મ્યૂચ્યુઅલ ફંડ : મહત્તમ આર્થિક લાભ પ્રાપ્ત કરવા માટે ઇચ્છુક રોકાણકારોની બચત એકત્રિત કરીને તેમના લાભાર્થે શૅર, ડિબેન્ચર, બૉન્ડ વગેરેમાં રોકાણ અને લેવેચ કરતું ટ્રસ્ટ. મ્યૂચ્યુઅલ ફંડ મૂળ અંગ્રેજી નામથી જ ઓળખાવાય છે, છતાં એને ગુજરાતીમાં ‘પારસ્પરિક ભંડોળ’ કહી શકાય. બચત કરવી એ બિલકુલ વૈયક્તિક અને કૌટુંબિક બાબત છે. પરંતુ બચતનું રોકાણ ક્યાં કરવું અને કેટલું કરવું તે નિર્ણયો કોઈ એક વ્યક્તિ કે કુટુંબ યોગ્ય પ્રકારે લઈ શકતું નથી, કારણ કે આક્રમક બજારક્રિયાથી માંડી અનેકવિધ સાચી અને ખોટી માહિતીના પ્રભાવ તળે એ નિર્ણયો લેવાય છે. કીમતી ધાતુઓ અને મિલકતોમાં કરવામાં આવતા રોકાણના નિર્ણયો હજી મહદ્અંશે વ્યક્તિ, કુટુંબ કે પેઢીના રહ્યા છે, પરંતુ જામીનગીરીઓમાં થતાં રોકાણ અંગે કોઈ વ્યક્તિ/કુટુંબ પોતાની જ બચતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે તે અપૂરતું અને જોખમી છે. કોઈ જામીનગીરીમાં કેટલું રોકાણ કરવું કે જેથી તે પૂરી સલામતી સાથે મહત્તમ ફાયદો આપનારી બને તે નક્કી કરવા માટે એકલદોકલ વ્યક્તિ/કુટુંબની બચતો અને બુદ્ધિ અપૂરતાં નીવડે એવી પરિસ્થિતિ છે.

આ પરિસ્થિતિમાં રોકાણ કરવા માંગતા બચતકારો ભેગા થઈને પોતાની બચતોનું એક મોટું ભંડોળ બનાવે તેમજ રોકાણ કરવા માટેના નિષ્ણાતોને રોકીને સલામતી અને મહત્તમ વળતરની ખાતરી આપતી વૈવિધ્યસભર જામીનગીરીઓમાં રોકાણ કરે તેમજ ખરીદ-વેચાણના સોદા લાભદાયી સમયે કરે તેવી વ્યવસ્થા કરી શકાય છે. આવી વ્યવસ્થા હેઠળ અસ્તિત્વમાં આવતા ભંડોળને મ્યૂચ્યુઅલ ફંડ તરીકે ઓળખવામાં આવે છે.

મૂડીરોકાણ ટ્રસ્ટ અને મ્યૂચ્યુઅલ ફંડમાં પાયાનો તફાવત હોય છે : મૂડીરોકાણ ટ્રસ્ટ શૅર બહાર પાડીને મૂડી ઊભી કરે છે, તે પોતાના શૅર શૅરહોલ્ડર પાસેથી ખરીદતું નથી, તેના શૅરનાં ખરીદવેચાણ શૅર-બજારમાં થાય છે, તેથી તેની મૂડી સામાન્ય રીતે સ્થિર રહે છે. મ્યૂચ્યુઅલ ફંડ ઓછી દાર્શનિક કિંમતવાળાં યુનિટ બહાર પાડીને મૂડી ઊભી કરે છે. તે પોતાનાં યુનિટ, યુનિટ-હોલ્ડર પાસેથી ખરીદે છે તેમજ હયાત યુનિટ-હોલ્ડરો અને અન્ય રોકાણકારોને પોતાનાં નવાં યુનિટ વેચે છે તેથી તેની મૂડીમાં વધઘટ થયા કરે છે. અમેરિકામાં મ્યૂચ્યુઅલ ફંડ અને યુનિટ ટ્રસ્ટ અન્યોન્ય સમાનાર્થી શબ્દો છે. ભારતમાં પણ 1966માં કેન્દ્ર સરકારના અધિનિયમથી અસ્તિત્વમાં આવેલું યુનિટ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા પણ એક પ્રકારનું મ્યૂચ્યુઅલ ફંડ જ છે.

