મોસાદ : ઇઝરાયલની જગપ્રસિદ્ધ ગુપ્તચર સંસ્થા. 14 મે 1948ના રોજ ઇઝરાયલના સ્વતંત્ર રાજ્યની સ્થાપના પૂર્વે, 1936થી સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર કો-ઑર્ડિનેશન ઍન્ડ ધ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટેલિજન્સ ઍન્ડ સિક્યુરિટી નામક સંસ્થા કાર્યરત હતી. આ સંસ્થા 1 એપ્રિલ, 1951થી ‘મોસાદ’ના નવા નામથી કાર્યરત બની. ‘મોસાદ’ હીબ્રૂ શબ્દ છે, જેનો અર્થ છે ‘સંસ્થા’ (institute). ઇઝરાયલના પ્રથમ વડાપ્રધાન બેન ગુરિયનનું મંતવ્ય હતું કે ‘ગુપ્તચર વિભાગ સંરક્ષણની પ્રથમ હરોળ છે.’ આથી એક નમૂનેદાર અને કાર્યક્ષમ સંસ્થાનો માનસ-નકશો ઘડી તેમણે મોસાદની રચનાની ઘોષણા કરી હતી. તેમની નિગાહબાની હેઠળ ઇઝરાયલના ગુપ્તચર ઘટકોની પુનર્રચના થઈ હતી, જેમાંની એક મોસાદ હતી. આ સંસ્થા વડાપ્રધાનની સીધી દેખરેખ હેઠળ કાર્ય કરે છે. તેનું વડું મથક તેલ અવીવમાં છે. રુવેન શીલોહ તેના સ્થાપક અને ડીરેક્ટર હતા જેઓ 1949થી 53 દરમિયાન હોદ્દા પર હતા. તેનું વ્યવસ્થિત માળખું તૈયાર કરનાર ઇસ્સેર હારેલ હતા અને 1963 સુધી આ સંસ્થાના ડીરેક્ટર વડા તરીકેની કામગીરી પણ તેમણે સંભાળેલી. મોસાદના ડિરેક્ટર્સની યાદી આ મુજબ છે : (1) , (2), (3) મેઈર અમીટ્(ત) 1963–68, (4) ઝવી ઝમીર 1968–73, (5) યિત્ઝાક હોફી, 1973–82, (6) નહુમ એડ્મોની 1982–89, (7) શાબ્તાઈ શાવિટ્ 1989–96, (8) ડેની યાતોમ 1996–98, (9) એફરેમ હાલેવી 1998–2002, (10) મેઈર દાગન 2002–2011, (11) તામીર પારડો 2011થી હોદ્દા પર છે. આ સંસ્થાનાં કાર્યો માટે ત્યાંની સરકાર અઢળક નાણાં ફાળવે છે અને આ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. 1980માં તેનો કાર્મિકગણ (personnel) 1,500થી 2,000નો અંદાજવામાં આવતો. 2000ની સાલમાં તેનો કાર્મિકગણ 1,200નો હોવાનો અંદાજ છે. પરંપરાગત રીતે તેના વડાનું નામ પ્રગટ કરવામાં આવતું નહોતું, પરંતુ 1996થી સરકારે આ પરિપાટીમાં પરિવર્તન કરવાનું પસંદ કર્યું છે. 2000ની સાલમાં સંસ્થાના ડિરેક્ટર તરીકે જનરલ ડેની યાતૂમના નામની ઉદઘોષણા કરવામાં આવી હતી. ગુપ્તચર તરીકે આ સંસ્થામાં જોડાનાર કર્મચારી પાસેથી દેશપ્રેમ, વફાદારી, ઊંચી બુદ્ધિમત્તા, કામની ઊંડી લગની, સાહસિકપણું જેવા ગુણોની અપેક્ષા રાખવામાં આવે છે. જીવના જોખમે કામ કરનાર આ સમગ્ર કર્મચારીગણને ઊંચું વેતન ચૂકવાય છે. કામગીરીનો પ્રારંભ તાલીમથી થાય છે. તાલીમ બાદની વાસ્તવિક કામગીરી માટે ગુપ્તચરોએ કુટુંબથી અલગ વસવાટ સ્વીકારવાનો હોય છે. તેમનાં કુટુંબોને ઉદાર વેતન અને સહાય આપવામાં આવે છે અને શહાદત પામનાર કર્મચારીને અતિ ઊંચું વળતર ચૂકવાય છે.

આ સંસ્થાને પ્રારંભે અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી(CIA)ની સર્વાંગી સહાય મળી હતી. આ બે દેશો વચ્ચેના વિશિષ્ટ અને સહકારભર્યા સંબંધોને કારણે સંસ્થાના કર્મચારીઓને તાલીમ આપવાનું, તેમને અદ્યતન જાસૂસી પદ્ધતિઓનું જ્ઞાન અને માહિતી પૂરાં પાડવાનું અને અદ્યતન સાધનસામગ્રીથી સજ્જ રાખવાનું કાર્ય સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી કરતી હતી.

તેના કર્મચારી-ગણમાં મહિલાઓ પણ સામેલ છે અને તેમની સંખ્યા પણ મોટી છે. મોસાદનો કર્મચારી-ગણ તેના ઉત્કટ દેશપ્રેમ માટે ખ્યાતનામ છે. આ સંસ્થામાં યહૂદી અને ઇઝરાયલી હિતો અપ્રતિમ ઊંચાઈ ધરાવતાં હોવાથી માની ન શકાય તેવાં જોખમી અને જીવસટોસટનાં કાર્યો હાથ ધરી તેમને સફળતાપૂર્વક પાર ઉતારવા માટે મોસાદ જાણીતી છે. ઇઝરાયલી નાગરિકોના મનમાં આ સંસ્થાનું મહત્વ અતિશય ઊંચું છે. તે વિશ્વભરની પ્રથમ પાંચ ગુપ્તચર સંસ્થાઓમાંની એક છે. યહૂદી હિતો વિરુદ્ધ કામ કરતાં વિશ્વભરનાં સંગઠનો, ત્રાસવાદી જૂથો, આરબ ગેરીલાઓ, આતંકવાદીઓ અને નમાલા રાજકારણીઓ તેની હંતવ્ય-સૂચિ(hit-list)માં હોય છે. ‘કાત્સાદે’ નામની તેની ખૂંખાર ટુકડીઓ વિશ્વભરમાં નામના ધરાવે છે. યુરોપ અને અમેરિકામાં પ્રવેશતાં આરબ આતંકવાદીઓ અંગે પશ્ચિમનાં રાજ્યોને તે સતત આધારભૂત માહિતી પૂરી પાડી આતંકવાદ વિરુદ્ધની જેહાદ જલતી રાખે છે. મોસાદથી રાજકીય કારકિર્દીનો આરંભ કરનાર ઇઝરાયલના જાણીતા રાજકીય નેતાઓમાં ચેમ હરઝોઝ, યિત્ઝાક શમીર, મેનોચેન બેગિન, યિત્ઝાક રેબિન વગેરેનો સમાવેશ થાય છે.

તેની કાર્યવાહી વિવિધ વિભાગો વચ્ચે વહેંચાયેલી છે. તદુપરાંત, તે કેટલાંક આંતરિક સંગઠનો અને ઘટકો ધરાવે છે; પરંતુ તે અંગે ઝાંખી અને આછીપાતળી માહિતી જ સુલભ છે. તેની મહત્ત્વની કામગીરીમાં રોકાયેલા વિભાગો નીચે મુજબ છે :

1. કલેક્શન્સ ડિપાર્ટમેન્ટ : આ વિભાગ અન્ય વિભાગોની તુલનામાં મોટો છે અને ગુપ્ત કામગીરીની જવાબદારી ધરાવે છે. વધુમાં વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્રો માટે બીજા ઘણા એકમો કાર્ય કરે છે, જેમને ‘ડેસ્ક’ (desk) તરીકે ઓળખવામાં આવે છે. આવા ‘ડેસ્ક’થી ઉપરના સ્તરે ‘સ્ટેશન’ (station) નામના ઘટકો કામગીરી બજાવે છે અને વિશ્વભરની અદ્યતન માહિતીથી સુસજ્જ રહે છે.

