મોહમદ આમીર હુસેનખાન (જ. 14 માર્ચ 1965, મુંબઈ) : ફિલ્મનિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા.

પ્રસિદ્ધ અભિનેતા આમીરખાનનું મૂળ નામ મોહમદ આમીર હુસેનખાન છે. તેનો જન્મ જાણીતા ફિલ્મનિર્માતા તાહીર હુસેનને ત્યાં થયો. માતા ઝીન્નત હુસેન, ફિલ્મનિર્માતા નાઝીર હુસેનના ભાઈની પુત્રી છે. બંને પક્ષે કુટુંબના સભ્યો ફિલ્મજગત સાથે સંકળાયેલા છે. આમીરખાનનાં દાદી મૌલાના અબુલ કલામ આઝાદના કુટુંબમાંથી આવે છે.

આમીરખાનની અભિનયની કારકિર્દી આઠ વર્ષની ઉંમરે બાળ અદાકાર તરીકે ફિલ્મ ‘યાદો કી બારાત’ (1973)થી શરૂ થઈ હતી. એ સમયે તેનો પ્રાયમરીનો અભ્યાસ જે. બી. પેટીટ સ્કૂલમાં ચાલતો હતો. પ્રારંભિક અભ્યાસ અહીં કર્યા બાદ સેન્ટ આનસ હાઈસ્કૂલ, બાન્દ્રામાં અને દસમું ધોરણ બૉમ્બે સ્કોટીશ સ્કૂલ, માહીમમાં અને બારમું ધોરણ નરશી મોનજી કૉલેજમાં કર્યું.

આમીર હુસેનખાન મોહમદ

સોળ વર્ષની ઉંમરે આમીરખાન એક ટૂંકી પ્રયોગાત્મક ફિલ્મ પેરોનીયા (Paranoia) સાથે સંકળાયેલા જે એના સ્કૂલના સમયના મિત્ર આદિત્ય ભટ્ટાચાર્યએ દિગ્દર્શિત કરી હતી. આમીરનાં માતા-પિતા આમીર ફિલ્મોમાં જાય તેમ નહોતા ઇચ્છતાં. એમની ઇચ્છા આમીર ડૉક્ટર કે એન્જિનિયર બને તેવી હતી. તેથી આમીરે ઘરમાં આ વાત છુપાવી હતી. આ ફિલ્મને આર્થિક સહાય પ્રસિદ્ધ ચરિત્ર અભિનેતા ડૉ. શ્રીરામ લાગુએ કરી હતી.. પેરાનોઈઆમાં નીના ગુપ્તા અને વિકટર બેનર્જી જેવા કલાકારોની સાથે આમીરે મુખ્ય ભૂમિકા કરી હતી તેમ દિગ્દર્શનમાં પણ સહયોગ આપ્યો હતો. આ ફિલ્મના અનુભવે આમીર નક્કી કરે છે કે હવે એક અભિનેતા તરીકે જ કારકિર્દી કરવી.

આમીર આ સમયમાં જ એક નાટ્ય સંસ્થા ‘અવાન્તર’ સાથે સંકળાય છે અને બેક સ્ટેજની કામગીરી લગભગ એક વર્ષ સુધી કરે છે. આ દરમિયાન જ આ સંસ્થાના પૃથ્વી થિયેટરમાં ભજવાયેલા એક ગુજરાતી નાટક ‘કેસર ભીના’માં અભિનય પણ કરે છે. અન્ય પણ કેટલાંક હિન્દી નાટકમાં આમીરે પાઠ કરેલા. આ સમયમાં જ અભ્યાસ છોડીને આમીર એક સહાયક દિગ્દર્શક તરીકે નાઝીર હુસેનની ફિલ્મ ‘મંઝીલ મંઝીલ’ અને ‘ઝબરજસ્ત’માં કામ કરે છે.

1984થી 89 દરમિયાન ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની કેટલીક ડિપ્લોમાં ફિલ્મોમાં આમીરખાન અભિનય કરે છે. આવી જ કોઈ ફિલ્મમાં આમીરને જોઈને કેતન મહેતા તેની ફિલ્મ ‘હોલી’(1984)માં તેને અભિનયની તક આપે છે. પણ હોલી એક પ્રયોગાત્મક ફિલ્મ હતી અને તે બહુ પ્રેક્ષકો સુધી ન પહોંચી શકવાને કારણે આમીરની કોઈ નોંધ ન લેવાઈ. પણ હોલીને કારણે નાઝીર હુસેન અને તેમના પુત્ર મન્સુર હુસેને આમીરને ધ્યાનમાં લઈને તેમની એક ફિલ્મ ‘કયામતસે કયામત તક’(1988)માં મુખ્ય અભિનેતા તરીકે અભિનેત્રી જુહી ચાલવાની સાથે રજૂ કરી. આ ફિલ્મને ખૂબ સફળતા મળી અને આમીરને અભિનેતાની પ્રથમ (Debut) ફિલ્મનો ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો. આ ફિલ્મથી જ આમીર એક સ્ટાર તરીકે સ્થાપિત થાય છે. જોકે કયામત સે… ની પહેલાં આમીરે આદિત્ય ભટ્ટાચાર્યની ફિલ્મ રાખમાં અભિનય કરેલો. પણ કેટલાંક કારણસર રાખ 1989માં રજૂઆત પામી. રાખ એક ક્રાઇમ થ્રીલર ફિલ્મ હતી પણ પ્રેક્ષકોમાં ખાસ ન ચાલી. પણ સમીક્ષકોને બહુ પસંદ પડેલી. રાખના અભિનય માટે આમીરને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર (National award) મળ્યો.