આ ભંડોળોનાં રોકાણ અને વ્યાપારથી જે મહેસૂલી અને મૂડીલાભ થાય છે તે રોકેલી બચતના પ્રમાણમાં સભ્યોને વહેંચવામાં આવે છે. કુલ મહેસૂલી ઊપજમાંથી સેબી(Security and Exchange Board of India – SEBI)એ નક્કી કરેલાં ધારાધોરણ અનુસાર જ ખર્ચા કરી શકાય છે. આ ભંડોળના વહીવટની કાર્યક્ષમતા અને ધંધાની નફાકારકતાના પણ અડસટ્ટા થાય છે. આથી ફંડમાં કરેલા રોકાણના પ્રત્યેક એકમ(unit)ના પણ શૅરબજારમાં ભાવ બોલાય તેવી પરિસ્થિતિ પેદા થાય છે. આથી આ ફંડો પૈકી કેટલાંક ફંડોના એકમોના ભાવ શૅરબજારમાં બોલાતા હોય છે. બીજાં કેટલાંક યુનિટોની કેટલી કિંમત થાય તેની ગણતરી ફંડની મિલકતોની ચોખ્ખી કિંમત(Net Asset Value : NAV)ના આધારે થાય છે. ફંડની મિલકતો કે જે મુખ્યત્વે જામીનગીરી સ્વરૂપે હોય છે તે જામીનગીરીઓની બજારકિંમતના આધારે કુલ મિલકતોની કિંમત ગણીને તેમાંથી જવાબદારીઓ બાદ કરીને મિલકતોની ચોખ્ખી કિંમત ગણવામાં આવે છે. આ કિંમતને એકમોની સંખ્યા વડે ભાગીને પ્રત્યેક યુનિટની કિંમત કાઢવામાં આવે છે. એકમોનાં ખરીદ અને વેચાણના ખર્ચા થાય છે તેથી મ્યૂચ્યુઅલ ફંડ યુનિટ-ધારક પાસેથી યુનિટ ખરીદવાનો જે ભાવ રાખે તે આ ખર્ચ મજરે મળે તેટલો ઓછો અને હયાત યુનિટ-ધારકને અથવા નવા આગંતુકને વેચવાનો જે ભાવ રાખે તે આ ખર્ચ વસૂલ કરવા જેટલો વધારે રાખે છે. આમ, મ્યૂચ્યુઅલ ફંડની રચના અને તેનું અસ્તિત્વ એના સભ્યોના પારસ્પરિક લાભ માટે છે.

મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી યુનિટ-ધારકને વિવિધ ફાયદા થાય છે : રોકાણોમાં બહુલતા આવે છે તેથી જોખમ વહેંચાઈ જાય છે અને જોખમોની સામસામી થતી વધઘટ જોખમને એકંદર ઓછું કરે છે. નિષ્ણાતો ભંડોળોનું સંચાલન કરે છે તેથી મહત્તમ સલામતી અને વળતર મળવાની સંભાવના વધે છે. ખરીદ-વેચાણના સોદા મોટા જથ્થામાં થાય છે તેથી બજારમાં ભાવ-તરફદારી, સરેરાશ ઓછી દલાલી અને પ્રમાણમાં ઓછા અન્ય સ્થિર ખર્ચાના ફાયદા થાય છે. બચતકારોને સલામતી-વળતરની વધારે ખાતરી મળે છે. તેથી વધારે પ્રમાણમાં બચતો ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં રોકાય છે. આમ છતાં આવાં ભંડોળમાં રોકાણ કરવાથી યુનિટ-ધારકને કેટલાક ગેરફાયદા છે : નિષ્ણાતોની નાની શી ભૂલ મોટાં નુકસાન કરે એવાં જોખમ પેદા કરે છે. રોકાણકારો પોતાનાં રોકાણ અંગે સ્વતંત્ર નિર્ણય લઈ શકતા નથી. ભંડોળના પોતાના વહીવટી અને સ્થિર ખર્ચા થાય છે. જે રોકાણકારની આવકને ઘટાડે છે.

