મોસંબી : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા રુટેસી (લીંબુ/નારંગી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus sinensis (Linn.) Osbeck syn. C. aurantium var. aurantium proper, Race Second and Race Third of Watt (હિં., બં., ગુ., મ. માલ્ટા, મોસંબી, કમલ નીંબુ; તે. સોપુ, મલ. મદુરાનારંગી; ક. સાથગુડી, કિટ્ટીલે.; તા. સથગુડી, ચીની; ઓ. મીઠાકમલા; તે. બટ્ટાવીનારિંજા, નારંજી, બુડ્ડાસિની; અં. માલ્ટા, મોઝામ્બિક, સ્વીટ ઑરેંજ, ટાઇટસ્કિન્ડ ઑરેન્જ, છે.)
મોસંબીનું ઐતિહાસિક મહત્વ : તે ચીનની મૂલનિવાસી વનસ્પતિ છે. મોસંબીનો સૌપ્રથમ સાહિત્યિક ઉલ્લેખ ‘યુ કુંગ’ નામના ગ્રંથમાં ઈ. સ. પૂર્વે 500 વર્ષ પહેલાં મળી આવેલ છે. આ ગ્રંથ ચીનના રાજા તે યુનના શાસન હેઠળ લખાયો હતો. પ્રાચીન ચીનની પ્રજા મોસંબીને સૌભાગ્યનું પ્રતીક માનતી હતી અને તેનો અનેક સ્વાસ્થ્ય સંબંધી ચિકિત્સાઓમાં ઉપયોગ કરતી હતી. જ્યારે યુરોપિયનો તેને સમૃદ્ધિનું ચિહ્ન ગણતા હતા. મોસંબી જીવનશક્તિ અથવા ઓજસ્વિતા માટે ‘બલ્ય’ (tonic) તરીકે પ્રસિદ્ધ હતી. તે ઊર્જાની ચરમસીમાની પ્રાપ્તિમાં આવતા અંતરાયોનો નાશ કરે છે.
વાસ્કો દ ગામાએ પંદરમી સદીમાં પૂર્વ આફ્રિકામાં આ વનસ્પતિ શોધી હતી અને તેણે યુરોપમાં તેનો સૌપ્રથમ વાર પ્રવેશ કરાવ્યો હતો. પોર્ટુગલમાં મોસંબી વધારે ખ્યાતિ પામી હતી, અને તેને ‘પોર્ટુગલ ઑરેન્જ’ તરીકે ઓળખાવવામાં આવી હતી. કેટલાંક સૂત્રો પ્રમાણે, કોલંબસ (1493માં મોસંબીનાં બીજ અમેરિકા લઈ ગયો હતો અને ત્યાં પછી અઢારમી સદીના મધ્યમાં તેનો કૅલિફૉનિર્ર્યા, ફ્લોરિડા અને લ્યુઇસિયાનામાં પ્રસાર થયો હતો.
મોસંબીનો ઉદભવ દક્ષિણપૂર્વ એશિયા, ઉત્તરપૂર્વ ભારત અને દક્ષિણપૂર્વ ચીનમાં થયો હોવાનો પ્રાપ્ત પુરાવાઓ નિર્દેશ કરે છે. તેની ઉત્પત્તિ સાઇટ્રસની બે જાતિઓના સંકરણથી થઈ છે :
Citrus reticula x Citrus grandis syn. C. maxima = Citrus sinensis
વિતરણ : મોસંબી ચીન અને ભારતની મૂળનિવાસી વનસ્પતિ છે. તે ઉત્તર ભારતના ઉપોષ્ણ (sub-tropical) અને દક્ષિણ ભારતના ઉષ્ણ અને ભેજવાળા પ્રદેશોમાં વાવવામાં આવે છે. ઉત્તરમાં પંજાબ, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ-ઉત્તર પ્રદેશમાં સિંચાઈવાળાં મેદાનોમાં મોટેભાગે ‘માલ્ટા’ જાતનું વાવેતર થાય છે. દક્ષિણમાં ‘સથગુડી’ જાતની મોસંબીનો ઉછેર ઉત્તર આંધ્રપ્રદેશ અને રાયલાસીમાના સૂકા જિલ્લાઓમાં વાવવામાં આવે છે. પશ્ચિમમાં પુણે અને અહમદનગર તથા તેની સાથે જોડાયેલા મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની સૂકી આબોહવામાં ‘મોસંબી’ જાત ઉગાડવામાં આવે છે.
બાહ્ય લક્ષણો : તે ફેલાતું સદાહરિત, લગભગ 9.0 મી. સુધીની ઊંચાઈ ધરાવતું વૃક્ષ છે. પર્ણો પારદર્શી (pellucid) ગ્રંથિઓવાળાં એક પંજાકાર (unifoliate) સંયુક્ત પ્રકારનાં, એકાંતરિત, ત્રિપંક્તિક (tristichous), પર્ણદંડ અને પર્ણ વચ્ચે સાંધો જોવા મળે છે. પર્ણિકા એક જ, અંડાકાર કે અંડ-લંબચોરસ (ovate-oblong), લીસી અને ચળકતી હોય છે. તેના પર્ણદંડ સાંકડા-સપક્ષ (narrowly winged) હોય છે. પુષ્પો નાના પરિમિત (cyme) ગુચ્છામાં ગોઠવાયેલાં શુદ્ધ સફેદ રંગનાં હોય છે. પુંકેસરો 25–30 અને બહુગુચ્છી (polyadelphous) હોય છે. ફળ નારંગ (hespiridium) અનષ્ટિલ (berry) પ્રકારનું અને ગોળાકાર હોય છે. તથા પાકે ત્યારે પીળું કે નારંગી રંગનું હોય છે. તેની છાલ પ્રમાણમાં જાડી અને ચુસ્તપણે જોડાયેલી હોય છે. ગર પીળો, નારંગી કે લાલ અને રસની કોથળીઓ લાંબી હોય છે. રસ મીઠો કે ખાટો હોય છે. પહોળી અને વર્તુળાકાર ટોચને કારણે તેને ‘પાવલી છાપ’ મોસંબી કહે છે.
મોસંબીની જાતો : ભારતના જુદા જુદા વિસ્તારોમાં પ્રવેશ કરાયેલી અને વ્યાપારિક ધોરણે વવાતી જાતોમાં ‘બટાવિયન’, ‘હેમ્લિન’, ‘જાફા’, ‘માલ્ટા બ્લડ રેડ’, ‘માલ્ટા કૉમન’, ‘સથગુડી’, (ચીની નારંગી), ‘વૅલેન્સિયા લેટ’, ‘પાઇનેપલ’, ‘વૉશિંગ્ટન નેવલ’, ‘શૅમૂટી’ અને ‘મોસંબી’(મોઝેમ્બિક)નો સમાવેશ થાય છે. ‘નાગપુરી’ મોસંબી દુનિયાની ઉત્તમ જાત ગણાય છે. બટાવિયન અને સથગુડી ભારતની જાણીતી જાતો છે. નાગપુરીની છાલ સહેલાઈથી છૂટી પડે છે અને સ્વાદમાં મીઠાશ તથા ખટાશનું ઉત્તમ મિશ્રણ થયેલું હોય છે.
