મોરે, સદાનંદ શ્રીધર (જ. 1952, અહમદનગર, મહારાષ્ટ્ર) : મરાઠી વિવેચક અને કવિ. તેમને વિવેચન-ગ્રંથ ´તુકારામદર્શન´ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.
તેમણે દર્શનશાસ્ત્ર, પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિમાં એમ.એ.ની અને દર્શનશાસ્ત્રમાં પીએચ.ડી.ની ડિગ્રી. પ્રાપ્ત કર્યા બાદ 1974માં કૉલેજના વ્યાખ્યાતા તરીકે વ્યાવસાયિક જીવનનો પ્રારંભ કર્યો. 1996થી તેઓ પુણે યુનિવર્સિટીની સંત જ્ઞાનદેવ સ્વાધ્યાય પીઠમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક છે.
તેમની 11 કૃતિઓ પ્રગટ થઈ છે, જેમાં 3 કાવ્યસંગ્રહો છે. તેમણે 3 ગ્રંથોનું સંપાદન કર્યું છે. તેઓ પુણેમાં ભક્તિ સ્વાધ્યાયપીઠના સેક્રેટરી અને ધૂળેથી પ્રકાશિત વિવેચનપત્રિકા ´અમાની શ્રીવાણી´ના સંપાદક છે. તેમને કુલ 14 પુરસ્કારો આપવામાં આવ્યા છે. તે પૈકીના 8 પુરસ્કારો એકલા ´તુકારામદર્શન´ માટેના છે.
તેમની પુરસ્કૃત વિવેચનાત્મક કૃતિ ´તુકારામદર્શન´ મરાઠી સાંસ્કૃતિક પરંપરાઓની એક અમૂલ્ય, સ્પષ્ટભાષી અને ચિરંતન દર્શનની કૃતિ મનાય છે. તેમાં આત્મવિવેચનની ભૂમિકાને મહત્વ આપવામાં આવ્યું છે અને ભાવિ માર્ગનો સ્પષ્ટ નિર્દેશ તેમાં છે. મરાઠીના સાંસ્કૃતિક વિકાસને પ્રેરક એવા વિવેચનને કારણે આ કૃતિનું મરાઠી વિવેચનસાહિત્યમાં મોખરાનું સ્થાન છે.
બળદેવભાઈ કનીજિયા