આમીરખાનની કેટલીક ઉલ્લેખનીય ફિલ્મોમાં ‘દીલ’ (1990), ‘દીલ હૈ કી માનતા નહીં’(1991), ‘અર્થ’ (Earth – 1998), ‘સરફરોશ’ (1999), ‘લગાન’ (2001), ‘મંગલ પાંડે : ધ રાઇઝિંગ’ (The rising -2005), ‘રંગ દે બસંતી’ (2006), ‘ફના’ (2006), ‘તારે જમીન પર’ (અભિનેતા અને દિગ્દર્શક – 2007), થ્રી ઇડીયટ્સ ( – 2009), પીપલી લાઈવ ( ફિલ્મનિર્માતા – 2010), ધોબીઘાટ (2010), પીકે ( 2014) અને દંગલ (2016) ઉલ્લેખનીય છે. આમીરખાને અત્યાર સુધીમાં બે ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે તથા 55 ફિલ્મોમાં અભિનય કરેલો. સત્યમેવ જયતે નામની એક ટેલિવિઝન શ્રેણી કરી છે અને 2 મ્યુઝિક આમમાં અભિનય કર્યો છે.

આ બધામાં આમીરખાનની કેટલીક ફિલ્મો અંગે વિશેષ નોંધ કરવી આવશ્યક છે. ફિલ્મ ‘લગાન’માં અભિનય કરવા સાથે આમીરખાન સહનિર્માતા પણ હતા. આ ફિલ્મને ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે 74માં ઓસ્કાર ઍવૉર્ડમાં મોકલવામાં આવી હતી ત્યાં આ ફિલ્મને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મનું નૉમિનેશન મળેલું. ‘લગાન’ અને ‘તારે જમીન પર’ એમ બંને ફિલ્મોને રાષ્ટ્રીય પુરસ્કાર મળેલા છે.

આમીરખાને નર્મદા બચાવ આંદોલનની તરફેણમાં વિધાનો કરતાં ગુજરાતમાં તેની એક અભિનિત ફિલ્મ ‘ફના’ને પ્રતિબંધિત કરવામાં આવી હતી. આ સમયમાં અને ખાસ કરીને 2015માં તેણે કરેલા કેટલાંક વિધાનોને લઈને ખાસ્સી રાજકીય ચર્ચાઓ થઈ હતી.

આમીરખાન ટેનિસના પણ એક સારા ખેલાડી રહી ચૂક્યા છે. અભ્યાસ દરમિયાન રાજ્ય સ્તરે એમણે ટેનિસની મૅચમાં ભાગ લીધેલો અને ઇનામો જીત્યા છે. એક પ્રસિદ્ધ અભિનેતા બન્યા પછી પણ ટેનિસની રમતને પ્રોત્સાહન આપવા માટે એમણે સહયોગ આપ્યો છે. ઇન્ટરનેશનલ પ્રીમીયર ટેનિસ લીગના પ્રદર્શન મૅચમાં આમીર જાણીતા ખેલાડીઓ રોજર ફેડરર (Roger Federer), નોવાક ડીઝોવીક (Novak Djokovic) અને સાનિયા મિર્ઝા સાથે ભાગ લે છે. ચીનમાં બહુ પ્રસિદ્ધ હોવાને કારણે તેમને ભારતના બ્રાન્ડ ઍમ્બેસેડર બનાવવામાં આવેલા. મહારાષ્ટ્રને દુષ્કાળ મુક્ત કરવાના અભિયાન સાથે જોડાતા આમીરે એક સંસ્થા પાણી ફાઉન્ડેશનની સ્થાપના કરી છે અને એક જલ મિત્ર તરીકેના અભિયાનમાં શ્રમદાન પણ કરે છે.

ફિલ્મ ‘કયામત સે કયામત’માં અત્યંત નાનો રોલ કરનાર રીના દત્તા સાથે 18 એપ્રિલ, 1986ના રોજ લગ્ન કરે છે. આ દંપતીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પણ ‘લગાન’ના નિર્માણ દરમિયાન ફિલ્મની સહાયક દિગ્દર્શક કિરણ રાવના પ્રેમમાં પડે છે. અને રીના દત્તા સાથે છૂટાછેડા લઈ આમીર 28 ડિસેમ્બર, 2005ના રોજ કિરણ રાવ જોડે લગ્ન કરે છે. કિરણ રાવ પાંચેક વર્ષના લગ્નજીવન બાદ સરોગેટ(Surrogate) પદ્ધતિથી એક પુત્રને જન્મ આપે છે. આ દંપતી જુલાઈ 2021માં છૂટાછેડા લે છે.

આમીરખાન હાલ શાકાહારી ખોરાક અપનાવતા વીગન (Vegan – દૂધમાંથી બનેલી કોઈ પણ વસ્તુનો ભોજનમાં ઉપયોગ ન કરવો)નો પ્રચાર કરી રહ્યા છે. ભારત સરકાર દ્વારા 2003માં પદ્મશ્રી અને 2010માં પદ્મભૂષણથી આમીરખાનને સન્માનિત કરવામાં આવેલ છે.

અભિજિત વ્યાસ