સારણી : મોસંબીની 4 વિવિધ જાતો
ક્રમ | જાતનું નામ | લાક્ષણિકતાઓ |
1. | મોસંબી | ફળ આછા પીળાશ પડતાં નારંગી રંગનાં, છાલની સપાટી ખરબચડી અને સ્પષ્ટ રેખાઓ ધરાવે; બંને છેડેથી ચપટાં, ગોળાકાર, ટોચ પહોળી, છાલ જાડી, ખંડો 912 છાલ ઉખાડવી મુશ્કેલ, ગર આછો પીળો, રસ મીઠો. |
2. | માલ્ટા (સામાન્ય) | ફળ નારંગી-પીળાં, સપાટી લીસી, આકાર ગોળ, કદ મધ્યમથી માંડી મોટું, છાલની જાડાઈ મધ્યમ, ખંડ10, સ્પષ્ટ, ગર નારંગી, રસ પુષ્કળ, સરસ સુગંધ. |
3. | માલ્ટા (બ્લડ રેડ) | ફળની છાલ સિંદૂરી લાલ લિસોટાવાળી પીળા રંગની, પ્રમાણમાં પાતળી, ચળકતી અને સજ્જડ ચોંટેલી, ગર મકાઈના જેવો રંગ અને લાલ લિસોટા ધરાવે, વહેલી પાકતી જાત. |
4. | સથગુડી | ફળ લીસાં, આકર્ષક નારંગી રંગનાં આકારે ગોળાકાર, છાલ મધ્યમ જાડી, ખંડો 1012, ગર નારંગી રંગનો, પુષ્કળ રસવાળો, સરસ સુગંધ. |
ઉત્તર ભારતમાં બ્લડ રેડ માલ્ટા, પાઇનૅપલ, હેમ્લિન, જાફા વૅલેન્સિયા લેટ; પંજાબમાં બ્લડ રેડ માલ્ટા, પાઇનૅપલ, એક્સેલંસિઝ, વેનેઇલ, સેવિલ અને વૅલેન્સિયા; પશ્ચિમમાં મુસંબી અને દક્ષિણમાં સથગુડી, વૉશિંગ્ટન નેવલ, સામુદ્રી, ડોલ્બાફિના અને બટાવિયન જાત વવાય છે. તે મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, કૂર્ગ, મધ્યપ્રદેશ, બિહાર, ઓરિસા અને પૂર્વ પંજાબમાં પણ ઉગાડવામાં આવે છે.
કૃષિ : તે બધા જ પ્રકારની ભારે કાળી જમીનથી માંડી હલકી છીછરી જમીનમાં ઊગે છે. તેના પાકને 75 સેમી.થી 125 સેમી. વરસાદની જરૂર પડે છે. તેને સામાન્યત: નિતારવાળી જમીન અનુકૂળ આવતી નથી. 6થી 8 પી.એચ.વાળી જમીનમાં તે સારી રીતે થાય છે.
તેનું પ્રસર્જન આંખ ચડાવીને સામાન્ય રીતે થાય છે. જામબેરી કે જતીખાટીની ડાળીઓ મૂળકાંડ(rootstock) માટે વધારે અનુકૂળ છે. મોસંબીની વાવણી 6થી 7.5 મી.ના અંતરે ઉત્તરમાં ઑગસ્ટસપ્ટેમ્બર દરમિયાન અને દક્ષિણમાં જુલાઈઑગસ્ટ દરમિયાન કરવામાં આવે છે. રોપણી કરતાં પહેલાં 60 સેમી. x 60 સેમી. x 60 સેમી.ના ખાડા કરી 25 કિગ્રા. છાણિયું ખાતર, 1 કિગ્રા. હાડકાનું ખાતર અને 3 કિગ્રા. રાખનું મિશ્રણ ભરવામાં આવે છે. વાવણી વખતે મૂળકાંડ ચડાવેલી આંખ જમીનથી 15 સેમી. ઊંચી રહે તે રીતે રોપણી કરવામાં આવે છે. તેનું કૃંતન (prunning) નર્સરીથી જ શરૂ કરવામાં આવે છે, જે પ્રથમ વર્ષે દર મહિને અને બીજા અને ત્રીજા વર્ષે દર 2થી 3 મહિને કરવામાં આવે છે. પુખ્ત છોડનું કૃંતન ખૂબ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે અથવા કૃંતન કરવામાં આવતું નથી; પરંતુ ફળ ઉતારી લીધા પછી જે ડાળીઓ જમીનને અડકતી હોય તેવી ડાળીઓનું કૃંતન કરવામાં આવે છે. મુંબઈ-ડેક્કન વિસ્તારમાં છોડનાં મૂળ ખુલ્લાં કરવાની પદ્ધતિ અપનાવવામાં આવે છે. મૂળ ખુલ્લાં કરવાની ક્રિયાને ‘આરામ આપવાની ક્રિયા’ કહે છે. તેને ‘બાહ્ય ચિકિત્સા’ પણ કહે છે. મૂળ ખુલ્લાં કરવાની પદ્ધતિથી છોડ ઉપર ચોક્કસ સમયે પુષ્પો ખીલે છે. આ પુષ્પનિર્માણ થાય તે પહેલાં બે મહિના અગાઉ પાણી આપવાનું બંધ કરવામાં આવે છે અને એક માસ પછી 10 સેમી. જેટલી હલકી જમીન ખોદીને મૂળ ખુલ્લાં કરવામાં આવે છે. ભારે જમીનમાં 20 સેમી. જેટલાં મૂળ ખુલ્લાં કરવામાં આવે છે. તેમને 10 દિવસ ખુલ્લાં રાખીને ફરીથી માટી, છાણિયું ખાતર અને જરૂર જણાય તો દવાઓ ભેળવીને પૂરણી કરવામાં આવે છે. ત્યારબાદ છોડને બે હલકાં પિયત આપવામાં આવે છે. ઉત્તર અને દક્ષિણ ભારતમાં મૂળને ખુલ્લાં કરવામાં આવતાં નથી, કારણ કે શિયાળુ હવામાનથી છોડ સુષુપ્તાવસ્થામાં રહે છે. મોસંબીને ઉનાળામાં દર અઠવાડિયે અને શિયાળામાં 12થી 15 દિવસે પિયત આપવામાં આવે છે.
મોસંબી ઉપર સામાન્ય રીતે ચોથા વર્ષથી ફળ બેસે છે; પરંતુ સાતમા વર્ષથી પૂરતું ઉત્પાદન શરૂ થાય છે. ફળ પાકવાની ઋતુ ઉત્તર ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી અને દક્ષિણમાં ઑક્ટોબરથી માર્ચ હોય છે. 10થી 12 વર્ષનું મોસંબીનું વૃક્ષ 500થી 600 ફળ આપે છે.
