મોરેના : મધ્ય પ્રદેશના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 30´ ઉ. અ. અને 78° 09´ પૂ. રે.. આજુબાજુનો 11,594 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં ઉત્તર પ્રદેશનો આગ્રા જિલ્લો, પૂર્વમાં ભિંડ જિલ્લો, અગ્નિ તરફ ગ્વાલિયર અને શિવપુરી જિલ્લા. નૈર્ઋત્યમાં રાજસ્થાનનો કોટા તથા વાયવ્યમાં રાજસ્થાનના સવાઈ માધોપુર અને ધોલપુર જિલ્લા આવેલા છે. જિલ્લાની વાયવ્ય અને ઉત્તર સરહદ ચંબલ નદીથી અને અગ્નિ ભાગમાં કેટલીક સરહદ પર્બતી નદીથી અલગ પડે છે. જિલ્લાનો આકાર આબેહૂબ દૂધી જેવો લાંબો દેખાય છે. ચંબલના ખીણપ્રદેશ પૈકી આ જિલ્લો વધુમાં વધુ વસ્તી ધરાવતો જિલ્લો ગણાય છે. જિલ્લામથક મોરેના જિલ્લાના મધ્ય ઈશાન ભાગમાં આવેલું છે. જૂના વખતમાં મોરેના ગામમાં પુષ્કળ પ્રમાણમાં મોર જોવા મળતા હતા. તે પરથી મોરેના નામ પડેલું છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : જિલ્લામાં મુખ્યત્વે બે પ્રકારનાં ભૂપૃષ્ઠ-લક્ષણો જોવા મળે છે. નદીનાળાં અને કોતરો સહિતનો મેદાની વિસ્તાર તથા તે સિવાયનો બાકીનો જંગલ-આચ્છાદિત વિસ્તાર. જિલ્લાને પાંચ પ્રાદેશિક વિભાગોમાં વહેંચેલો છે : (i) ચંબલનાં કોતરો, (ii) કરહાલ ઉચ્ચપ્રદેશ, (iii) સાબલગઢ ઈમલિયા જંગલવિસ્તાર, (iv) પીચ-મોરેના-જૌરા મેદાની વિભાગ અને (v) કુલૈથ-બાલ્દિયા જંગલવિસ્તાર. ચંબલ, કુંવારી, કુનો (કુનુ), આસન, પર્બતી, સીપ અને સાંક અહીંની મુખ્ય નદીઓ છે. ઇન્દોર જિલ્લામાંથી નીકળીને આવતી ચંબલ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વચ્ચે વાયવ્ય સરહદ રચે છે. નદીની બંને બાજુએ જમીન-ઘસારાથી ઊંડાં કોતરો રચાયાં છે. કોટા નજીક બંધ બાંધીને મોરેના-કોટા જિલ્લાઓને નહેરો મારફતે સિંચાઈ અપાય છે.
ખેતી–પશુપાલન : જિલ્લાની આશરે 50 % ભૂમિ ખેડાણ હેઠળ છે, તે પૈકીની માત્ર 15 % જમીનોને સિંચાઈ ઉપલબ્ધ થાય છે. બાકીની જમીનોને કૂવા તથા નળકૂપ(ટ્યૂબવેલ)થી સિંચાઈ મળી રહે છે. ઘઉં અહીંનો મુખ્ય પાક છે, તે ઉપરાંત ડાંગર, શેરડી અને રાઈ-સરસવ જેવાં તેલીબિયાં થાય છે. ગાયો-ભેંસો અહીંનું મુખ્ય પશુધન છે.
ઉદ્યોગ–વેપાર : બામોર, કૈલારસ, અંબા, મોરેના અને સાબલગઢ ખાતે અનુક્રમે સિમેન્ટ, ખાંડ તથા તેલમિલો જેવા ઔદ્યોગિક એકમો આવેલા છે. જે. કે. ઇન્ડસ્ટ્રી લિ. વાહનોનાં ટાયરો બનાવે છે. શિવપુર ખાતે ખાસ પ્રકારના લાકડામાંથી રમકડાં બનાવાય છે. જિલ્લામાં ખાંડ, સિમેન્ટ અને ખાદ્યતેલનું ઉત્પાદન લેવાય છે.
પરિવહન–પ્રવાસન : જિલ્લામાં રેલ અને સડકમાર્ગો આવેલા છે, જિલ્લાનાં તાલુકામથકો ઉપરાંત 15 % ગામડાં રેલ-સડકમાર્ગોથી સંકળાયેલાં છે. મોરેના દિલ્હી–ચેન્નાઈ, દિલ્હી–ભોપાલ–મુંબઈના બ્રૉડગેજ રેલમાર્ગ પર આવેલું છે. અહીં કોઈ વિશિષ્ટ મહત્વ ધરાવતાં પ્રવાસનસ્થળો નથી. વાર-તહેવારે અહીંનાં જુદાં જુદાં સ્થળોએ મેળા તેમજ ઉત્સવોનું આયોજન થતું રહે છે.
