મોલો : ખેતીપાકને નુકસાન કરતી ચૂસિયા પ્રકારની એક જીવાત. તેનો સમાવેશ કીટક વર્ગના અર્ધપક્ષ (Hemiptera) શ્રેણીના એફીડીડી (Aphididae) કુળમાં થયેલો છે. મોલોને ખેડૂતો સામાન્ય રીતે ‘મશી’ અથવા તો ‘ગળો’ તરીકે ઓળખે છે. આ એક બહુભોજી (Polyphagoas)જીવાત છે. મોલોની લગભગ 149 જાતિઓ વિવિધ ખેતીપાકોમાં નુકસાન કરતી નોંધાયેલી છે.

મોલોનાં બચ્ચાં (નિમ્ફ, Nymfs) પોચા શરીરવાળાં, નાનાં (એકાદ મિમી.), પાંખ વગરનાં અને જુદા જુદા રંગનાં હોય છે. આમ તો પુખ્ત મોલો પાંખો વગરની હોય છે. પરંતુ પાકની પરિપક્વતાની અવસ્થાએ તેને બે જોડ પાંખો આવે છે, જેથી તે ઊડીને નવા યજમાન પર જઈ શકે છે. પાકના કાપણી નજીકના દિવસો દરમિયાન આવી અસંખ્ય પાંખોવાળી મોલો ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ખાસ કરીને સાંજના સમયે ઊડતી જોવા મળે છે. તેની પાંખો પારદર્શક અને શરીર કરતાં પણ મોટી હોય છે. મોલોના શરીરના પાછળના ભાગે શૂળ અથવા તો ભૂંગળી જેવા બે ભાગ હોય છે. તેને તનુશૃંગી (cornicle) ‘કૉર્નિકલ’ કહે છે.

મોલો પીળા, લીલા કે કાળા રંગની હોય છે. ગુજરાતમાં સામાન્ય રીતે પીળી મોલો કપાસ, રીંગણ, ભીંડા જેવા પાકોમાં; લીલી મોલો રાયડો, કોબીજ, તમાકુ, આમળા, મકાઈના પાકમાં તેમજ કાળી મોલો મગફળી, કઠોળ પાક, કસુંબી જેવા ખેતીપાકો તેમજ સેવંતી, ગેબી જેવા શોભાના છોડમાં જોવા મળે છે. આ જીવાતનાં બચ્ચાં પુખ્ત પાકના કુમળા ભાગોમાંથી ખાસ કરીને, પાન, ડૂંખ અને શીંગોમાંથી રસ ચૂસી નુકસાન કરે છે. રસ ચૂસવાને લીધે છોડ નબળા પડે છે અને તેની વૃદ્ધિ પર માઠી અસર થાય છે. મોલોનો ઉપદ્રવ વધવાથી છોડ સુકાઈ જાય છે. સામાન્યપણે પાનની નીચેની બાજુએ મોલોનાં બચ્ચાં અને પુખ્ત સમૂહને ચીટકી રહીને પોતાનાં વેધી-ચૂસી પ્રકારનાં મુખાંગ વડે પાકમાંથી રસ ચૂસે છે. આ ઉપરાંત મોલો તેના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ બહાર કાઢે છે, જે યજમાન પાક પર પડે છે. આ મધ જેવા પદાર્થ પર ધીમે ધીમે કાળી ફૂગનો ઉગાવો થાય છે. પરિણામે છોડની સપાટી અને ખાસ કરીને પાંદડાં કાળાં પડી જાય છે. તેને લીધે છોડની પ્રકાશસંશ્લેષણની ક્રિયા રોધાય છે. મોલોએ બહાર કાઢેલા મધ જેવા મીઠા પદાર્થને ખાવા રાતી કીડીઓ અને મંકોડા છોડ પર આવે છે અને આડકતરી રીતે મોલોના પ્રસરણમાં મદદ કરે છે. મોલોનું પ્રજનન નર અને માદાના સંગાથ વગર પણ થઈ શકે છે. સામાન્યપણે નર મોલોની સંખ્યા નહિવત્ હોય છે. માદા નર સાથે સમાગમ કર્યા સિવાય સીધેસીધી બચ્ચાંને જન્મ આપે છે. પ્રજનનના આ પ્રકારને અસંયોગીજનન કે અનિષેકજનન (parthenogenesis) કહે છે. આ પ્રકારમાં ઈંડાનું સેવન માદાના શરીરમાં જ પૂર્ણ થાય છે. મોલોની વસ્તી પર હવામાનનાં પરિબળોની ખૂબ જ અસર વર્તાય છે. વાદળછાયા અને ભેજવાળા વાતાવરણમાં મોલોની વસ્તી ઝડપથી વધે છે. લેડીબર્ડ બીટલ, ક્રાયસોપા, સીરફીડ ફ્લાય જેવા પરભક્ષી કીટકો કુદરતી રીતે મોલોની વસ્તીને કાબૂમાં રાખતા હોય છે. ઉપરાંત આ જીવાતના પરજીવી કીટકો અને ફૂગથી પણ નિયંત્રણ થતું રહે છે. કપાસના પાકમાં મોલોનો ઉપદ્રવ કાબૂમાં લેવા ડાયમીથોએટ (0.03 %), મોનોક્રોટોફોરા (0.04 %) કે મિથાઇલ-ઓ-ડેમેટોન (0.025 %) જેવી શોષક પ્રકારની કીટનાશક દવાઓનો છંટકાવ જરૂર મુજબ કરવાથી મોલોનો ઉપદ્રવ ઘટે છે.

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ

પરબતભાઈ ખી. બોરડ