મોહન્તી, જતીન્દ્ર મોહન (જ. 3 જુલાઈ 1932, શ્યામસુંદરપુરી, જિ. કેન્દ્રપાડા, ઓરિસા; અ. ઑગસ્ટ 2012 ભુવનેશ્વર) : ઊડિયા અને ભારતીય અંગ્રેજીના લેખક. તેમને તેમના વિવેચનગ્રંથ ‘સૂર્યસ્નાત’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.; સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંગ્લિશ, હૈદરાબાદ અને લીડ્ઝ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડમાંથી શૈક્ષણિક ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. જુદી જુદી કૉલેજો, યુનિવર્સિટીઓમાં 40 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કરી 1992માં તેઓ સેવાનિવૃત્ત થયા. તેઓ 1989–1992 સુધી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના કાર્યવાહક બોર્ડના સભ્ય, 1989–1996 દરમિયાન સીઆઇઆઇએલ, મૈસૂરના સલાહકાર બોર્ડના સભ્ય, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇંગ્લિશ, હૈદરાબાદ, અંગ્રેજી અને વિદેશી ભાષાઓ માટે યુજીસી પૅનલના સભ્ય રહ્યા.

તેમણે અત્યાર (2008) સુધીમાં 20 જેટલા ગ્રંથો આપ્યા છે. તેમાં ‘નૂતન સમાલોચના’ અને ‘સૂર્યસ્નાત’ તેમના વિવેચનગ્રંથો છે. ‘પ્રેમપદ’ નવલકથા છે, ‘કાવ્યતત્વ’ (1973) અંગ્રેજીમાંથી અનૂદિત સાહિત્યિક સિદ્ધાંત વિશેનો ગ્રંથ છે. ‘આધુનિક ઊડિયા કવિતા’ (1966), ‘પ્રાચીન ઊડિયા કવિતા’ (1988) – એ કાવ્યસંગ્રહો છે. ‘સૂર્યાસ્ત’ (1998) તેમનો નિબંધસંગ્રહ છે. ‘ધેર વ્હેર ટ્રીઝ ફ્લાવર : એસેઝ ઑન ઊડિયા લિટરેચર’ (1985), ‘ઇન ટુ અનધર ઇન્ટેન્સિટી : ઑન કૉન્ટેમ્પરરી ઊડિયા લિટરેચર’ (1990); ‘મધુસૂદન રાવ’ (1996), ‘એલૉન્ગ ધ સ્ટ્રીમ : ઑન કૉન્ટેમ્પરરી ઊડિયા લિટરેચર’, ‘લૅન્ડ બ્યૂટિફૂલ : ઑન ઓડિસન કલ્ચર’, ‘ટ્રેડિશન ઍન્ડ ક્રિયેટિવિટી : એસેઝ ઑન ઊડિયા લિટરેચર’ – તેમના અંગ્રેજીમાંના વિવેચનગ્રંથો છે.

જતીન્દ્ર મોહન મોહન્તી

તેમની પુરસ્કૃત કૃતિ ‘સૂર્યસ્નાત’માં ઊડિયા કવિતા વિશેના, તેના વ્યાપક સમયગાળાને આવરી લેતા 22 વિવેચનાત્મક લેખો છે. તેમાં લેખક પાછલા 5 દસકાનો અભ્યાસ કરીને વિવેચન માટેના નૂતન અભિગમને અભિવ્યક્તિનો અહેસાસ કરાવીને રહે છે. લેખક ઓરિસાના વિવેચનજગતના શાંત આંદોલનના અગ્રેસર રહ્યા હોવાની પ્રતીતિ તેમના આ વિવેચનલેખોમાંની અરૂઢ ગતિવિધિથી પામી શકાય છે. એ રીતે આ કૃતિ ઊડિયામાં લખાયેલ ભારતીય વિવેચનનું એક નોંધપાત્ર પ્રદાન ગણાય તેમ છે.

બળદેવભાઈ કનીજિયા