મોહી, વાસુદેવ (જ. 2 માર્ચ 1944, મીરપુર ખાસ, સિંધ; હાલ પાકિસ્તાન) : સિંધી ભાષાના કવિ. તેમના ગઝલસંગ્રહ ‘બર્ફ જો ઠહેયલું’ માટે તેમને 1999ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.
એમ.એ. તથા એમ.એડ્.ની ડિગ્રી મેળવ્યા પછી તેઓ અધ્યાપનક્ષેત્રમાં જોડાયા અને દુબઈની ધી ઇન્ડિયન હાઈસ્કૂલમાં અધ્યાપનકાર્ય કર્યું હતું. તેઓ હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું સારું જ્ઞાન ધરાવે છે. ચિત્રકલા અને સંગીતમાં પણ તેમને રસ છે.
તેમના 4 સિંધી કાવ્યસંગ્રહોમાં ‘તાઝાદ’ (1976); ‘સુબુહ કિથે આહે ?’; ‘મંકુ’ (1992) અને ‘બર્ફ જો ઠહેયલું’ (1996)નો સમાવેશ થાય છે. ‘બર્ફ જો ઠહેયલું’ (1996)માં એમની સમગ્ર કવિતા સંગ્રસ્થ થઈ છે. ‘મંકુ’નો ગુજરાતીમાં અનુવાદ થયો છે. તેમણે તાનિજાની જાપાની નવલકથા ‘ધ કી’નો સિંધીમાં અનુવાદ કર્યો છે. તેમણે ‘વજૂદ જો ખંડહર’ નામે કાવ્યોનું સંકલન-સંપાદન કર્યું છે.
‘મંકુ’ માટે તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનો કિશનચંદ બેવસ પુરસ્કાર અને બેસ્ટ સભા, મુંબઈનો નારાયણ શ્યામ પુરસ્કાર પણ મળ્યા છે.
પુરસ્કૃત ગઝલસંગ્રહ ‘બર્ફ જો ઠહેયલું’ સિંધી કવિતામાં નવી દૃષ્ટિ અને નવા વિચારો માટે ઉલ્લેખનીય છે. એમાંનાં કાવ્યોમાં અભિવ્યક્તિની નવી ઊંચાઈની પ્રતીતિ થાય છે.
બળદેવભાઈ કનીજિયા