રોગો : Xanthomonas citri (Hasse) Dowson નામના બૅક્ટેરિયા દ્વારા મોસંબીને સિટ્રસ પ્રવ્રણ કે બળિયા-ટપકાં(Citrus Canker)નો રોગ લાગુ પડે છે. તરુણ પર્ણો, શાખાઓ અને ફળો ઉપર આ બૅક્ટેરિયા દ્વારા ચેપ લાગતાં શરૂઆતમાં પીળાશ પડતાં બદામી પારભાસક (translucent) ટપકાં ઉદભવે છે. તે વિસ્તાર પામી ગોળ ઉદભેદ (crypt)માં પરિણમી ફાટે છે અને પાસેના ઉદભેદ-સમૂહ સાથે જોડાઈ મોટો, સખત અને બૂચ જેવો ઉદભેદ-સમૂહ બનાવે છે. તેના ફાટવાથી મધ્યમાં ખાડો પડે છે અને આછો બદામી વાદળી સશ જથ્થો ખુલ્લો થાય છે. ત્યારપછી વ્રણ બદામી ભીંગડાંવાળો (scabby) અને તેની આસપાસની ધાર ઘેરી બદામી અને પરિવેષ (halo) પીળા રંગનો બને છે. મોસંબીની સંવેદી જાતોને આ રોગ થતાં તેની શાખાઓ સુકાય છે અને તીવ્ર વિપત્રણ (defoliation) થાય છે. રોગગ્રસ્ત પર્ણો, શાખાઓ અને ફળોને બાળી નાખવામાં આવે છે. બોર્ડો મિશ્રણ કે બોર્ડો તેલ-નિલંપાયસ(oil emulsion)નો છંટકાવ સૌથી અસરકારક ઉપાય છે. પૅરેનૉક્સ, અલ્ટ્રાસલ્ફર, કલિલીય (colloidal) સલ્ફર અને કોપેસનની પણ ભલામણ કરવામાં આવે છે. સ્ટ્રેપ્ટોમાયસિન સલ્ફેટ, ફાઇટોમાયસિન અને એગ્રોમાયસિન-100 જેવાં પ્રતિજૈવિક ઔષધોનો પણ આ રોગના નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવે છે. ટોચનો કરમાવો (wither-tip) સમગ્ર ભારતમાં સિટ્રસ વૃક્ષોને થાય છે. તેની રોગજન(pathogenic)-ફૂગ Colletotrichum gloeosporides Penzig છે. ઉત્તરપ્રદેશમાં આ રોગ C. limetticolum નામની ફૂગ દ્વારા થાય છે. આ રોગથી પર્ણો, શાખાઓ અને ફળ સુકાઈ જાય છે, અને ખરી પડે છે. ફેબ્રુઆરી અથવા માર્ચમાં બોર્ડો મિશ્રણનો એક છંટકાવ અને પાછલા સપ્ટેમ્બરમાં બીજો છંટકાવ કરવામાં આવે છે અને શિયાળામાં રોગગ્રસ્ત શાખાઓ, પર્ણ અને ફળોને બાળી નાખવામાં આવે છે.
ગુંદરિયા(gum disease)નો રોગ જમીનમાં રહેલી વિવિધ પ્રકારની ફૂગની જાતિઓ દ્વારા થાય છે. બદામી-ગુંદરિયો સડો Phytophthora spp. દ્વારા થાય છે. તે મુખ્ય થડ ઊપર ચેપ લગાડી છાલમાં ઊભી તિરાડો પાડે છે અને અંબર રંગના ગુંદરનો સ્રાવ થાય છે. મોસંબીની બધી જાતો સંવેદી હોય છે. રોગના નિયંત્રણ માટે છાલ કાઢી નાખી ખુલ્લા થયેલા કાષ્ઠને 50 % કાબૉર્લિક ઍસિડ અથવા 25 %થી 30 % ક્રિયોસોટ તેલની ચિકિત્સા આપવામાં આવે છે. Botrytis cinerea Pers. દ્વારા ભૂખરો ગુંદરિયો થાય છે.
અગ્રારંભી ક્ષય (die-back) અપપોષણ(malnutrition)ને કારણે થતો દેહધાર્મિક રોગ છે. શરૂઆતમાં પર્ણોના કદમાં ઘટાડો, પીળા પડવું, વિવિધવર્ણતા (variagation) ઉદભવવી અને અગ્ર છેડેથી શાખાઓનું શુષ્ક થવું વગેરે તેનાં લક્ષણો છે. ઓછા નિતારવાળી ભારે જમીનમાં અને અપારગમ્ય અવમૃદા(subsoil)માં ઊગતાં વૃક્ષો સંવેદી હોય છે. અપૂરતું કાર્બનિક દ્રવ્ય, તાંબાની ન્યૂનતા અને વધારે પડતું ખાતર અગ્રારંભી ક્ષય માટેની અનુકૂળ પરિસ્થિતિઓ છે. સંસાધિત (curative) ચિકિત્સાઓમાં મૃદાનું વાતન (aeration) વધારવા ઊંડું ખેડાણ, યોગ્ય ખાતરોનો ઉમેરો, યોગ્ય વાવેતર અને મૃતશાખાઓના કૃંતનનો સમાવેશ થાય છે. મોસંબીની જાતો આ રોગની સંવેદી હોય છે.
કર્બુરિત પર્ણ (Mottle-Leaf) : જસતની ઊણપથી આ રોગ ઊપજે છે અને તે વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આ તત્વના અભાવવાળા છોડનાં પાન નાનાં બને છે તથા ફિક્કાશ પડતાં સફેદ અને પીળાં બને છે. પાન ઉપર સફેદ રંગના મોટા ડાઘા જોવા મળે છે. પાન ઘાટા લીલા રંગનાં ન દેખાતાં ફિક્કાં દેખાય છે અને છોડની વૃદ્ધિ ધીમી પડી જાય છે.
કર્બુરિત પર્ણ રોગના નિયંત્રણ માટે છોડ પર પાન આવતાં જાય ત્યારે જસત-ચૂનાનું મિશ્રણ મહિનેબે મહિને પાન ઉપર છાંટવું જરૂરી છે. શરૂઆતમાં આ ઝાડ ઉપરનાં બધાં જ પાન ઉપર તે મિશ્રણ છંટાઈ જાય તેની તકેદારી રાખવી આવશ્યક છે. 5 કિલો ઝિંક સલ્ફેટ, 1 કિલો ચૂનો, 1 કિલો કેસીન, 225 લીટર પાણીમાં ભેળવવાથી જસત-ચૂનાનું મિશ્રણ બનાવી શકાય છે.
જીવાત : Papilio demoleus Linn. નામનાં લીંબુનાં પતંગિયાં કે કથીરી, ચીકટો વગેરેની ઇયળ થડ કોરી ખાય છે. વૃક્ષ ઉપરથી બધાં પર્ણો ખરી પડે છે. ઉપદ્રવવાળા ભાગમાંથી આ ઇયળો કાઢી લેવાય છે. સોડિયમ ફ્લુઓસિલિકેટનો અને લેડ ઍસિસેટનો છંટકાવ અસરકારક હોય છે. Chrysomphalus gonidum Ashm. નામનો શલ્ક-કીટક મુંબઈના કેટલાક ભાગોમાં વધારે પ્રમાણમાં થાય છે. માછલીના તેલનું 1.0 % નિલંબન અને રોઝીન સાબુના છંટકાવથી તેનું નિયંત્રણ થાય છે. Aonidiella aurantii Mask નામનું કૅલિફૉર્નિયન લાલ શલ્ક, A. citrina Cog., પીળું શલ્ક (A. Orientalis Newst.), ઑરિયેન્ટલ પીળું શલ્ક અને Chrysom phalus ficus Ashm. સાથે પંજાબમાં નોંધાયું છે. તેલી નિલંબનો છંટકાવ અસરકારક છે.
