મ્યૂટિની ઑન ધ બાઉન્ટી (1932) : મધદરિયે જહાજ પર યોજાતા બળવાને લગતી આંગ્લ નવલકથા. ચાર્લ્સ મૉર્ડોફ તથા જેમ્સ નૉર્મન હૉલ તેના સહલેખકો છે. અસામાન્ય સફળતા પામેલી આ નવલકથા સત્ય ઘટના પર આધારિત છે. અંગ્રેજી યુદ્ધ-જહાજ એચ. એમ. એસ. બાઉન્ટી પર 1789માં આ બળવો પ્રસર્યો હતો. એ જહાજના કપ્તાનના મુખ્ય સાથી ફ્લેચર ક્રિશ્ચિયને જુલમી કપ્તાન વિલિયમ બ્લાઇ સામે બંડ પોકાર્યું હતું. બંડખોરોએ કપ્તાન તથા તેમના વફાદાર નાવિકો વગેરેને એક ખુલ્લી બોટમાં તરતા છોડી મૂક્યા અને એ સૌ સર્વપ્રથમ તાહિતી ખાતે અને ત્યાંથી પિટ્કેર્ન્સ ટાપુ પર જતા રહ્યા.
આ નવલકથા પરથી બે સફળ ચિત્રો(1935 અને 1962)નું નિર્માણ થયું હતું. પ્રથમ ચિત્રમાં ચાર્લ્સ લાફ્ટન અને ક્લાર્ક ગૅબલ જેવા નામી અભિનેતાઓએ અદાકારી દાખવી હતી.
મહેશ ચોકસી