વસ્તી : 2011 મુજબ જિલ્લાની વસ્તી 19,65,137 જેટલી છે, તે પૈકી 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80 % અને 20 % જેટલું છે. અહીં હિન્દુ અને મુસ્લિમોનું પ્રમાણ વિશેષ છે, જ્યારે ખ્રિસ્તી, બૌદ્ધ અને શીખ વસ્તીનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં હિન્દી ભાષા બોલાય છે. શિક્ષિતોનું પ્રમાણ 32 % જેટલું છે. જિલ્લામાં પ્રાથમિક શાળાઓ, ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક શાળાઓ તથા કૉલેજો અને વ્યાવસાયિક સંસ્થાઓ છે. જિલ્લામથક અને તાલુકામથકો ઉપરાંત માત્ર 75 જેટલાં ગામડાંઓમાં તબીબી સેવા ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 8 તાલુકા અને 10 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 11 નગરો તથા 1,406 (113 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : હાલના મોરેના જિલ્લામાં અગાઉના ગ્વાલિયર રાજ્યનો શિવપુર જિલ્લો તથા વીસમી સદીના સિકરવાડી અને તોનવારગઢ જિલ્લા આવેલા છે. દેશી રાજ્યોનું વિલીનીકરણ થયા બાદ મધ્ય ભારતના રાજ્યની રચના થઈ, સરહદો બદલાઈ અને હાલનો મોરેના જિલ્લો અલગ કરવામાં આવ્યો. 14મી સદીમાં બીરસિંગદેવ તોમારે ગ્વાલિયરનો કિલ્લો કબજે કર્યો હતો. 1526માં પાણિપતની લડાઈમાં છેલ્લો તોમાર રજપૂત રાજા માર્યો ગયો. તે પછી એ પ્રદેશમાં તોમાર રજપૂતોની કેટલીક જાગીરો હતી.
12મી સદીમાં અજમેરમાં પોતાનું રાજ્ય સ્થાપ્યા પછી, બછરાજ શિવપુર પરગણા પર પણ સત્તા ભોગવતો હતો. મુસ્લિમોએ આક્રમણ કરી તેને અજમેરથી નસાડી મૂક્યા બાદ, કેટલીક જાગીરો ભેગી કરી, શિવપુરમાં પાટનગર રાખી તેણે રાજ્ય સ્થાપ્યું. 18મી સદીમાં મરાઠાઓએ હુમલા કર્યા અને ગ્વાલિયરના મહારાજાએ આ પ્રદેશ કબજે કર્યો. મહારાજા દોલતરાવ સિંધિયાએ આ પ્રદેશ જનરલ ફિલોઝને ભેટ આપ્યો. તેના પરિણામે બછરાજના વંશજોએ શિવપુરથી અન્યત્ર જતા રહેવું પડ્યું. થોડાં ગામ રાજાને આપવામાં આવ્યાં અને તે બડોદા કસબામાં રહ્યો. 1857ના વિપ્લવમાં ત્યાંના જાગીરદારે ભાગ લીધો અને જાગીર ગુમાવી. પરન્તુ ગ્વાલિયરના બ્રિટિશ રેસિડન્ટની ભલામણથી તેને જાગીર પાછી મળી. દેશની સ્વતંત્રતાની ચળવળમાં પણ આ જિલ્લાના આગેવાનોએ નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.
મોરેના (નગર) : મધ્ય પ્રદેશના મોરેના જિલ્લાનું જિલ્લામથક અને નગર. ભૌગોલિક સ્થાન : 26° 30´ ઉ. અ. અને 78° 09´ પૂ. રે.. તે જિલ્લાના ઈશાન ભાગમાં આવેલું છે. તે આ વિસ્તારની ખેતપેદાશોના વેપારનું મધ્યસ્થ મથક ગણાય છે. ગ્વાલિયર અને આગ્રા સાથે તે રાષ્ટ્રીય ધોરી માર્ગથી તેમજ રેલમાર્ગથી જોડાયેલું છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં તેલીબિયાંનું પ્રક્રમણ અને સુતરાઉ કાપડ વણાટનો સમાવેશ થાય છે. જીવાજી યુનિવર્સિટી સંલગ્ન ત્રણ કૉલેજો અહીં આવેલી છે. વસ્તી : 1,47,095 (1991).
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