ભારતમાં ફૂદાંઓ સૌથી ગંભીર નુકસાનકારક જીવાત છે. તે ફળોમાંથી રસ ચૂસે છે. Othreis (Ophideres) fullonica Linn. અને Ophideres materna Linn. મોસંબી ઉપર આક્રમણ કરતાં સામાન્ય ફૂદાં છે. તેમની ઇયળોની પોષક વનસ્પતિઓનો નાશ એક નિયંત્રક ઉપાય છે. અનેનાસના અર્કવાળી વિષાળુ ચાસણી ફૂદાંઓને આકર્ષી તેમનો નાશ કરે છે.
રાસાયણિક બંધારણ : મોસંબીની કેટલીક જાતોનું રાસાયણિક બંધારણ સારણી–1માં આપવામાં આવ્યું છે :
સારણી–1 : મોસંબીમાં રહેલાં પોષકદ્રવ્યોનું બંધારણ
ઘટક | પ્રમાણ |
પાણી | 86.75 ગ્રા. |
શર્કરાઓ | 9.35 ગ્રા. |
લિપિડ | 0.12 ગ્રા. |
પ્રોટીન | 0.94 ગ્રા. |
ખાદ્યરેસો | 2.4 ગ્રા. |
વિટામિન A | 11.0 માઇક્રોગ્રા. (1 %) |
થાયેમિન (વિટામિન B1) | 0.087 મિગ્રા. (8.0 %) |
રાઇબોફ્લેવિન (વિટામિન B2) | 0.04 મિગ્રા. (3 %) |
નાયેસિન (વિટામિન B3) | 0.282 મિગ્રા. (2 %) |
પૅન્ટોથેનિક ઍસિડ (વિટામિન B5) | 0.25 મિગ્રા. (5 %) |
વિટામિન B6 | 0.06 મિગ્રા. (5 %) |
ફૉલેટ (વિટામિન B9) | 30 માઇક્રોગ્રા. (8 %) |
કૉલીન | 8.4 મિગ્રા. (2 %) |
વિટામિન C (ઍસ્કોર્બિક ઍસિડ) | 53.2 મિગ્રા. (64 %) |
વિટામિન E | 0.18 મિગ્રા. (1 %) |
કૅલ્શિયમ | 40.00 મિગ્રા. (4 %) |
આયર્ન | 0.1 મિગ્રા. (1 %) |
મૅગ્નેશિયમ | 10.0 મિગ્રા. (3 %) |
મગેનીઝ | 0.025 મિગ્રા. (1 %) |
ફૉસ્ફરસ | 14.0 મિગ્રા. (2 %) |
પોટૅશિયમ | 181.0 મિગ્રા. (4 %) |
ઝિંક | 0.07 મિગ્રા. (1 %) |
ઊર્જા | 47 કિ. કૅલરી |
સ્રોત : USDA Nutrient Database (2014) |
મોસંબીના ફળના રસના બંધારણમાં કુલ ઘન પદાર્થ 8.113.1 %, કુલ ઍસિડ 0.401.50 % (સાઇટ્રિક ઍસિડ તરીકે), કુલ શર્કરા 5.48.7 %, અપચાયક શર્કરા 3.04.3 %, સુક્રોઝ 1.94.4 % અને વિટામિન C 29.058.0 મિગ્રા./ 100 હોય છે.
સારણી–2 : વિયેટનામી મોસંબીની છાલમાંથી પ્રાપ્ત કરેલ બાષ્પશીલ તેલનું રાસાયણિક બંધારણ
સંયોજન | પ્રમાણ, % માં |
લિમોનીન | 96.46 |
બીટા–માય્ર્સીન | 2.13 |
આલ્ફા–પિનીન | 0.51 |
ડેકાનલ | 0.12 |
સેબિનીન | 0.09 |
લિનેલૂલ | 0.07 |
આલ્ફા–ટર્પિનીઑલ | 0.07 |
જીરાનીલ એસિટેટ | 0.06 |
આલ્ફા–ફેલેન્ડ્રીન | 0.04 |
સિટ્રોનેલીલમ–પ્રોપિયોનેટ | 0.04 |
કોપેનીન | 0.02 |
ડેલ્ટા–કેડિનીન | 0.02 |
નેરીલ એસિટેટ | 0.01 |
સારણી–3 : મોસંબીની વૅલેન્સિયા ઑરેજ અને નૅવલ ઑરેન્જના ફળના ગર અને છાલમાં રહેલા મુખ્ય કેરોટિનૉઇડોનું બંધારણ
(કુલ કૅરોટિનૉઇડોના આશરે ટકામાં)
ઘટકો | વેલેન્સિયા ગર | ઑરેન્જ છાલ | નૅવલ ગર | ઑરેન્જ છાલ |
હાઇડ્રૉકાર્બન | ||||
ફાઇટોઇન | 4.0 | 3.1 | 4.3 | 12.1 |
ફાઇટોફ્લુઇન | 13.0 | 6.1 | 4.4 | 7.3 |
α-કૅરોટિન | 0.5 | 0.1 | – | – |
β-કૅરોટિન | 1.1 | 0.3 | 0.5 | 0.15 |
γ-કૅરોટિન | 5.4 | 3.5 | 8.5 | 8.4 |
મોનૉલ | ||||
ક્રિપ્ટોઝૅન્થિન ઍપોક્સાઇડ | ||||
ક્રિપ્ટોઝૅન્થિન | 5.3 | 1.2 | 10.0 | 3.1 |
ક્રિપ્ટોફ્લેવિનસમ | 0.5 | 1.2 | – | – |
ડાયૉલ | ||||
લ્યુટીન | 2.9 | 1.2 | 1.3 | 0.6 |
ઝીઓકેન્થિન | 4.5 | 0.8 | 1.5 | 0.8 |
મોનોઍપોક્સાઇડ ડાઑલ | ||||
ઍન્થરેઝૅન્થિન | 5.8 | 6.3 | 11.6 | 3.1 |
મ્યુટેટોઝૅન્થિનો | 6.2 | 1.7 | 0.5 | 0.6 |
રેટિક્યુલેઝૅન્થિન | – | – | – | – |
ડાઇઍપોક્સાઇડ ડાઑલ | ||||
વાયોલેઝૅન્થિન | 7.4 | 44.0 | 45.6 | 26.9 |
લ્યુટીઓઝૅન્થિન | 17.0 | 16.0 | 2.5 | 21.5 |
ઓરોઝૅન્થિન | 12.0 | 2.3 | – | 0.3 |
પૉલિઑલ | ||||
વૅલેન્સિયાઝૅન્થિન | 2.8 | 2.2 | 2.2 | 1.3 |
સિનેન્સિઝૅન્થિન | 2.0 | 3.5 | 2.2 | 2.7 |
ટ્રોલિઝૅન્થિનસમ | 2.9 | 0.5 | 1.2 | 0.8 |
ટ્રોલિક્રોમસમ | 3.0 | 0.8 | 0.17 | 1.8 |
વૅલેન્સિયેક્રોમ | 1.0 | 0.7 | – | – |
મોસંબીમાં પ્રકાંડની છાલ, કાષ્ઠ, મૂળ કે મૂળની છાલમાં આવેલાં કાઉમેરિનો અને સૉરેલિનોમાં ઓરેપેન્ટૉલ, સ્કોપેરૉન અને ઝેન્થાયલેટિનનો સમાવેશ થાય છે.
મોસંબીના ફળમાં આવેલાં ફ્લેવોનૉઇડો આ પ્રમાણે છે : નેરિન્જેનિન–7– βરુટિનોસાઇડ; નેરિન્જેનિન–7–β-રુટિનોસાઇડ–4´–β–ગ્લુકોસાઇડ; નેરિન્જિન–4–β–D–ગ્લુકોસાઇડ; આઇસોસેકુરેનેટિન–7– β–રુટિનોસાઇડ; રુટિન; 2´´–C–β–D–ઝાયલોસિલ્વિટેક્સિન, 8–C–β–D–ગ્લુકોસીલડાઇઑસ્મેટિન; લિમોસિટ્રિન–3–β–D–ગ્લુકોસાઇડ; 5–O–ડેસ્મિથાઇલનોબિલેટિન, 5–હાઇડ્રૉક્સિ–3, 7, 8, 3´, 4´–પેન્ટામિથૉક્સિફ્લેવૉન; 5–હાઇડ્રૉક્સિ–3, 6, 7, 8, 3´4´–હૅક્ઝામિથોક્સિફ્લેવૉન; 5–હાઇડ્રૉક્સિ–7, 8, 3´, 4´–ટેટ્રામિથૉક્સિફ્લેવૉન; ટેટ્રા–O–મિથાઇલસ્કુટૅલેરીન, ટેટ્રા–O–મિથાઇલઆઇસોસ્કુટેલેરિન; સિનેન્સેટિન; આઈસોસિનેન્સેટિન; ટેન્જરેટિન; નોબિલેટિન; હૅક્ઝા–O–મિથાઇલક્વિર્સેટેજેટિન, હૅક્ઝાOમિથાઈલગોસિપેટિન; 3, 5, 6, 7, 8, 3´, 4´–હૅપ્ટામિથોક્સિફ્લેવૉન; નેરિરુટિન; 5, 7ડાઇહાઇડ્રૉક્સિ2´મિથોક્સિફ્લેવૉન–7–ર્હેમ્નોગ્લુકોસાઇડ; 3–હાઇડ્રૉક્સિ–5, 6, 7, 8, 3´, 4´–હૅક્ઝોમિથોક્સિફ્લેવૉન–3–β–D–ગ્લુકોસાઇડ; 3, 8–ડાઇ–C–ગ્લુકોસિલએપિજેનિન, 3, 8–ડાઇ–C–ગ્લુકોસીલ ડાઇઑસ્મેટિન; ડાઇડાઇડ્રો–કૅમ્પ્ફેરૉલ–4´–મિથાઈલઈથર–7–O–ર્હેમ્નોસાઇડ; પોન્કેનેટિન.
સાઇટ્રસ પ્રજાતિની છાલ અને રસમાંથી પ્રાપ્ત થતા મુખ્ય ફ્લેવોનૉઇડ ગ્લાયકોસાઇડોમાં હેસ્પીરિડીન (વિટામિન Pના ગુણધર્મો સાથે), નીઓહેસ્પીરિડીન અને નેરિન્જીનનો સમાવેશ થાય છે. છેલ્લા બેનો કૅલરીરહિત મધુરક (sweetener) નીઓહેસ્પરિડીન ડાઇહાઇડ્રૉચાલ્કોનના કુદરતી સ્રોત તરીકે ઉપયોગ થાય છે. સ્પૅનિશ મોસંબીમાં મુખ્ય ગ્લાયકોસાઇડ હેસ્પીરિડીન છે. ઇજિપ્શિયન મોસંબીની છાલમાં નેરિન્જીનનું ઊંચું પ્રમાણ (3.5–5.0 %) હોય છે. મોસંબીનો ઔદ્યોગિક કચરો હેસ્પીરિડીન માટે કાચા દ્રવ્ય તરીકે ખૂબ મહત્ત્વ ધરાવે છે. મોસંબીના પર્ણદંડોમાં ટેન્જરોટેન અને નોબિલેટીન જેવા પૉલિમિથૉક્સિલેટેડ ફ્લેવૉનો (PMC) મળી આવે છે. ફળમાંથી અલગ કરાયેલા રુટિન અને અન્ય ફ્લેવૉનો વિટામિન Pના મુખ્ય ઘટકો બનાવે છે.
‘વૅલેન્સિયા’ અને ‘પેરા’ મોસંબીની જાતોના તેલમાં કેટલાંક આલ્કાઇલ અને ફીનાઈલપિરિડીનોની અત્યંત અલ્પ પ્રમાણમાં હાજરી જોવા મળી છે; જેમાં મુખ્ય 3–હૅક્ઝાઇલપિરિડીન છે. પાણીમાં તેની સાંદ્રતાની ન્યૂનતમ સીમા 0.28 પી.પી.બી. (part per billion) છે અને તે સૌથી વધારે સુગંધી આપતા પદાર્થો પૈકી એક છે.
સારણી-4 : સાઇટ્રસમાં લિમોનૉઇડો અને તેનાં વ્યુત્પન્નો
કડવાં (bitter) | કડવાશવિહીન (non-bitter) |
લિમોનિન | કૅલેમિન, સાઇક્લોકૅલેમિન, રીટ્રોકૅલેમિન, |
નૉમિલિન | લિમોનેક્સિક ઍસિડ, ડીઑક્સિલિમોનિન, |
નૉમિલિનીક ઍસિડ | લિમોનૉઇક ઍસિડ, લિમોનૉઇક ઍસિડ, |
ઇચેન્જિન | A-મુદ્રિકા(ring)લૅક્ટોન, |
ફોટોલિમોનિન I* |
17-ડીહાઇડ્રોલિમોનૉઇક ઍસિડ A-મુદ્રિકાલૅક્ટોન, ડીઑક્સિલિમોનૉઇક ઍસિડ, લિમોનૉલ, ડીઑક્સિલિમોનૉલ, લિમોનિલીક ઍસિડ, ડીઍસિટાઇલનૉમિલિન, ડીઑસિટાઇલનોમિલિનીક ઍસિડ, 19–હાઇડ્રૉક્સિ ડીઍસિટાઇલ નૉમિલિનીક ઍસિડ, મિથાઇલ ડીઍસિટાઇલ નૉમિલિનેટ, આઇસોલિમોનિક ઍસિડ, ઑબેક્યુનૉલ, ઑબેક્યુનૉન, આઇસોઑબેક્યુનૉઇક ઍસિડ, એપિઆઇસોઑબેક્યુનૉઇક ઍસિડ, 7µ–ઑબેક્યુનૉલ, મિથાઇલ, આઇસોઑબેક્યુનૉએટ ડાઇઓસ્ફેનૉલ, ફોટોલિમૉનિન II. |
મોસંબીની ‘વૅલેન્સિયા’ જાતના ફળમાંથી કૅલ્મોડ્યુલિન નામનાં પ્રોટીનને અલગ કરવામાં આવ્યું છે. તેની છાલ 2´–(E)–OPકાઉમેરોઈલઅને 2´–(E)–O–ફેરુલૉઇલગેલૅક્ટેરિક ઍસિડ ધરાવે છે. મોસંબીમાં પ્રર્ત્યૂજક (allergen), ક્લોરોજનિક ઍસિડ પણ મળી આવેલ છે. અપરિપક્વ ફળમાં આઠ પ્રકારનો જીબરેલિનોની પરખ થઈ છે.
