મૉરેસ, ફ્રૅન્ક ઍન્થોની

February, 2002

મૉરેસ, ફ્રૅન્ક ઍન્થોની (જ.1 જાન્યુઆરી, 1907, મુંબઈ; અ. 2 મે, 1974 લંડન, ઇંગ્લૅન્ડ) : અગ્રણી ભારતીય પત્રકાર. લાંબા સમય સુધી ´ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા´ અને ´ધી ઇન્ડિયન એક્સપ્રેસ´નું તંત્રીપદ તેમણે સંભાળ્યું હતું. એમના પિતા ઍન્થોની ઝૅવિઅર મૉરેસ હિંદ સરકારના એક અધિકારી હતા. ફ્રૅન્કનું બાળપણ પૂનામાં વીત્યું. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ પૂરો કરી બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પણ પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ લિંકન્સ ઇનમાંથી બૅરિસ્ટર થયા. કારકિર્દીનો આરંભ ધારાશાસ્ત્રીના વ્યવસાયથી કર્યો. 1921થી 1934 દરમિયાન ઇંગ્લેન્ડ રહ્યા. 1934માં પત્રકારત્વમાં ઝંપલાવ્યું. ´ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા´માં તે સહાયક સંપાદક તરીકે જોડાયા. ´ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા´ એ વખતે અંગ્રેજોની માલિકીનું હતું અને તેમાં તંત્રી-વિભાગમાં ઉચ્ચ સ્થાને માત્ર અંગ્રેજો હતા. આમાં મૉરેસ એકમાત્ર અપવાદ થયા. આથી તેમને પોતાના અંગ્રેજ ઉપરીઓ સામે સંઘર્ષ કરવો પડે તેવી સ્થિતિમાં મુકાવું પડતું.

બીજા વિશ્વયુદ્ધ(1939–45) દરમિયાન 1943માં તેમને યુદ્ધવૃત્તાંતનિવેદક તરીકે બ્રહ્મદેશ (હવે મ્યાનમાર) મોકલાયા. તેમનાં યુદ્ધવૃત્તાંતો આધારભૂત અને રસપ્રદ નીવડ્યાં. તેથી એમને આ પછીના યુદ્ધમોરચે પણ મોકલવામાં આવ્યા.

ફ્રૅન્ક મૉરેસ

1946માં તે ´ટાઇમ્સ ઑવ્ સિલોન´ના તંત્રી બન્યા અને બે વર્ષ સુધી તે પદ પર રહ્યા.

´ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા´ની માલિકી રામકૃષ્ણ દાલમિયાના હાથમાં આવ્યા પછી 1950માં મૉરેસ તેના તંત્રીપદે આવ્યા અને 1957 સુધી એ પદ પર રહ્યા. એ દરમિયાન અખબારી સ્વાતંત્ર્ય માટે પોતાની મક્કમ પ્રતિબદ્ધતાના કારણે તેમને સરકાર સામે લડવું પડ્યું. મૉરેસે તંત્રીલેખમાં કરેલી ટીકાથી નારાજ થઈને મોરારજીભાઈ દેસાઈએ ´ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા´ને જાહેરખબરો આપવાનું બંધ કરી દીધું; પણ મૉરેસે મચક ન આપી. થોડા સમય પછી જાહેરખબરો આપવાનું ફરી શરૂ કરવામાં આવ્યું.

મૉરેસને મુંબઈ વિધાનસભા સાથે પણ ટકરાવાનું થયેલું. મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિઓ તથા દારૂની પરમિટો અંગે વિધાનસભાની પ્રશ્નોતરીની મૉરેસે તંત્રીલેખમાં ટીકા કરી કે ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ કે સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયમૂર્તિઓના વર્તન અંગે વિધાનસભા ટીકા કરે તેમાં અનૌચિત્ય છે. આવી ટીકાટિપ્પણી સંસદ જ કરી શકે. મૉરેસની આવી ટકોરથી મુખ્ય મંત્રી મોરારજીભાઈ નારાજ થયા હતા. મૉરેસે વિધાનસભાનો તિરસ્કાર કર્યો છે કે કેમ તે નક્કી કરવા નિમાયેલી સમિતિએ મૉરેસને માફી માગવા સલાહ આપી. પણ તેમણે તેમ ન કર્યું. આથી ´ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા´ના પત્રકારોને વિધાનસભાના વૃત્તાંતનિવેદન માટે અપાયેલ પ્રવેશપત્રો પાછાં ખેંચી લીધાં. આમ છતાં મૉરેસે નમતું ન જોખ્યું. તેથી થોડા સમય પછી પ્રવેશપત્રો પાછાં અપાયાં.

1957માં મૉરેસ ´ધી ઇન્ડિયન એક્સપ્રેસ´ના મુખ્ય તંત્રી બન્યા. 1972માં ત્યાંથી નિવૃત્ત થયા. તેમણે પોતાની આત્મકથા ´વિટનૅસ ટુ ઍન ઍરા´ (1973) પણ લખી. જવાહરલાલ નહેરુના જીવનચરિત્ર ઉપરાંત અન્ય પુસ્તકોના લેખક તરીકે એ પ્રસિદ્ધિ પામ્યા. ભારતના તેમના જમાનાના પ્રથમ પંક્તિના પત્રકાર-તંત્રીઓમાં એમની ગણના થાય છે. તેમના પુત્ર ડૉમ મૉરેસ અંગ્રેજી ભાષાના જાણીતા કવિ છે. ´ધ હિન્દુ´ એ ´ફ્રેન્ક મૉરેસ ફાઉન્ડેશન´ની સ્થાપના કરીને તેના ઉપક્રમે વ્યાખ્યાન યોજે છે.

મહેશ ઠાકર