રચનાની દૃષ્ટિએ (by structure) મ્યૂચ્યુઅલ ફંડના બે પ્રકાર છે : (i) ઓપન એન્ડેડ (Open Ended) : મુક્ત ભંડોળવાળા આ પ્રકારમાં રોકાણકાર ધારે ત્યારે એકમો (units) મ્યૂચ્યુઅલ ફંડને વેચી શકે છે અથવા ખરીદી શકે છે. મિલકતોની ચોખ્ખી કિંમતના આધારે એની કિંમત નક્કી થાય છે. આ પ્રકારના એકમોને શૅરબજારમાં સોદા કરવા માટે પાત્ર બનાવવામાં આવતા નથી. (ii) ક્લોઝ એન્ડેડ (Close Ended) : નક્કી કરેલા સમયગાળા અને નક્કી કરેલી રકમ માટે શરૂ કરેલા આ પ્રકાર હેઠળ નિશ્ચિત સમય પૂરો થાય ત્યારે ભંડોળની જે ચોખ્ખી રકમ થાય તે રોકાણકારો વચ્ચે એમનાં રોકાણના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. આ પ્રકારના ભંડોળના અસ્તિત્વના સમયગાળા દરમિયાન ખરીદ-વેચાણ કરવા માંગતા રોકાણકારોએ શૅરબજારમાં તેના સોદા કરવાના હોય છે. શૅરબજારમાં આ પ્રકાર હેઠળના એકમોને નોંધવાનું ફરજિયાત છે. રોકાણની દૃષ્ટિએ પણ મ્યૂચ્યુઅલ ફંડના અનેક પ્રકારો છે. જેવા કે : (1) શુદ્ધ આવક યોજના કે જે હેઠળ રોકાણકારોને નિયત સમયાંતરે ભંડોળની પેદા થયેલી આવક વહેંચવામાં આવે છે. (2) શુદ્ધ મૂડીવૃદ્ધિ યોજના કે જે હેઠળ મુદત પૂરી થતાં રોકાણકારોને મૂળ રકમ અને ખર્ચ બાદની કુલ આવકના સરવાળા જેટલી રકમ વહેંચી આપવામાં આવે છે. (3) આવક અને વિકાસની સમતોલ (balanced) યોજનામાં રોકાણકારોને નિયત સમયાંતરે થયેલી ચોખ્ખી આવક અને મુદત પૂરી થતાં ખર્ચ બાદની બાકી રહેલી આવક અને મૂળ રકમ રોકાણકારોને પરત આપવામાં આવે છે. (4) કરબચત યોજના હેઠળ રોકાણકારોને ખાસ કરીને આવકવેરા, મૂડીલાભ-વેરા અને સંપત્તિવેરામાં શક્ય એટલી મહત્તમ માફી મળે છે. (5) વિદેશીઓનું ભંડોળ (off shore funds) બિન-રહેવાસી રોકાણકારોને આકર્ષવા માટે છે. જે દેશમાં તેની નોંધણી થઈ હોય તે દેશના નિયમો પ્રમાણે એનું સંચાલન થાય છે. (6) ઈક્વિટી ભંડોળ : આ પ્રકારના ભંડોળની રકમ માત્ર ઈક્વિટી શૅરમાં રોકવામાં આવે છે. (7) મિલકત ભંડોળની રકમ માત્ર મિલકતોમાં રોકવામાં આવે છે. (8) લીવરેજ ભંડોળ(Lever-age)માંની રકમના પીઠબળથી એક બાજુ ઓછા વ્યાજના દરે ધિરાણ મેળવી બીજી બાજુ વધારે વળતરવાળાં રોકાણો કરીને થતી ઊપજના વધારાને આવક તરીકે રોકાણકારો વચ્ચે વહેંચવામાં આવે છે. (9) હેજ (Hedge) ભંડોળ હેઠળ નિષ્ણાતોની ગણતરી પ્રમાણે જેના ભાવ વધવાનો અંદાજ હોય તેમાં ભંડોળની રકમ રોકવામાં આવે છે અને જેના ભાવ ઘટવાનો અંદાજ હોય તેમાંથી રકમ છૂટી કરવામાં આવે છે. (10) ભંડોળ હેઠળ ફાજલ રકમ અન્ય મ્યૂચ્યુઅલ ફંડોમાં રોકાણ કરવા માટે છે. (11) ખાસ રોકાણ ફંડની રકમ કોઈ ચોક્કસ ઉદ્યોગની કંપનીઓના શૅરમાં રોકાણ કરવા માટે હોય છે. (12) બૉન્ડ ફંડની રકમ સરકાર, સ્થાનિક સંસ્થાઓ અને મંડળીઓના બૉન્ડમાં રોકાણ કરવા માટે છે. (13) વિદેશી રોકાણ ફંડની રકમ વિદેશી કંપનીઓની જામીનગીરીઓમાં રોકાણ કરવા માટે હોય છે. કેટલીક વાર આવક અને મૂડીવૃદ્ધિ-યોજના અથવા તો અન્ય એકથી વધારે પ્રકારોના મિશ્ર પ્રકારો બનાવીને પણ યોજનાઓ અસ્તિત્વમાં આવે છે.