વૅલેન્સિયાના સાંદ્રરસમાં અને છાલમાં ‘કોનિફમોસંબીની છાલમાં પાણી 220 રિન’ નામનો સ્તંભક (astringent) ગ્લાયકોસાઇડ હોય છે.
મોસંબીની છાલના વિશ્લેષણમાં મળી આવતા દ્વિતીયક ચયાપચયકોમાં અપચાયી (reducing), શર્કરાઓ, સેપોનિનો, ડીઑક્સિસુગર કાર્ડિયક ગ્લાયકોસાઇડો, ટેનિનો અને ફ્લેવોનૉઇડોનો સમાવેશ થાય છે.
મોસંબીની છાલમાં પાણી 220 ± 0.20 %, ભસ્મ 14.35 ± 0.35 %, રેસો 26.50 ± 0.20 %, કાર્બોહાઇડ્રેટ 42.90 ± 1.0 %, પ્રોટીન 4.05 ± 0.25 % અને લિપિડ 10.00 % છાલમાંથી વિપુલ જથ્થામાં મળી આવતાં કેટલાંક અલ્પ તત્ત્વો (trace elements) આ પ્રમાણે છે : Zn 14.04 + 0.96 % અને Mg 15.55 ± 1.45 % કેટલીક ભારે ધાતુઓ અત્યંત અલ્પ સાંદ્રતાએ મળી આવી છે : Cd (0.001 ± 0.00 %); Pb (0.08 ± 0.005 %) અને નિકલ (0.05 ± 0.00)
સારણી5 : મોસંબીની છાલમાં કેટલાંક તત્ત્વોનું રાસાયણિક વિશ્વેષણ; મિગ્રા./લી.માં
ધાતુ | સરેરાશ |
Zn | 14.04 ± 0.98 |
Cu | 0.01 ± 0.001 |
Cr | 0.01 ± 0.001 |
Pb | 0.02 ± 0.005 |
Ca | < 0.001 |
Mg | 15.55 ± 1.45 |
Ni | < 0.05 |
Mn | 0.04 ± 0.005 |
ઔષધગુણવિજ્ઞાનીય (Pharmacological) ગુણધર્મો : મોસંબીના ઔષધગુણવિજ્ઞાનીય ગુણધર્મો આ પ્રમાણે છે : પ્રતિ-ઉપચાયી (anti-oxidant), પ્રતિશોથકારી (anti-inflammatory), કૅન્સરરોધી (anticancer), પ્રતિધમનીકાઠિન્ય (anti-arteriosclerosis), સ્થૂળતારોધી (anti-obesity), હૃદ્વાહિકીય (cardiovascular) રોગો સામે સંરક્ષણ, મૂત્રપિંડ અશ્મરીના જોખમમાં ઘટાડો, વ્રણરોધી (anti-ulcer), ચિંતારોધી (anti-anxiety), આંત્રજ્વર (typhoid)રોધી, પ્રતિજીવાણુક (antibacrerial), ઇયળનાશક (larvicatal), ફૂગરોધી (antifungal), મધુપ્રમેહરોધી (antidiabetic), સંધિશોથરોધી (anti-arthritic), વિરોહણ (healing) સક્રિયતા, પ્રતિરક્ષા-ઉત્તેજક (immunostimulatory).
મોસંબીના ફ્લેવોનૉઇડો પ્રતિકૅન્સરજનન (anticarcinogenic) અને અર્બુદરોધી (antitumor) સહિત જૈવિક સક્રિયતાઓનો વિસ્તૃત પટ (broad spectrum) દર્શાવે છે. ક્વિર્સેટિન અનેક પ્રાણી મૉડલમાં કૅન્સરજનન- (carcinogenesis)ની પ્રક્રિયાનો પ્રતિરોધ (inhibition) કરે છે. અને વિવિધ અર્બુદ કોષોની વૃદ્ધિ પસંદગીમય રીતે અટકાવે છે. ટેન્જરેટિન અને નોબિલેટિન જેવાં પૉલિમિથૉક્સિલેટેડ ફ્લેવોનૉઇડો હાઇડ્રૉક્સિલેટેડ ફ્લેવોનૉઇડો કરતાં અર્બુદ કોષોની વૃદ્ધિના સૌથી પ્રબળ પ્રતિરોધકો (inhibitors) છે. વળી, તેઓ પ્રબળ પ્રતિ-આક્રમક (anti-invasive) અને સ્થાનાંતર-રોધી (anti-metastatic) સક્રિયતાઓ દર્શાવે છે. કૅન્સરના કોષોના વિવિધ વિભેદો (strains) માટે ટેટ્રાOસ્કુટેલેરીન એક સક્રિય કોષવિષાળુ (cytotoxic) પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે. માનવરુધિરમાં સિનેન્સેટિન અને નોબિલેટિન રક્તકણોના સમુચ્ચયન (aggregation) અને નિક્ષેપણ (sedimentation)માં અસરકારક ઘટાડો કરે છે. કેટલાંક ફ્લેવૉન પ્રતિસૂક્ષ્મજીવી (antimicrobial) અને પ્રતિવિષાણુક (antiviral) સક્રિયતા ધરાવે છે. કેટલાંક સાઇટ્રસ ફ્લેવોનૉઇડો માનવ અલ્કલરાગી (basophis) હિસ્ટામિન મુક્તિ અને તટસ્થકણ (neutrophil) b–ગ્લુક્યુરોનિડેઝ મુક્તિના અત્યંત સક્રિય પ્રતિરોધકો છે. આમ, તેઓ અંત:જીવે (in vivo) પ્રત્યૂર્જકરોધી (antiallergic) અને પ્રતિશોથકારી સક્રિયતા ધરાવે છે.
લિમોનિન મુખ્ય એગ્લાય્કોન છે. લિમોનૉઇડ એગ્લાય્કોનો ઉંદર અને હેમ્સ્ટરમાં પ્રતિકૅન્સર સક્રિયતા દર્શાવે છે. તેઓ કીટકો અને ઇતડી માટે પ્રતિષોષક (antifeedant) ગુણધર્મ ધરાવે છે.
લિમોનિન એક અસરકારક અને પરિસ્થિતિવિજ્ઞાનની ષ્ટિએ કીટકો માટે સલામત પ્રતિપોષક છે; કારણ કે મનુષ્ય માટે તે બિન-ઝેરી છે. તેથી જંતુનાશકો માટે તે એક આકર્ષક વિકલ્પ છે.
નોમિલિન અને લિમોનિન સંબંધિત લિમોનૉઇડો પ્રતિકૅન્સર સક્રિયતા દર્શાવે છે. મોસંબીની છાલમાં મુખ્ય ઘટક dલિમોનિન છે. તે ઉંદરોમાં સ્તન અર્બુદોનો પ્રતિરોધ કરતું હોવાનું જાણવા મળ્યું છે. મોસંબીનું બાષ્પશીલ તેલ તેની પ્રતિકૅન્સર સક્રિયતાને કારણે રસાયણનિવારક (chemepreventive) તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ઇતડી અને અન્ય કીટકોમાં લિમોનૉઇડો ક્ષુધા- નિરોધક (appetite suppressing) સક્રિયતા ધરાવે છે.
મોસંબીની ‘નેવલ’ અને ‘વૅલેન્સિયા’ જાતોની છાલ યુરોનિક ઍસિડ ઑક્સિડેઝનો સૌથી વિપુલ સ્રોત (4.20 એકમ/ગ્રા.) ગણાય છે. તે બિલિરુબિન (પિત્તરંજક)ના વિઘટનનું ઉદ્દીપન કરતો સક્રિય ઉત્સેચક છે. તે તાપન (heating) અને પ્રોટીન વિઘટન (proteolysis) સામે નોંધપાત્ર રીતે અવરોધક છે. તે નવજાત (neonatal) કમળાના સુધારેલ ચિકિત્સીય નિદાન અને સંભાવ્ય ચિકિત્સા માટેની ક્ષમતા ધરાવે છે.
‘વૅલેન્સિયા’ જાતની છાલમાંથી ફૂગરોધી સંયોજન, 3–[4–હાઇડ્રૉક્સિ, 3 (3–મિથાઈલ–2–બ્યુટેનાઇલ)–ફીનાઈલ]–2–(E)–પ્રોપેનલ (C14H16O2, ગ. બિં. 144–5–1450 સે.) પ્રાપ્ત થયું છે. તે Cladosporium cucumerimum અને Penicillium digitatum સામે સક્રિયતા દર્શાવે છે.
મોસંબીના બાષ્પશીલ તેલના ત્વચા સંબંધી ઘણા લાભો છે. તેના બે ટીપાં મંદ વાહક તેલ (દા.ત., હોહો’બાનું તેલ, Simondisia ealifornica, jojoba)માં મિશ્ર કરી ત્વચા પર મસાજ કરવાથી, તે જંતુઘ્ન (antiseptic) હોવાથી ખીલ, ત્વચા પ્રકોપ, સૂક્ષ્મજીવીય ચેપ, વ્રણ, કાપ, ઉઝરડા (abrasions) અને ત્વચાશોથ (dermatitis) મટે છે. તે ત્વચા માટે બલ્ય છે. સંકુલિત (congested) ત્વચાની સપાટીએ રહેલાં વિષનો નાશ કરવામાં તે મદદ કરે છે અને લસિકાતંત્ર(lymphatic system)ને ઉત્તેજે છે.
ત્વચાઊર્જક (energizer) તરીકે મોસંબીનું તેલ ત્વચા પર આવેલાં છિદ્રોમાં થઈને ઊંડો સુધી પ્રસરે છે અને ત્વચામાં કોલેજનના નિર્માણમાં મદદ કરે છે. તેનાથી ત્વચાની સ્થિતિસ્થાપકતા વધે છે; કરચલીઓમાં ઘટાડો થાય છે; વધારાના તૈલી પદાર્થોનો નિકાલ થાય છે. તે ત્વચાના વર્ણ- (complexion)ની સુધારણા કરે છે અને ત્વચા વધારે ચમકીલી, ઊજળી અને તંદુરસ્ત બનાવે છે. હૂંફાળા ગરમ પાણીમાં તેના બે ટીપાં ઉમેરી સ્નાન કરવાથી કે ચહેરા પર બાષ્પ લેવાથી ત્વચા તાજગી અને પુનર્જીવનશક્તિ પ્રાપ્ત કરે છે. તથા વૃદ્ધત્વના લક્ષણોની સુધારણા કરે છે.
વિશ્વસનીય હતાશારોધી (antidepressant), શામક (sedative) અને મંદ વાજીકર (aphrodisiac) તરીકે. મોસંબીના તેલનો હતાશા, ચિંતા, ભાવદશા(mood)માં થતા ફેરફારો, નિદ્રાની તકલીફો અને લૈંગિક સમસ્યાઓની ચિકિત્સામાં ઉપયોગ થાય છે. તે મનને નિર્મળ કરે છે, ચેતાઓ શાંત કરે છે, હકારાત્મક લાગણીઓ ઉત્પન્ન કરે છે અને જીવનની સુખદ ક્ષણોને યાદ કરાવે છે. મોસંબીના બાષ્પશીલ તેલની સુવાસ વિસ્ટાર ઉંદરોમાં ઉગ્ર ચિંતાસંલાયી (anxiolytic) અસર ઉત્પન્ન કરે છે. તેનો પ્રશાંતક (traquilizer) તરીકે ઉપયોગ થઈ શકે તેમ છે.
મોસંબીનું તેલ વાતાનુલોમક (arminative) ગુણધર્મ ધરાવે છે. તેથી તે આંતરડામાં ઉત્પન્ન વાયુને બહાર કાઢવામાં મદદ કરે છે. તલના તેલમાં તેનાં બે ટીપાં ઉમેરી તેનો પેટ પર મસાજ કરવાથી વાયુનું નિર્માણ અટકે છે; પેટમાં રહેલો વાયુ બહાર નીકળી જાય છે અને આંતરસ્રાવમાં થતી તાણની ચિકિત્સામાં તથા આંત્રીય પરોપજીવીઓનો નાશ કરવામાં તે સહાય કરે છે.
મોસંબીના તેલનું પાયસ (emulsion) પ્લુત ઉંદર (Meriones unguicalatus, કૂદકા મારતો આફ્રિકન ઉંદર) અને ઘેટા(Ovis aries)ના જઠરાંત્રીય (gastrointestinal) શ્લેષ્મકલામાં થતું રુધિર પરોપજીવી, Haemonchus contortus નામના કૃમિઓનો 97 % નાશ કરે છે. આમ, તે કૃમિઘ્ન (anthelmintic) ગુણધર્મ ધરાવે છે.
મોસંબીનું તેલ ઉદ્વેષ્ટહર (antispasmodic) ગુણધર્મ ધરાવે છે અને ચિરકાલી અતિસાર (diarrhcea), ખાંસી, સ્નાયુતાણ (cramp) તથા આંચકી(convulsion)ને કારણે થતા ઉદ્વેષ્ટો સામે વિશ્રાંતિ આપે છે. તે મૂત્રલ (diuretic) ગુણધર્મ ધરાવે છે. તે સ્થૂળતા (obesity), જલ-ધારણ (water retention) અને શોથ- (inflammation)ની ચિકિત્સામાં ઉપયોગી છે.
કોપરેલ સાથે મોસંબીના તેલનાં બે ટીપાં મિશ્ર કરી અસરગ્રસ્ત ભાગ ઉપર મસાજ કરવાથી બાહ્ય અને આંતરિક સોજાઓ સહિત વેદનાપૂર્ણ ઉદ્વેષ્ટમાં તત્કાળ વિશ્રાંતિ આપે છે.
મોસંબીનું બાષ્પશીલ તેલ શરીરના વિવિધ કાર્યોનું સંતુલન જાળવી સમગ્ર તંત્રને લાભદાયી સ્થિતિમાં મૂકે છે. તે પિત્તવર્ધક (cholagogue) હોવાથી બધી ગ્રંથિઓના સ્રાવને ઉત્તેજે છે; આર્તવ (menstruation), પાચક રસો, અંત:સ્રાવો અને સ્તનપાન કરાવતી માતાઓના દૂધના સ્રાવમાં મદદ કરે છે. તેલમાં રહેલું લિમોનીન મુક્ત મૂલકોનું અપમાર્જન કરે છે અને કોષીય વિકૃતિઓ અટકાવી કૅન્સરની ગાંઠોની વૃદ્ધિ અવરોધે છે. તે પ્રતિરક્ષાશક્તિનું વર્ધન કરી, શરદી, ફ્લૂ, માનસિક તણાવ અને અન્ય અનેક રોગોનો પ્રતિકાર કરે છે.
આયુર્વેદની ર્દષ્ટિએ મોસંબી સ્વાદે મધુર, ગુણે શીતળ, રક્તશુદ્ધ કરનાર, રુચિકર, તૃષાશામક, તૃપ્તિકર્તા, સ્ફૂર્તિદાયક, પચવામાં ભારે, પુષ્ટિકર્તા, મળ બાંધનાર, હૃદયોત્તેજક, રક્તશોધન, રક્તામ્લનાશક, કાંતિવર્ધક, ક્ષુધાવર્ધક, પાચન કરનાર અને વીર્યવર્ધક હોય છે. તે વાયુ, પિત્તદોષ, રક્તરોગ, તાવ, દાહ, અરુચિ અને અશક્તિનો નાશ કરે છે. તેનાથી રોગપ્રતિકારકતામાં વધારો થાય છે. તેની છાલ વાતહર છે. છાલનો બહારનો ભાગ ક્ષુધાપ્રેરક અને પોષક ગુણધર્મો ધરાવે છે. આંત્રજ્વરમાં તે ખાસ આપવામાં આવે છે.
ઔષધિપ્રયોગો : (1) ખીલ કે ડાઘ ઉપર તાજી છાલ લગાડવાથી મટે છે. (2) પાચનની તકલીફમાં રોજ મોસંબીના રસમાં મરી, અણ્વ કે આદુનો રસ ઉમેરી પિવડાવાય છે. (3) દાંતની નબળાઈમાં દરરોજ 1 કે 2 મોસંબી ખૂબ ચાવીને ખાવાથી દાંત મજબૂત બને છે. (4) કામને લીધે શ્રમિત થવાથીકામના કલાકો વચ્ચે રિસેસમાં કે જમ્યા પછી મોસંબીનો રસ પીવાથી તાજગી મળે છે. (5) ગરમીના તાવ કે આંત્રજ્વર ઉપર દર્દીને ઔષધની સાથે ખોરાક બંધ કરી જરૂરિયાત મુજબ મોસંબીનો રસ આપવામાં આવે છે. (6) બાળકોના મંદવિકાસ ઉપર દૂધ ઉપરાંત મોસંબીનો રસ પિવડાવાય છે. (7) તંદુરસ્તીની સુધારણા માટે દરરોજ મોસંબીનો રસ પીવાથી શરીરમાં શક્તિ, સ્ફૂર્તિ અને કાંતિમાં વધારો થાય છે. (8) ઑપરેશન પછી પથ્ય આહાર તરીકે દરરોજ મોસંબીના રસ ઉપર દર્દીને રાખવામાં આવે છે.
સાવચેતી : બાષ્પશીલ તેલ સીધેસીધું આંતરિક રીતે કદી પણ લેવું નહિ, તેને વાહક તેલોમાં મંદ બનાવ્યા પછી જ ઉપયોગ કરવો જોઈએ; કારણ કે શુદ્ધ બાષ્પશીલ અત્યંત સાંદ્ર પ્રવાહીઓ છે અને તેનો ત્વચા ઉપર સીધો ઉપયોગ કરવાથી વ્યક્તિને હાનિ પહોંચી શકે છે. સામાન્યત: સાઇટ્રસનાં તેલ પ્રકાશ-વિષાળુતા(photo-toxicity)નો ગુણ ધરાવે છે, તેથી સૂર્યપ્રકાશમાં જતાં પહેલાં તેનો ઉપયોગ ટાળવો જોઈએ. બાષ્પશીલ તેલનો ઉપયોગ કરતાં પહેલાં આયુર્વેદીય ચિકિત્સકની સલાહ લેવી. તે વ્યક્તિગત બંધારણ અને યોગ્ય સ્વાસ્થ્યની સ્થિતિને આધારે સલાહ આપશે.
અન્ય ઉપયોગો : ફળ સુગંધિત, મીઠું, રસાળ અને પોષક હોય છે. તે પેસ્ટ્રી (pastry) નીપજોને સુગંધિત કરવા અને મુરબ્બો બનાવવામાં વપરાય છે. તે પ્રતિસ્કર્વી (antiscorbutic) પ્રજીવક‘સી’નો વિપુલ સ્રોત છે. તેનાં પતીકાં બનાવી કઠણ બને ત્યાં સુધી સૂકવવામાં આવે છે અને પછી દળી ચૂર્ણ બનાવવામાં આવે છે, જે પૂરીઓ, પાઇઝ (pies), કુકિઝ (cookies) અને પ્લગ ટૉબેક(plug tobacc)ને સુગંધિત કરવામાં ઉપયોગમાં લેવાય છે. અવશિષ્ટ ગરમાંથી મોસંબીનો જામ બનાવવામાં આવે છે. પુષ્પ અને ફળમાંથી ઉત્પન્ન થતું બાષ્પશીલ તેલ (નેરોલી તેલ) અર્ક (essences) અને અત્તરો બનાવવામાં ઉપયોગી છે.
મોસંબીની છાલમાંથી આસવ, ટિંક્ચર કે શરબત બનાવવામાં આવે છે. તે મદ્યનિર્માણના કારખાનામાં સુગંધિત મદ્ય બનાવવામાં વપરાય છે. છાલમાં રહેલી શર્કરાઓનું આથવણ કરી ઍસિટોન અને બ્યૂટાઇલ આલ્કોહૉલ બનાવાય છે.
તેનું કાષ્ઠ (786 કિગ્રા./મી.3) પીળું, સખત અને સંકુલિત કણયુક્ત (close-grained) હોય છે. તે ખરાદીકામ, કોતરકામ અને કૅબિનેટ બનાવવામાં વપરાય છે. તેની શાખાઓમાંથી ચાલવા માટેની લાકડીઓ બનાવવામાં આવે છે.
બળદેવભાઈ પટેલ
પરેશ હરિપ્રસાદ ભટ્ટ
સુરેશ યશરાજભાઈ પટેલ
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