મૌદગલ્યાયન : ગૌતમ બુદ્ધના બે પટ્ટશિષ્યોમાંના બીજા. એ રાજગૃહ પાસેના કોલિત ગામમાં જન્મ્યા હતા. એ મૌદગલ્યાયની (મોગ્ગલાની) નામે બ્રાહ્મણીના પુત્ર હતા. એ અને શારિપુત્ર સરખી વયના હતા. બંને બુદ્ધ કરતાં મોટી વયના હતા. એ બેનાં કુટુંબો વચ્ચે સાત પેઢીઓથી ગાઢ સંબંધ રહેલો હતો. શારિપુત્ર અને મૌદગલ્યાયન એક મેળાવડો જોવા સાથે ગયા, ત્યાં સંસારની ક્ષણિકતાની પ્રતીતિ થતાં તેમણે સંસાર તજી વૈરાગ્ય લેવાનું નક્કી કર્યું. પહેલાં તેઓ સંજય નામે પરિવ્રાજકના શિષ્ય થયા, પછી તેઓ સમસ્ત જંબૂદ્વીપમાં ફરી સર્વ વિદ્વાનોનો સમાગમ કરતા રહ્યા, પરંતુ આધ્યાત્મિક સમસ્યાઓનું નિરાકરણ તેમને ક્યાંય લાધ્યું નહિ. પછી તેઓ એકબીજાથી છૂટા પડી પોતપોતાની રીતે યત્નશીલ રહ્યા. તેમણે અંદર અંદર નક્કી કર્યું કે જેમને આ નિરાકરણ પહેલું લાધે તેમણે એની જાણ બીજાને જરૂર કરવી. શારિપુત્રને રાજગૃહમાં અસ્સજિનો મેળાપ થયો ને એની પાસેથી એના ગુરુ તથાગત (બુદ્ધ) તથા એમના ઉપદેશના સાર વિશે જાણકારી મળી. શારિપુત્રે અસ્સજિ પાસે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. પછી મોગ્ગલાન(મૌદગલ્યાયન)ને આ વાત કરી, તો તેમણે પણ એ ધર્મની દીક્ષા લીધી. પછી એ બે, સંજયના 500 શિષ્યોની સાથે વેળુવનમાં ભગવાન બુદ્ધ પાસે ગયા ને એમની પાસે તેમણે ભિક્ષુઓ તરીકેની પ્રવ્રજ્યા લીધી. બુદ્ધે તેમને પોતાના પટ્ટશિષ્ય નીમ્યા. આથી બુદ્ધના જૂના શિષ્ય નારાજ થયા, ત્યારે બુદ્ધે ખુલાસો કર્યો કે આ બે જણ અનેક પૂર્વભવોથી આ લાયકાત પ્રાપ્ત કરી રહ્યા હતા.

શારિપુત્ર ચાર આર્ય સત્યોના પ્રવચનમાં નિષ્ણાત હતા, જ્યારે મૌદગલ્યાયન એ ઉપરાંત પોતાની અજબ સિદ્ધિઓ વડે પણ પ્રભાવ પાડી શકતા. ભગવાન બુદ્ધ કપિલવસ્તુમાં પ્રવચન કરી થાકી જતા, ત્યારે તે પ્રવચનનું કાર્ય મૌદગલ્યાયનને સોંપી દેતા. મૌદગલ્યાયન ભગવાન બુદ્ધનાં નાનાં સેવાકાર્ય કરવામાંય નાનમ અનુભવતા નહિ. શારિપુત્ર અને મૌદગલ્યાયન પરસ્પર ગાઢ સ્નેહ ધરાવતા ને અન્યોન્યની પ્રશંસા કરતા. વળી તેઓ ભગવાન બુદ્ધની ઉપાસનામાં સર્વદા નિરત રહેતા. જ્યારે દેવદત્તે ભિક્ષુસંઘમાં ભંગાણ પાડવાનો પ્રયત્ન કરેલો, ત્યારે ભગવાન બુદ્ધે અસંતુષ્ટ ભિક્ષુઓને મનાવી લાવવાનું વિકટ કામ મૌદગલ્યાયનને સોંપેલું. ‘થેરગાથા’માં મૌદગલ્યાયનની કેટલીક ગાથાઓ આપેલી છે. શારિપુત્ર અને મૌદગલ્યાયન ભગવાન બુદ્ધની પહેલાં કાલધર્મ પામ્યા; શારિપુત્ર કાર્તિકી પૂર્ણિમાએ અને મૌદગલ્યાયન એ પછીની અમાસે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી