મોરિડો મીરબહર : પ્રસિદ્ધ સિંધી વીરગાથા ‘મોરિડો ઐં માંગરમચ્છ’નો નાયક. સિંધમાં સિંધુ નદીના કાંઠે માછીમારોનું એક કુટુંબ રહેતું હતું, જેમાં ‘મોરિડો’નો જન્મ થયો હતો. તે સાત ભાઈઓ પૈકી સૌથી નાનો હતો. કદમાં પણ નાનો અને લંગડો, પરંતુ સશક્ત હતો. બુદ્ધિમાં પણ બધા ભાઈઓ કરતાં તેજ હતો. તેના ભાઈઓ દરિયામાં માછલાં મારવા જતા હતા ત્યારે પોતાના નાના તથા અપંગ ભાઈ મોરિડોને ઘરની સારસંભાળ માટે મૂકીને જતા હતા. એક દિવસ તેના છ ભાઈઓ માછલીઓ મારતાં મારતાં ‘કલાચી’(કરાંચી શહેરનું જૂનું નામ)ના કિનારે નદીના વમળમાં જઈ ફસાયા. તેમાં એક મગરમચ્છ રહેતો હતો અને વમળમાં ફસાયેલા માણસોને ગળી જતો હતો. આ છ ભાઈઓ પણ વમળ નજીક પહોંચ્યા ત્યારે એમની હોડી તેમાં ડૂબી ગઈ અને છ ભાઈઓ મગરમચ્છનો શિકાર થઈ ગયા. આ ખબર બધે પહોંચી ગઈ. મોરિડોએ મગરમચ્છનો બદલો લેવા લોખંડનું એક પાંજરું બનાવડાવ્યું, જેને ફરતે મોટા અને અણીદાર ખીલા હતા. તે પાંજરામાં બેસી ગયો. સાથીઓની સહાયથી મોટા દોરડા વડે પાંજરાને વમળમાં ઉતારવામાં આવ્યું. સાથીઓને સૂચના આપી કે દોરડું હલાવું ત્યારે પાંજરાને ખેંચીને બહાર લાવજો. પાંજરાને મગરમચ્છ ગળી જવા ગયો, પણ ચારે બાજુ ખીલા ગોઠવેલા હોવાને કારણે તે ઘાયલ થઈ ગયો. પાંજરાના ખીલા મગરમચ્છના મોઢામાં ફસાઈ ગયા. મોરિડોએ દોરડું હલાવીને પોતાના સાથીઓને પાંજરું ઉપર ખેંચવાનો સંકેત આપ્યો. પાંજરાની સાથે મગરમચ્છ પણ બહાર આવી ગયો. તે પછી મગરમચ્છને મારીને મોરિડોને પાંજરા સાથે બહાર કાઢવામાં આવ્યો. મગરમચ્છને ચીરીને મોરિડોના છ ભાઈઓની લાશોને બહાર કાઢવામાં આવી અને દફન કરવામાં આવી.

મોરિડોને સિંધી સાહિત્યમાં સાહસ, વીરતા અને બુદ્ધિમત્તાનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા કવિઓએ તેના વિશે કાવ્યરચનાઓ કરી છે. સિંધના સિંધી લોકસાહિત્યના અગ્રણી વિદ્વાન ડૉ. નબીબક્ષ બલોચે ‘મોરિડો ઐં માંગરમચ્છ’ શીર્ષકથી એક સંગ્રહ તૈયાર કર્યો છે, જેમાં મોરિડો વિશેની કથાઓ સંકલિત કરવામાં આવી છે.

હુંદરાજ બલવાણી