મ્યૂચ્યુઅલ ફંડો મર્યાદાવિહીન વધારે ઊપજ મેળવવાનો પ્રયત્ન કરે તો મુદ્દલની સલામતીનું જોખમ વધે છે. આથી એના સંચાલનમાં ઊપજ અને સલામતી વચ્ચે સતત સમતુલા સાધવાની હોય છે. ફંડના વહીવટને પારદર્શી રાખવાના હેતુથી સંચાલકોએ સભ્યોને જોખમ અંગેની માહિતી આપવી જરૂરી હોય છે. આ માટે ઘણા ગાણિતિક મૉડલોને ઉપયોગમાં લઈ શકાય છે. જેમની કામગીરીનો ઇતિહાસ વિશ્વસનીય હોય તેવી કંપનીઓ આ ફંડોને તરતાં મૂકે છે. ફંડોની નોંધણી ઇન્ડિયન ટ્રસ્ટ ઍક્ટ હેઠળ કરવામાં આવે છે. ફંડના સંચાલકો ટ્રસ્ટીઓથી ઓળખાય છે. ફંડને તરતી મૂકનાર સંસ્થા અને એ સંસ્થા-નિયુક્ત સંચાલનમાં સક્ષમ એવી વ્યક્તિઓ ટ્રસ્ટી બને છે. ટ્રસ્ટીઓ ફંડની નીતિવિષયક બાબતો નક્કી કરે છે. ટ્રસ્ટીઓ નિષ્ણાતોની બનેલી મિલકત-વહીવટી કંપની(Asset Management Company)ને ભંડોળોનો વહીવટ સોંપે છે, કે જેથી ફંડની ઊપજ વધે અને મુદ્દલની સલામતી જળવાય. ફંડની મિલકતોની જાળવણી માટે કસ્ટોડિયન (custodian) નીમી શકાય છે. મ્યૂચ્યુઅલ ફંડની સ્થાપના, વહીવટ, વ્યવસ્થાતંત્ર અને વિસર્જન સુધીનાં બધાં કાર્યો ભારતમાં સેબીના માર્ગદર્શન પ્રમાણે કરવામાં આવે છે.

સૂર્યકાન્ત શાહ