મૉર્સ, સૅમ્યુઅલ ફિન્લેબ્રિઝ

February, 2002

મૉર્સ, સૅમ્યુઅલ ફિન્લેબ્રિઝ (જ. ? 1791, ચાર્લ્સ ટાઉન, મૅસેચૂસેટ્સ; અ. 2 એપ્રિલ, 1872) : ટેલિગ્રાફ પદ્ધતિના અને મૉર્સ સંકેતલિપિ (code)ના શોધક.

1810માં તે યૅલ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. તે પછી તેમણે ઇંગ્લૅન્ડમાં પેઇન્ટિંગનો અભ્યાસ કર્યો. 1826માં તેમણે ન્યૂયૉર્ક સિટીમાં નૅશનલ એકૅડેમી ઑવ્ ડિઝાઇનની સ્થાપના કરી તેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. 1832થી તેમણે ન્યૂયૉર્ક યુનિવર્સિટી ખાતે કલાના વિષયમાં અધ્યાપનકાર્ય સંભાળ્યું.

સૅમ્યુઅલ ફિન્લેબ્રિઝ મૉર્સ

તેમને રસાયણવિજ્ઞાન અને વિદ્યુતના ક્ષેત્રે પુષ્કળ રસ હતો. આથી 1832માં તેમને મૅગ્નેટિક ટેલિગ્રાફ વિશેનો ખ્યાલ સ્ફુર્યો અને 1837માં તે કૉંગ્રેસ સમક્ષ પ્રસ્તુત કરી તેનું નિદર્શન કરી બતાવ્યું. યુરોપમાં તેની પેટન્ટ મેળવવાના તેમના પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. 1843 સુધી તે પોતાનાં આછાંપાતળાં સાધનો વડે સતત સંઘર્ષ કરતા રહ્યા. છેવટે કૉંગ્રેસે 1843માં, તેમને વૉશિંગ્ટન અને બાલ્ટિમોર વચ્ચે ટેલિગ્રાફ લાઇન પ્રાયોગિક ધોરણે ઊભી કરવા 30,000 ડૉલર મંજૂર કર્યા. એ લાઇન એઝરી કૉનેલે ઊભી કરી અને તેના પર તેમણે તા. 24 મે, 1844ના રોજ પ્રથમ ઐતિહાસિક સંદેશો મોકલ્યો તે આ હતો : ´વૉટ હેથ ગૉડ રૉટ ?´ તેમની આ પ્રથાનો હવે વ્યાપક ઉપયોગ થતો હતો. જુલાઈ 2013માં ભારતમાં ટેલિગ્રામ સેવાનો અંત આવ્યો અને તેના પરિણામે તેમને અનેક ઍવૉર્ડ અને સન્માન મળ્યાં. તે પદ્ધતિ ´મૉર્સ કોડ´ તરીકે જાણીતી છે.

મહેશ ચોકસી