મૉલૉન્ગ્લો રેડિયો-ઑબ્ઝર્વેટરી, ઑસ્ટ્રેલિયા

February, 2002

મૉલૉન્ગ્લો રેડિયો-ઑબ્ઝર્વેટરી, ઑસ્ટ્રેલિયા : કૅનબેરાની પાસે આવેલી ઑસ્ટ્રેલિયાની રેડિયો-ખગોળ વેધશાળા. એનું સંચાલન સિડની યુનિવર્સિટી દ્વારા થાય છે. 1966માં અહીં એક વિશાળ મિલ્સ ક્રૉસ (Mills Cross) પ્રકારના રેડિયો-ટેલિસ્કોપનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલમાં ક્રૉસનો પૂર્વ-પશ્ચિમ તરફનો ફાંટો (arm) મૉલૉન્ગ્લો ઑબ્ઝર્વેટરી સિન્થેસિસ ટેલિસ્કોપ(MOST)માં ફેરવી નાંખવામાં આવ્યો છે. આવા ફેરફારને કારણે આ ટેલિસ્કોપ છિદ્ર-સમન્વય (aperture synthesis) જેવા વધુ સક્ષમ કામ માટે ઉપયોગી બન્યું છે.

મિલ્સ ક્રૉસ એ એક પ્રકારનું રેડિયો-ટેલિસ્કોપ છે, જે વ્યતીકરણમિતિ(interferometry)ના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તેમાં એકમેકને કાટખૂણે છેદતી ઍન્ટેના(એરિયલ)ની બે હારમાળા (array) હોય છે. ઍન્ટેનાની આ હારમાળા સંખ્યાબંધ પરવલયી પરાવર્તકો(parabolic reflectors)ની બનેલી હોય છે. આવી વિશિષ્ટ ગોઠવણને કારણે પ્રમાણમાં ઓછા ખર્ચે ટેલિસ્કોપની વિભેદનક્ષમતા(resolving power)માં સારો એવો વધારો કરી શકાય છે. આ મિલ્સ ક્રૉસ રેડિયો-ટેલિસ્કોપ, પાછળથી વિકસેલા વધુ સક્ષમ એવા, ઍપરચર સિન્થેસિસ રેડિયો-ટેલિસ્કોપનું પુરોગામી ગણી શકાય.

આ પ્રકારના રેડિયો-ટેલિસ્કોપનું નામ, ઈ. સ. 1920માં જન્મેલા તેના શોધક બર્નાર્ડ યાર્નટન મિલ્સ (Bernard Yarnton Mills) પરથી પાડવામાં આવ્યું છે. ઑસ્ટ્રેલિયાના આ ખગોળવિદે સન 1950–53ના અરસામાં આ અંગે વિચારણા કરેલી. આ પ્રકારનું પહેલું રેડિયો-ટેલિસ્કોપ અથવા Radio Interferometer પણ ઑસ્ટ્રેલિયામાં જ, 1957માં બનાવવામાં આવ્યું.

સુશ્રુત પટેલ