2. પોલિટિકલ ઍક્શન અને લિયેઝન ડિપાર્ટમેન્ટ : આ વિભાગ રાજકીય પ્રવૃત્તિઓમાં રોકાયેલો હોય છે. મિત્ર દેશોની ગુપ્તચર એજન્સીઓ સાથે તે સંપર્કો જાળવી રાખે છે. હરીફ દેશો સાથે અન્ય માર્ગોએ તે સંબંધો જાળવી રાખવા કોશિશ કરે છે.

3. સ્પેશિયલ ઑપરેશન્સ ડિપાર્ટમેન્ટ : આ ઘટક ‘મેટસાડા’ (Metsada) તરીકે જાણીતું છે. તે મુખ્યત્વે અત્યંત સંવેદનશીલ બાબતો જેવી કે હત્યા, ભાંગફોડની યોજનાઓ, અર્ધલશ્કરી કામગીરી અને ગુપ્તચર પદ્ધતિના મનોવૈજ્ઞાનિક તોર-તરીકાઓ સાથે સંકળાયેલ છે.

4. લૅપ ડિપાર્ટમેન્ટ (LAP Lohamah Psichlogit Department) : આ ઘટક મનોવૈજ્ઞાનિક યુદ્ધ-પ્રયુક્તિઓ, પ્રચાર, કપટી કાર્યવાહી વગેરે માટે કાર્ય કરે છે.

5. રિસર્ચ ડિપાર્ટમેન્ટ : બૌદ્ધિક ઉત્પાદકતાની કામગીરી સાથે આ ઘટક સંકળાયેલું છે. તેમાં રોજિંદી ઘટના અને બનાવોની માહિતીના આધારે સાપ્તાહિક અને માસિક કામગીરીના અહેવાલો તૈયાર કરવાની બાબતનો સમાવેશ થાય છે. આ વિભાગ 15 વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્રોમાં–‘ડેસ્ક’માં વહેંચાયેલો છે; જેમાં અમેરિકા, કૅનેડા અને પશ્ચિમ યુરોપ, લૅટિન અમેરિકા, અખંડ સોવિયેત સંઘ, ચીન, આફ્રિકા, મઘ્રેબ (Maghreb–મોરૉક્કો, અલ્જિરિયા અને ટ્યૂનિશિયાનો સમૂહ), લિબિયા, ઇરાક, જૉર્ડન, સિરિયા, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ પ્રજાસત્તાક અને ઈરાન – ના 14 ‘ડેસ્ક્સ’ ઉપરાંત ન્યૂક્લિયર ડેસ્ક એમ કુલ પંદર એકમોનો સમાવેશ થાય છે. આ ન્યૂક્લિયર ડેસ્ક વિશિષ્ટ પ્રકારનાં શસ્ત્રો અને શસ્ત્ર-સરંજામને લગતી સમસ્યાઓ પર ધ્યાન કેંદ્રિત કરે છે.

6. ટૅકનૉલૉજી ડિપાર્ટમેન્ટ : સંસ્થાની સમગ્ર કાર્યવાહી અત્યંત કાર્યક્ષમ ઢબે ચાલતી રહે તે માટે અગ્રગત તંત્રવિદ્યા (advance technology) અંગેની કામગીરી આ વિભાગ સંભાળે છે. ગુપ્તચર વિભાગ માટે ઉપયોગી વૈજ્ઞાનિકો, ઇજનેરો અને તંત્રવિદોની ભરતી પર તે ધ્યાન કેન્દ્રિત કરે છે. તેની પાસે અસાધારણ બુદ્ધિભંડોળ ધરાવતા ગણિતજ્ઞો છે અને સ્વતંત્ર સાંકેતિક લિપિ છે.

સક્ષમ અને ગુપ્ત કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા માટે આ સંસ્થા જાણીતી છે. બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં લાખો યહૂદીઓને ઝેરી ગૅસ ચેમ્બરને હવાલે કરી તેમનું સામૂહિક નિકંદન કાઢનાર, નાઝી લશ્કરી નેતા એડોલ્ફ આઇકમાનની વિશ્વયુદ્ધનાં 25 વર્ષ બાદ 1960માં ભાળ મેળવી અને તેને કાયદાને હવાલે કરી ફાંસી અપાવી ‘ઑપરેશન અત્તિલા’ તેણે પાર પાડેલું. યુગાન્ડાના એન્ટબી હવાઈ મથક પર અપહૃત થયેલ યહૂદી પ્રવાસીઓને આતંકવાદીઓના ત્રાસમાંથી મિનિટોમાં મુક્ત કરાવેલા. મુસ્લિમ દેશ ઇરાકની શસ્ત્રદોટ અટકાવવા તેના એટૉમિક રિએક્ટરનો નાશ કરવામાં તે સફળ રહી હતી. ઇરાક માટે ‘સુપરગન’નું શસ્ત્ર વિકસાવનાર કૅનેડિયન વૈજ્ઞાનિક જેરાલ્ડ બુલની હત્યા કરી તેણે ઇરાકનાં અદ્યતન શસ્ત્રોના વિકાસને થંભાવી દીધો હતો. ‘બ્લૅક સપ્ટેમ્બર’ નામના આતંકવાદી જૂથ સાથે સંકળાયેલ અનેક આરબોને 1970માં મોતને ઘાટ ઉતારવાની કામગીરી તેણે વિના સંકોચે પાર પાડેલી. આવી અનેક ન માની શકાય અને ચમત્કારિક લાગે તેવી સાહસિક, જોખમોથી ભરપૂર અને જીવસટોસટની કામગીરીઓ પાર પાડીને તેણે ગુપ્તચર જગતના ઇતિહાસમાં અનન્ય અને અજેય માળખું નિર્માણ કર્યું છે.

એલી કોહેન તેનો બેમિસાલ ગુપ્તચર હતો, જે જાસૂસી કાર્યવાહી દરમિયાન સિરિયાના દમાસ્કસમાં ફાંસીની સજા પામેલો. વુલ્ફગેંગ લોત્ઝે ઇજિપ્તના જાસૂસી કાર્યક્રમોને ખુલ્લા પાડ્યા હતા. બૈરુતસ્થિત યહૂદી મહિલા શૂલા કોહેન રાષ્ટ્રભક્તિથી પ્રેરાઈ આ સંસ્થાને માહિતી લાવી આપતી હતી અને ‘મધ્યપૂર્વની માતા હરિ’ તરીકે જાણીતી બની હતી.

આવા સફળ કારનામાંઓ છતાં મોસાદ પણ ભૂલને પાત્ર છે. તે મ્યુનિચ ખાતે ઑલિમ્પિક રમતોત્સવમાં યહૂદી રમતવીરોની હત્યા કરનાર અલી હાસન સાલામેહ નામના આતંકવાદી આરબની શોધમાં હતી અને એક હોટેલના નિર્દોષ કર્મચારીને અલી હાસન સમજી લઈ તેની હત્યા કરેલી. એ જ રીતે જનરલ યિત્ઝાક હૉફીના નેતૃત્વ હેઠળ 1982માં પૅલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનિઝેશનના બૈરુતસ્થિત સમૂહમાં તેણે ભારે કત્લેઆમ ચલાવી હતી, જેને કારણે તે ભારે ટીકાપાત્ર બન્યું હતું.

આમ છતાં તેની એકંદર કામગીરી બેમિસાલ છે. આ સંસ્થાને નેતૃત્વ, સમર્પણ અને અત્યંત ઊંચી કાર્યક્ષમતાના પર્યાયરૂપ ગણવામાં આવે છે.

  પુષ્કર ગોકાણી

રક્ષા મ. વ્યાસ