મોલોટૉવ, વી. એમ. (જ. 9 માર્ચ 1890, કુકાઈડા, કિરોવ પ્રાંત, રશિયા; અ. 8 નવેમ્બર 1986, મૉસ્કો) : બૉલ્શેવિક ક્રાંતિના અગ્રણી નેતા, સોવિયેત સંઘના પ્રથમ કક્ષાના રાજપુરુષ તથા તેના પૂર્વ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી. મૂળ નામ વાચેસ્લાવ મિખાઇલોવિચ સ્ક્રિયાબિન; પરંતુ રાજકારણમાં અગ્રણી ભૂમિકા ભજવવા લાગ્યા ત્યારથી ´મોલોટૉવ´ (હથોડો) નામ ધારણ કર્યું. પિતા વતનમાં એક દુકાનમાં સામાન્ય નોકરી કરતા હતા. શરૂઆતનું શિક્ષણ કઝાન ખાતે. 1906માં સોળ વર્ષની ઉંમરે બૉલ્શેવિક પાર્ટીમાં દાખલ થયા.
સામ્યવાદી પક્ષના ´પ્રવદા´ વૃત્તપત્રની સ્થાપનામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી અને તેના સંપાદકમંડળના સચિવ બન્યા. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે 1909માં તેમની ધરપકડ થઈ અને ઉત્તર રશિયામાં બે વર્ષ માટે તેમને દેશનિકાલ કરવામાં આવ્યા. 1911માં સેન્ટ પીટર્સબર્ગ (પાછળથી લેનિનગ્રાડ) પૉલિટૅકનિકમાં દાખલ થયા. 1916માં બૉલ્શેવિક પાર્ટીની સ્થાનિક શાખાના સભ્ય, માર્ચ 1917 પછી એ પક્ષની સ્થાનિક કારોબારીના તથા સોવિયેત ઘટકના સભ્ય. 1917ની ક્રાંતિમાં ક્રાંતિકારી પરિષદના સભ્ય તરીકે તેમણે મહત્વની ભૂમિકા ભજવી. 1920માં યુક્રેન પ્રાંતની બૉલ્શેવિક પાર્ટીના સેક્રેટરી. 1921માં બૉલ્શેવિક પાર્ટીની મધ્યસ્થ સમિતિ(પૉલિટ-બ્યૂરો)ના વૈકલ્પિક સભ્ય અને 1926માં તેના પૂર્ણ સભ્ય બન્યા. 1930–’41ના ગાળામાં દેશના પ્રધાનમંત્રી (પીપલ્સ કૉમિસેરિયટના ચૅરમૅન). 1939–’49 અને 1953–’56 દરમિયાન સોવિયેત સંઘના વિદેશમંત્રી. ઑગસ્ટ 1939માં હિટલરના શાસન હેઠળના જર્મની સાથે ‘બિનઆક્રમણકારી સંધિ’ (non-aggression pact) કરવામાં મહત્વની ભૂમિકા. આ સંધિ ‘રિબેનટ્રૉપ-મોલોટૉવ સંધિ’ તરીકે પણ ઓળખાય છે. 1941માં જર્મનીએ સોવિયેત સંઘ પર આક્રમણ કર્યું ત્યારે મિત્ર રાષ્ટ્રો સાથે વાટાઘાટો કરી જર્મની સામે યુદ્ધની ઘોષણા કરવામાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1942માં વૉશિંગ્ટન ખાતે અમેરિકાના તત્કાલીન પ્રમુખ રૂઝવેલ્ટ સાથે સોવિયેત સંઘ વતી ગુપ્ત મંત્રણા કરી. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન અને ત્યારબાદ સ્ટૅલિનના શાસનકાળ દરમિયાન મોટાભાગની આંતરરાષ્ટ્રીય પરિષદોમાં સોવિયેત સંઘના પ્રતિનિધિમંડળના નેતા તરીકે તેમણે કામગીરી કરી, જેમાં માલ્ટા તથા તહેરાન પરિષદનો પણ સમાવેશ થતો હતો. 1949માં વિદેશમંત્રીપદેથી દૂર થયા, પરંતુ દેશના ઉપપ્રધાનમંત્રી તથા પક્ષના પૉલિટબ્યૂરોના સભ્યપદે ચાલુ રહ્યા.
1945માં રાષ્ટ્રસંઘની સ્થાપનાના સમારંભમાં સોવિયેત સંઘના પ્રતિનિધિ તરીકે તેઓ હાજર રહ્યા હતા. 1953માં ફરી વિદેશમંત્રીપદે તેમની નિમણૂક. તે જ વર્ષે સ્ટૅલિનના મૃત્યુ બાદ દેશનું શાસન ચલાવવા માટે ત્રણ અગ્રણીઓની જે સમિતિ નીમવામાં આવી તેમાં માલેન્કૉવ તથા બેરિયા સાથે તેમની પણ સભ્ય તરીકે વરણી. તેમની પશ્ચિમવિરોધી ઉગ્ર વિદેશનીતિને કારણે વિશ્વમાં ‘શીતયુદ્ધ’ (cold war) લંબાયું. 1957માં સ્ટૅલિનવાદની તરફેણ કરવાના કારણસર તત્કાલીન પ્રધાનમંત્રી નિકિતા ક્રુશ્ચેવે તેમને બધાં જ સરકારી અને પક્ષીય પદો પરથી બરતરફ કર્યા, પરંતુ 1984માં બૉલ્શેવિક પક્ષમાં તેમને પુન:સ્થાપિત કરવામાં આવ્યા હતા. 1957–60 દરમિયાન તેમણે મૉંગોલિયા ખાતે દેશના એલચીપદે કામ કર્યું હતું. 1960–61 દરમિયાન વિયેના ખાતેના ઇન્ટરનેશનલ ઍટમિક ઍનર્જી એજન્સીમાં સોવિયેત સંઘનું પ્રતિનિધિત્વ કર્યું. 1962માં બૉલ્શેવિક પક્ષના સભ્યપદેથી દૂર થયા. ત્યારબાદ અવસાન સુધી જાહેર જીવન તથા રાજકારણથી તેઓ મુક્ત રહ્યા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે