મૉલ્ટકે, હેલ્મટ કાર્લ બર્નહાર્ડ

February, 2002

મૉલ્ટકે, હેલ્મટ કાર્લ બર્નહાર્ડ [જ. 26 ઑક્ટોબર 1800, પર્ચિમ, મૅક્લેન્બર્ગ, પ્રશિયા (હાલનું જર્મની); અ. ? 1891] : પ્રશિયા અને જર્મન જનરલ સ્ટાફના વડા અને ફિલ્ડ માર્શલ. આમ ઉમરાવ પણ નિર્ધન કુળમાં જન્મ. તેમને તેમનાં માતા તરફથી અલૌકિક માનસિક શક્તિ અને સંગઠનશક્તિ વારસામાં મળી હતી. કૉપનહેગનમાં રૉયલ કૅડેટ કોરમાં શિક્ષણ લીધા બાદ તેઓ ડેનિશ પાયદળ ટુકડીમાં જોડાયા; પરંતુ બર્લિનની મુલાકાત પછી તેમણે પ્રશિયાના લશ્કરમાં જોડાવાનું નક્કી કર્યું. 1822માં તેઓ લિબ ગ્રેનેડિયર ખાતે સૈન્યમાં લેફ્ટેનન્ટ બન્યા.

હેલ્મટ કાર્લ બર્નહાર્ડ મૉલ્ટકે

1820 પછીનાં વર્ષો સ્થાનિક કચેરીમાં ગાળ્યાં અને 1833માં તેમની બદલી પ્રશિયન જનરલ સ્ટાફમાં કૅપ્ટન તરીકે થઈ. 1835માં તુર્કી લશ્કરના આધુનિકીકરણ અંગે સુલતાન મહમૂદ બીજાને સલાહ આપવા તેમને તુર્કસ્તાન મોકલવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં તેઓ તુર્કી સેવામાં જોડાયા અને 1839માં હાફીઝ પાશા સાથે સીરિયા ગયા. ત્યાં મૉલ્ટકેની લશ્કરની સાચી સલાહની અવગણના કરવાથી સીરિયામાંથી ઇજિપ્શિયનોને હાંકી કાઢવામાં તુર્કીનું લશ્કર નિષ્ફળ નીવડ્યું હતું.

1839માં તેઓ પ્રશિયન સેવામાં પાછા ફર્યા પછી લશ્કરના ઝડપી સંચાલન માટે રેલમાર્ગના સુયોજિત માળખાની શક્યતાનો અભ્યાસ શરૂ કર્યો. 1840 પછીનાં વર્ષો દરમિયાન પ્રશિયાના વર્ચસ્ હેઠળનાં જર્મન રાજ્યોના લશ્કરનું એકત્રીકરણ સુનિશ્ચિત કરવા સ્ટાફની નિમણૂક કરી.

1851માં તેઓ સંપૂર્ણ કર્નલ તરીકે બઢતી પામ્યા પછી તેમની નિમણૂક જર્મનના રાજકુમાર અને ભાવિ રાજા ફ્રેડરિક વિલ્હેમના અંગત એડીસી (aide-de-camp) તરીકે થઈ. આ પદેથી તેમને વ્યાપક પ્રવાસ ખેડવો પડ્યો એટલું જ નહિ, પણ તત્કાલીન લશ્કરી વ્યૂહરચના અને ટૅકનિકલ બાબતો પર ખૂબ જાપ્તો રાખવો પડ્યો. 1858માં તેઓ પ્રશિયન જનરલ સ્ટાફના વડા બન્યા. આમ તેઓ ત્રિરાજસત્તાક રાજ્યના આવશ્યક સભ્ય (ચાન્સેલર તરીકે ઑટો વૉન બિસ્માર્ક અને યુદ્ધમંત્રી તરીકે આલ્બ્રેટ વૉન રૂન) બન્યા.

1850 પછીનાં વર્ષો દરમિયાન પ્રશિયન રેલમાર્ગના ઝડપી વિકાસનો તેમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો અને લશ્કરનું પુન:સંગઠન સાધ્યું. પાયદળ તથા અશ્વદળની કૂચમાં વેડફાતા સમય સામે રેલમાર્ગે લશ્કરની આગેકૂચ વેગીલી બનાવી. દુશ્મનના સૈન્યને ઘેરી લેવાની અને મૂંઝવી નાખવાની સાણસા-વ્યૂહરચના તેમણે ઘડી કાઢી. પરિણામે 1863–64માં ડેન્માર્ક સામેના યુદ્ધમાં અને 1866માં પ્રશિયન યુદ્ધ (7 અઠવાડિક યુદ્ધ)માં અને 1870–71માં ફ્રાન્સ સામેના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો તે તેમની ત્વરિત નિર્ણયશક્તિ, કુનેહ અને કાબેલિયતનાં દ્યોતક હતાં.

બળદેવભાઈ કનીજિયા