેને કારણે તેમનું અવશોષણ શક્ય બને છે. પિત્તક્ષારો અને લેસિથિન કોલેસ્ટિરોલનું દ્રાવણ બનાવે છે. પિત્તમાં મુખ્ય વર્ણકદ્રવ્ય છે પીતવર્ણક (bilirubin). રક્તકોષો તૂટે ત્યારે તેમાંથી લોહ, ગ્લોબિન નામનું પ્રોટીન અને બિલિરુબિન બને છે. બિલિરુબિન(પીતવર્ણક)નો ચયાપચય યકૃતમાં ભરાવો થાય છે. રક્તકોષોના તૂટવાનો દર વધે, યકૃતના કોષોમાં વિકાર કે રોગ થાય કે પિત્તમાર્ગમાં રોધ ઉદ્ભવે તો બિલિરુબિન(પીતવર્ણક)નો ભરાવો થાય છે. તેને કારણે આંખની સફેદ ફાડ તથા પેશાબ પીળાં થાય છે. તેને કમળો કહે છે. પિત્તના સ્રવણની ક્રિયાનું નિયમન કરવામાં બહુવિસ્તારી ચેતા (vagus nerve) તથા પિત્તસ્રાવક (seretin) નામનો અંત:સ્રાવ સક્રિય હોય છે.

યકૃતનાં મુખ્ય 2 પ્રકારનાં કાર્યો છે : શરીરમાંની વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ (ચયાપચય, metabolism)માં ભાગ લેવો તથા પિત્ત(bile)રસનું ઉત્પાદન કરવું, જે નળી દ્વારા નાના આંતરડાના પક્વાશય (duodenum) નામના ભાગમાં ઠલવાઈને ચરબી તથા તૈલી દ્રવ્યોના પાચનમાં સહાયભૂત થાય છે તથા આંતરડાનું pH મૂલ્ય આલ્કેલાઇન કરે છે. આ ઉપરાંત લોહીનું ગંઠન (clotting) અથવા સંગુલ્મન (coagulation) કરાવતા પ્રોટીન(થ્રૉમ્બિન, ફાઇબ્રિનૉજન વગેરે)નું ઉત્પાદન પણ યકૃતમાં થાય છે. આલ્બ્યુમિન નામનું પ્રોટીન પણ યકૃતમાં બને છે. યકૃતમાંના કુપ્ફરના કોષો સહિતના જાલતન્ત્વી-અંતશ્છદીય કોષો (reticulo-endothelial cells) યકૃતમાં પ્રવેશતા જીવાણુઓ (bacteria) તથા ઈજાગ્રસ્ત રક્તકોષો અને શ્વેતકોષોનું કોષભક્ષણ (phagocytosis) કરે છે. યકૃતકોષોમાંના ઉત્સેચકો શરીરમાંના ઝેરનું નિર્વિષીકરણ (detoxification) કરે છે. દા.ત., એ ઝેરી એમોનિયાનું અલ્પ ઝેરી યુરિયામાં રૂપાંતરણ કરે છે. મૂત્રપિંડ યુરિયાને શરીરમાંથી બહાર ધકેલે છે. આંતરડાંમાંથી અવશોષાયેલાં પોષક દ્રવ્યોમાં જરૂરી સંશ્લેષણ કરીને પ્રોટીન, ચરબી કે કાર્બોહાઇડ્રેટના મોટા અણુઓ બનાવે છે. તે ગ્લાયકોજન, તાંબું, લોહ, વિટામિન એ, ડી, ઈ તથા કે વગેરે વિવિધ દ્રવ્યોનો સંગ્રહ કરે છે. ક્યારેક તે ઝેરી દ્રવ્યોનો પણ સંગ્રહ કરે છે, જેમ કે, ડીડીટી. આમ કરીને તે ઝેરી દ્રવ્યોનું લોહીમાંનું પરિભ્રમણ અટકાવે છે. કેટલાંક ઝેરી દ્રવ્યો તથા અન્ય પદાર્થોનું પિત્તરસ દ્વારા ઉત્સર્જન (excretion) પણ થાય છે. યકૃત વિટામિન ડીના સક્રિય સ્વરૂપના રૂપાંતરણમાં મહત્વનું કાર્ય કરે છે.

શિલીન નં. શુક્લ