મોલ્દોવા (મોલ્દેવિયા)

February, 2002

મોલ્દોવા (મોલ્દેવિયા) : દક્ષિણ મધ્ય યુરોપમાં 47° ઉ. અ. અને 29° પૂ. રે.ની આજુબાજુ આવેલો પ્રદેશ. ઈશાન રુમાનિયાનો પશ્ચિમ ભાગ મોલ્દેવિયા તરીકે ઓળખાય છે. બાકીનું મોલ્દેવિયા 1940થી 1991 સુધી સોવિયેત યુનિયનનો એક ભાગ હતો. તેનો વહીવટ સોવિયેત સંઘની સરકાર હેઠળ હતો, તે મોલ્દેવિયન સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિક કહેવાતો હતો. 1991માં સોવિયેત સંઘમાં સત્તાપરિવર્તન થવાથી મોલ્દેવિયાએ પોતે પોતાને સ્વતંત્ર રાજ્ય જાહેર કરી દીધું, પરંતુ અગાઉના સોવિયેત પ્રજાસત્તાકનો એક ભાગ બની રહેવાની ઇચ્છા અને સંમતિ પણ દર્શાવી.

આબોહવા : મોલ્દોવાની આબોહવા ખંડીય છે. ઉનાળા ગરમ, ભેજવાળા અને શિયાળા ઠંડા, સૂકા રહે છે. કિશિનેવ ખાતેનું સરેરાશ તાપમાન 24° સે. જેટલું રહે છે; ઉનાળા અને શિયાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 20° સે. અને –7° સે. જેટલાં થાય છે. અહીં વસંતઋતુ અને શરદઋતુનો ગાળો તદ્દન ટૂંકો હોય છે, તેથી અહીંના નિવાસીઓ માટે માત્ર ઉનાળા અને શિયાળા જેવી બે જ ઋતુઓ પ્રવર્તે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 677 મિમી. જેટલો પડે છે. વર્ષ દરમિયાન મે–જૂનમાં ઉષ્ણતાનયનનો ભારે વરસાદ પડે છે, જે કેટલીક વાર નવા પાકને નુકસાન કરી જાય છે. વર્ષનો બાકીનો વરસાદ ઑક્ટોબરમાં પડે છે, તે પણ પાકની લણણી વખતે નુકસાન કરી જાય છે. દક્ષિણ ભાગોમાં દુકાળની સ્થિતિ પણ ઘણી વાર પ્રવર્તે છે. અહીં ઉત્તર તરફ શિયાળામાં હિમવર્ષા પણ થાય છે.

મોલ્દોવાની વસ્તી 35,63,800 (2010) જેટલી છે. તેનો વિસ્તાર 33,700 ચોકિમી. જેટલો છે. અહીંના ખેડૂતો ધાન્યપાકો અને તમાકુનું વાવેતર કરે છે. કિશિનેવ તેનું પાટનગર છે. મોલ્દેવિયાનો આ વિભાગ 1918માં પ્રથમ વિશ્વયુદ્ધના અંત વખતે રુમાનિયા હેઠળ હતો, પરંતુ પછીથી સોવિયેત સંઘે તે લઈ લીધો અને તેને સોવિયેત સંઘના પ્રજાસત્તાકમાં ભેળવી દીધો હતો. પ્રુટ નદી મોલ્દોવાને બે વિભાગોમાં વિભાજિત કરે છે. મોલ્દોવાની અગ્નિ દિશા તરફ કાળો સમુદ્ર આવેલો છે.

1991માં સોવિયેત સંઘનું વિઘટન થયું. મોલ્દેવિયા સ્વતંત્ર રાજ્ય બન્યું. અને તે સ્વતંત્ર પ્રજાસત્તાક ´મોલ્દોવા´ કહેવાયું. તેની વસ્તીની બહુમતી રોમાનિયા સાથે જોડાવા માગતી હતી. પરન્તુ યુક્રેનિયનો અને રશિયનોએ મોલ્દોવાથી સ્વતંત્ર ટ્રાન્સનિસ્તર રિપબ્લિકની જાહેરાત કરી અને તેને રશિયાના લશ્કરનો ટેકો મળ્યો. ઑગસ્ટ, 1992માં યુદ્ધબંધી જાહેર થઈ. 1994માં થયેલી બહુપક્ષી ચૂંટણીમાં અગાઉના સામ્યવાદીઓની એગ્રેરિયન ડેમૉક્રેટિક પાર્ટી જીતી. લોકમત લેવાતાં રોમાનિયા સાથે જોડવાની દરખાસ્ત રદ થઈ. 1994માં નવા બંધારણ મુજબ પ્રમુખીય સંસદીય પ્રજાસત્તાક પ્રથા માન્ય થઈ. 1996માં રશિયન લશ્કર પાછું ગયું. અને પેત્રુ લુસિન્શચી પ્રમુખ ચૂંટાયો. ઈ. સ. 2001માં વ્લાદિમીર વોરનિન સામ્યવાદી પ્રમુખ ચૂંટાયો. તેની સાથે વડાપ્રધાન તરીકે વસાઈલ તારલેવ હતો. 2004માં ટ્રાન્સ-નિસ્તર પ્રદેશમાં છ શાળાઓ બંધ કરવાથી તંગદિલી પ્રવર્તી. ત્યાં 2005માં તંગદિલી ચાલુ રહી. ટ્રાન્સ-નિસ્તરના લોકો સ્વતંત્ર થવા માગતા હતા અને રશિયાનો તેને ટેકો હતો. સપ્ટેમ્બર, 2006માં લેવાયેલ લોકમતમાં 97 ટકા લોકોએ ટ્રાન્સ-નિસ્તર સ્વતંત્ર થાય અને રશિયા સાથે જોડવાની તરફેણમાં મત આપ્યા. પરંતુ મોલ્દોવાના પ્રમુખે આ પરિણામોનો અસ્વીકાર કર્યો. 2009માં દેશમાં ચૂંટણી થયા બાદ સપ્ટેમ્બરથી મિહાઈ ઘિમ્યુ પ્રમુખ અને વ્લાદ ફિલાત વડાપ્રધાન બન્યા.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