મોર્સી, મોહમદ (જ. 8 ઑગસ્ટ, 1951 શારકિયા ઇજિપ્ત) : ઇજિપ્તના નવા ચૂંટાયેલા અને પાંચમા પ્રમુખ. ઇજિપ્તમાં જાન્યુઆરી, 2011ની ક્રાંતિ સાથે ભારે ઊથલપાથલ થઈ. તેમાં 11 ફેબ્રુઆરી, 2011માં 30 વર્ષ જૂના હોસ્ની મુબારક શાસનનો અંત આવ્યો. ક્રાંતિના સવા વર્ષ પછી 23–24 મે, 2012ના નવી ચૂંટણીઓ યોજાઈ. તેમાં આઠ દાયકા જૂની સંસ્થા મુસ્લિમ બ્રધરહૂડની રાજકીય પાંખ ગણાતી ફ્રીડમ ઍન્ડ જસ્ટીસ પાર્ટી વિજયી બની. ઇજિપ્તની આ ચૂંટણીમાં મોહમદ મોર્સી પ્રમુખ તરીકે વિજેતા થયા. ઇજિપ્તમાં યોજાયેલી આ પહેલી મુક્ત પ્રમુખીય ચૂંટણી હતી. 30 જૂન, 2012ના રોજ ઇજિપ્તના નવા ચૂંટાયેલા નાગરિકી (civilian) પ્રમુખ તરીકે તેમણે સોગંદ લીધા ત્યારે ´નવું ઇજિપ્ત´ રચવાનું વચન પ્રજાને આપ્યું. તેઓ સમગ્ર આરબજગતના મુક્ત રીતે ચૂંટાયેલા પ્રથમ પ્રમુખ છે. આ ચૂંટણી દ્વારા તેમના મતે ´ઇજિપ્તની પ્રજાએ સંપૂર્ણ સ્વતંત્રતા, શુદ્ધ લોકશાહી અને સ્થિરતાભર્યા નવા જીવનનો પાયો નાંખ્યો છે.´
સાઠ વર્ષની વય ધરાવતા મોર્સી વ્યવસાયે ઇજનેર છે. 1975માં કેરો યુનિવર્સિટીમાંથી ઇજનેરી સ્નાતક બન્યા. તેઓ અમેરિકાની સધર્ન કૅલિફૉર્નિયા યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી ધરાવે છે. આ યુનિવર્સિટીમાં 1982માં તેમણે આસિસ્ટન્ટ પ્રાધ્યાપક તરીકે કામ કર્યું હતું. હોસ્ની મુબારક શાસન દ્વારા તેમને બે વાર જેલમાં મોકલાયા હતા. તેઓ મુસ્લિમ બ્રધરહૂડ સંગઠનના બીજા ક્રમના પ્રમુખીય ઉમેદવાર હતા. તેઓ પાંચ બાળકોના પિતા છે.
અલબત્ત, પ્રમુખીય ચૂંટણીમાં તેમને પાતળી બહુમતીથી વિજય મળ્યો છે અને તેમના શિરે ભારે મોટી જવાબદારી છે. તેમનો રસ્તો મુશ્કેલ એટલા માટે છે કે ઇજિપ્તમાંથી હજુ સૈન્યનો પ્રભાવ ઓછો થયો નથી. જાહેર સેવાઓ સહિત ઘણી અગત્યની બાબતો પર સૈન્યની પકડ છે. મજબૂત પ્રજાકીય પીઠબળ તેમની શક્તિ છે, એથી આવનારા સમયમાં તેઓ કામ કરી શકશે તેવી આશા જન્મે છે.
જોકે લશ્કરે પ્રભુત્વ ઊભું કરવાના પ્રયાસો ચાલુ રાખતાં મોર્સી પર અનેક આક્ષેપો મુકાયા. તેમાં વિરોધીઓની હત્યા, ક્રાંતિકારી સૈનિકોની જાસૂસી, અગત્યના દસ્તાવેજોનો હાથબદલો અને ન્યાયતંત્રનું અપમાન જેવા ગંભીર આક્ષેપો સામેલ હતા. તેમાં ન્યાયતંત્રનું અપમાન અને જાસૂસી અંગેના આરોપો ઘણા ગંભીર હતા. આ બાબતે મોર્સી પર અદાલતી કાર્યવહી કરવામાં આવતાં મોર્સીને 20 વર્ષની જેલની સજા કરવા સાથે તેમના અન્ય બે સાથીઓને પણ 2011ની ઇજિપ્તની ક્રાંતિ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા. તદુપરાંત જાસૂસી કરવાના, આતંકવાદ ફેલાવવાના તથા ક્રાંતિ સમયે જેલ તોડીને ભાગી જવાના આક્ષેપોની તપાસ અને સજા બાકી ગણવામાં આવી, જેમાં તેમને જેલ ઉપરાંત મોતની સજા ફરમાવવામાં આવી. આ અંગે વધુ કાર્યવહી ચાલતાં જૂન, 2016માં તેમની મોતની સજાને જનમટીપમાં ફેરવી નાંખવામાં આવી.
રક્ષા મ. વ્યાસ