મોહમ્મદ સાલિહ કમ્બૂહ (જ.–; અ. 1651) : મુઘલ યુગના ફારસી લેખક. મુઘલ યુગમાં શહેનશાહ શાહજહાઁનો સમય ભારતીય ઇતિહાસનો સુવર્ણયુગ લેખાય છે. સ્થાપત્યની સાથે કલા અને સાહિત્યને પણ ઉત્તેજન મળ્યું. લાહોર જેવા ઐતિહાસિક શહેરે અનેક સાહિત્યકારો અને વિદ્વાનોની ભેટ ધરી છે. મોહંમદ સાલિહ કમ્બૂહ પણ આ જ ઐતિહાસિક નગરના રહેવાસી હતા. શેખ ઇનાયતુલ્લાહ લાહોરી જે તેમના વડીલ બંધુ હતા, તેમણે પણ કેટલાંક કાવ્યોની રચના કરેલી. લાહોરના એક કવિ અબુલ બરકત મુનીર સાથે કમ્બૂહને બાળપણથી મિત્રતા હતી. જોકે કમ્બૂહનાં જીવન, શિક્ષણ અને ખાનદાન અંગે જૂજ માહિતી ઉપલબ્ધ છે.
તેમની મુખ્ય સાહિત્યિક રચનાઓમાં એક ‘અમલ-એ-સાલિહ’ નામની કૃતિ છે. તેમાં શાહજહાઁના શાસનકાળના ઇતિહાસનો સમાવેશ થયેલો છે. શાહજહૉના નામે લખાયેલા કેટલાક પત્રોનો સંગ્રહ પણ મળી આવે છે. તેમની શૈલી અલંકૃત અને સુંદર છે.
ઈસ્માઈલ કરેડિયા