મોહાડીકર, મીનલ (જ. ?, મુંબઈ) : વ્યવસ્થાપનક્ષેત્રની અગ્રણી મહિલા તથા મહારાષ્ટ્ર ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઇન્ડસ્ટ્રીઝની સર્વપ્રથમ મહિલા અધ્યક્ષા (2008–09). પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ પુણે ખાતે. માઇક્રોબાયૉલૉજીમાં બી.એસસી. અને ત્યાર બાદ ડી.એમ.એલ.ટી. લૅબોરેટરી ટૅકનિશિયનનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યા પછી મુંબઈ ખાતેની ટાટા કૅન્સર હૉસ્પિટલ, જસલોક હૉસ્પિટલ તથા ઍર ઇન્ડિયાની માઇક્રોબાયૉલૉજી લૅબોરેટરીમાં વિવિધ સ્તરે સેવાઓ આપી. ત્યાર બાદ સ્વતંત્ર વ્યવસાય કરવાના ઇરાદાથી ‘સ્વરૂપ એજન્સી’ નામથી તૈયાર ખાદ્યપદાર્થો વેચતી સંસ્થા શરૂ કરી તેના દ્વારા માર્કેટિંગ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. સાથે સાથે રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓનાં પ્રદર્શનો ઠેર ઠેર ગોઠવવાના હેતુથી ‘આનંદ ટ્રેડ ડેવલપમેન્ટ સર્વિસીઝ’ નામનો એકમ શરૂ કર્યો. તેમણે આયોજિત કરેલા ‘કન્ઝ્યુમર શૉપી’, ‘ફેસ્ટિવલ શૉપી’, ‘ફૅશન શૉપી’ જેવાં પ્રદર્શનો ખૂબ લોકપ્રિય બન્યાં. સમય જતાં મહારાષ્ટ્ર રાજ્યની બહાર ગોવા તથા કર્ણાટક રાજ્યોમાં પોતાના નેતૃત્વ હેઠળનાં કેન્દ્રો શરૂ કર્યાં, જેના નેજા હેઠળ આ રાજ્યોનાં જુદાં જુદાં નગરોમાં નિયમિત રીતે પ્રદર્શનો આયોજિત કરવામાં આવે છે. તેનો વિસ્તાર ‘કૅરિયર એક્ઝિબિશન’, ‘ઍગ્રો વિઝન’ વગેરે દ્વારા થઈ રહ્યો છે. થોડા સમય પહેલાં તેમણે ‘સ્વરૂપ પ્રકાશન’ નામથી એક પ્રકાશનસંસ્થા પણ શરૂ કરી છે અને તેની મારફત જન્મથી મૃત્યુ સુધીના વિવિધ તબક્કાઓમાં જે જે પ્રસંગો ઊભા થાય છે તે અંગે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવે છે. તેમના માર્ગદર્શન હેઠળ એક માહિતી કેન્દ્ર પણ કાર્યરત છે, જે જરૂરિયાતમંદ લોકોને જુદાં જુદાં ક્ષેત્રોની માહિતી પૂરી પાડવાનું કાર્ય કરે છે. તેમણે લખેલ પુસ્તકોમાં ‘તર કાય કરાલ ?’, ‘નિર્ધાસ્ત ગોષ્ટી’ અને ‘દ્રૌપદીચી થાળી’ – આ પુસ્તકોનો સમાવેશ થાય છે.

મીનલ મોહાડીકર

છેલ્લાં લગભગ વીસ વર્ષથી તેઓ ‘મહારાષ્ટ્ર ચેમ્બર ઑવ્ કૉમર્સ, ઇન્ડસ્ટ્રીઝ અને ઍગ્રિકલ્ચર’ના વિવિધ સ્તરે કાર્યરત છે. વર્ષ 1992માં તેમની આ સંસ્થાના મહિલા વિભાગના અધ્યક્ષપદે વરણી થઈ હતી અને વર્ષ 2008–09 માટે તે સમગ્ર સંસ્થાના અધ્યક્ષપદે ચૂંટાયાં છે. આ પદ ધરાવનાર તેઓ પ્રથમ મહિલા છે.

અત્યાર સુધી તેમને જે પુરસ્કારો એનાયત થયા છે તેમાં ‘રૉયલ કૉલેજ ઑવ્ લંડન’ દ્વારા ‘વુમન ઑવ્ ધ યર – 2000’નો ઍવૉર્ડ તથા ‘ફાય ફાઉન્ડેશન’ દ્વારા ‘નૅશનલ ઍવૉર્ડ’નો સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે