મ્યૂર, જૉન (જ. 21 ઍપ્રિલ 1838, ડનબાર, ઈસ્ટ સ્કૉટલૅન્ડ; અ. 24 ડિસેમ્બર 1914) : જાણીતા સંશોધક, પ્રકૃતિવિજ્ઞાની અને પર્યાવરણવાદી. તેઓ આધુનિક પર્યાવરણ-સંરક્ષણને લગતા આંદોલનના પિતામહ લેખાય છે. તેમણે વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેઓ સંશોધન માટેની મૌલિક પ્રતિભા ધરાવતા હતા. 1867માં ઔદ્યોગિક ક્ષેત્રે અકસ્માત નડવાથી તેમને એક આંખ લગભગ ગુમાવવી પડી; આથી તેમણે પછી પ્રાકૃતિક ઇતિહાસ પરત્વે ધ્યાન કેન્દ્રિત કર્યું.
પોતાના મિત્ર રોબર્ટ યુ. જૉન્સન(1853–1937)ના સહકારથી તેમણે કૅલિફૉર્નિયામાં નૅશનલ પાર્ક સ્થાપવાની ઝુંબેશ ઉપાડી. 1890માં કૉંગ્રેસે એક ખરડો પસાર કરીને યૉઝૅમાઇટ નૅશનલ પાર્ક સ્થાપવાની મંજૂરી આપી; પરંતુ પાર્ક વિશેના તેમના ખ્યાલો સામેનો તેમનો સક્રિય વિરોધ ચાલુ રહ્યો અને એક દશકાની અવિરત અને જોશીલી પ્રવચનઝુંબેશ અને લેખપુરુષાર્થના ફળસ્વરૂપે તથા પ્રમુખ રૂઝવેલ્ટના સમર્થનના પરિણામે વન્ય-પશુસંરક્ષણનો લોક-સ્વીકાર થયો.
તેમની રચનાઓમાં ‘ધ માઉન્ટન્સ ઑવ્ કૅલિફૉર્નિયા’ (1894) તથા ‘સ્ટીપ ટ્રેલ્સ’ (1918) ઉલ્લેખપાત્ર છે. તેઓ સિયૅરા ક્લબ સંરક્ષણ સંગઠન(1892)ના સ્થાપક-પ્રમુખ હતા. અલાસ્કામાં તેમણે હિમનદી (glacier) શોધી કાઢી હતી. પાછળથી તે તેમના નામથી ઓળખાવા લાગી. કૅલિફૉર્નિયા ખાતેનું મ્યૂર વૂડ્ઝ નૅશનલ મૉન્યુમેન્ટ 1908માં સ્થપાયું. બ્રિટનમાં વન્ય પ્રાણીઓની વસ્તી ધરાવતી જમીન પ્રાપ્ત કરવા માટે 1984માં જૉન મ્યૂર ટ્રસ્ટ પણ સ્થપાયું.
મહેશ ચોકસી