મોરારિબાપુ (જ. 25 સપ્ટેમ્બર 1946, તલગાજરડા, તા. મહુવા, જિ. ભાવનગર) : રામકથાના સુપ્રસિદ્ધ કથાકાર ને પ્રચારક. પિતા પ્રભુદાસ હરિયાણી, માતા સાવિત્રીબહેન. નિમ્બાર્કાચાર્યની વૈષ્ણવ પરંપરાના એ અનુયાયી. દાદા-દાદીની નિશ્રામાં એમનો ઉછેર અને ઘડતર. દાદીમા દ્વારા પૌરાણિક કથાઓ તેમજ લોકવાર્તાઓનું શ્રવણપાન. દાદા અને ગુરુ ત્રિભોવનદાસ પાસે તુલસી-રામાયણનું અધ્યયન. મોરારિબાપુનું આ અધ્યયન જ્યાં થયેલું એ જગા હાલ ચિત્રકૂટધામથી જાણીતી. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ માટે તલગાજરડાથી મહુવા જતાં–આવતાં કંઠસ્થ કરેલી તુલસી-રામાયણની ચોપાઈઓનું ગાન. શાળાની એમની કારકિર્દી તેજસ્વી. તીવ્ર સ્મરણશક્તિ ને સરસ વાક્છટા. તેમના શાંત-નિરાળા વ્યક્તિત્વથી શિક્ષકો પણ પ્રભાવિત. બાર વર્ષની વયે ‘રામચરિતમાનસ’ના પાઠ કરવાનો પ્રારંભ. જે ઓટલા પર શ્રીરામની છબી પધરાવી મોરારિબાપુ ગ્રામજનો સમક્ષ ચોપાઈગાન કરતા ત્યાં હાલ હનુમાનજીનું મંદિર બંધાયું છે અને એ વિસ્તાર ‘રામવાડી’ નામે પ્રસિદ્ધ છે. મોરારિબાપુએ વિ. સં. 2016ના ચૈત્ર માસમાં ત્યાં એક માસ રામચરિતમાનસનું પારાયણ કરેલું.
મહુવામાં માધ્યમિક શિક્ષણ પૂરું થતાં મોરારિબાપુ જૂનાગઢની શાહપુર શિક્ષક તાલીમી કૉલેજમાં જોડાયા. એ તાલીમ પૂરી થતાં 1966માં મહુવાની સ્કૂલમાં શિક્ષક થયા. દરમિયાન સંતો-વિદ્વાનોનો સત્સંગ-વ્યાસંગ તો ચાલતો જ હતો. મોરારિબાપુ ધર્મ અને દર્શનની સાથે સાથે સાહિત્ય અને સમાજસેવાના વિકાસ માટેય પોતા તરફથી વિધેયાત્મક પ્રદાન કરતા રહ્યા.
મોરારિબાપુએ મે, 1966માં ગાંઠિલા(તા. વંથલી, જિ. ભાવનગર)માં રામકથાનું પ્રથમ નવાહન પારાયણ કર્યું અને તે પછી તો દેશ-વિદેશમાં તથા સ્ટીમર, એરોપ્લેન વગેરેમાંયે કથાઓ કરતા રહ્યા. તેમણે કૈલાસ-માનસરોવર જઈને ત્યાં પણ કથા-પારાયણ કરેલું. તેમણે 500થીય વધુ કથા-પારાયણ કર્યાં છે. તેમણે ગુજરાતીમાં તેમજ હિન્દીમાં પણ રામકથાનાં સુંદર પારાયણો ગુજરાતમાં તેમ ગુજરાત બહાર પણ ચિત્રકૂટ, દિલ્હી આદિ અનેક સ્થળોમાં કર્યાં છે.
મોરારિબાપુ પોતાના દાદા તરફથી મળેલી 300 વર્ષ જૂની રામાયણ હંમેશાં પોતાની સાથે રાખે છે; દર શનિવારે મૌનવ્રત પાળે છે અને સંસારમાં રહીનેય સંતની રીતે આહારવિહાર આદિમાં સંયમધર્મ ને શીલધર્મનું પ્રામાણિકપણે આચરણ કરે છે.
મોરારિબાપુને સંતની રીતે પૂજનારો ને એમને ચાહનારો બહુ મોટો ભક્તવર્ગ છે. મોરારિબાપુ પણ એ વર્ગની શક્ય સેવા કરવા સદા તત્પર રહે છે. તેમણે આમવર્ગની સેવા માટે, તેમને સમુચિત સંસ્કારો મળે તે માટે અનેક પ્રકારનાં સેવાકાર્યો સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા હાથ ધર્યાં છે. ગુરુકુળ, ગૌશાળા, હૉસ્પિટલ જેવી વ્યવસ્થાઓ એમના તરફથી થતી રહી છે. તેમણે સાત્વિક અને ભાવનાશીલ સાહિત્યના સંનિષ્ઠ ઉપાસકોનું યોગ્ય સન્માન થાય એ માટે અલગ ટ્રસ્ટ સ્થાપી તે દ્વારા રૂ. 1,51,000ના નરસિંહ મહેતા પુરસ્કારનું આયોજન કર્યું છે, જે પુરસ્કાર ગુજરાતી કવિઓ રાજેન્દ્ર શાહ, મકરન્દ દવે અને નિરંજન ભગત, ઉશનસ્ અને માધવ રામાનુજને એનાયત કરાયો છે. વળી મોરારિબાપુ દ્વારા હનુમાનજયંતીની ઉજવણી નિમિત્તે સાહિત્યકારોની મદદથી અસ્મિતા પર્વનું આયોજન પણ છેલ્લાં પાંચેક વર્ષથી મહુવા ખાતે થતું રહે છે; જેમાં શિષ્ટ સાહિત્ય ઉપરાંત લોકસાહિત્ય, સંગીત, નૃત્ય વગેરે કલાઓના આસ્વાદનો કાર્યક્રમ યોજાય છે. મોરારિબાપુ પોતે પૂરી સૂઝ-સમજવાળા, કહેણીની ઉત્તમ કળા ધરાવનાર રામભક્ત ને હનુમાનભક્ત, ધર્મસેવક ને સંસ્કારસેવક છે. એમની કથાઓ લોકશિક્ષક ને ધર્મશિક્ષણનું ઉમદા કાર્ય કરી રહી છે. લોકસેવા માટેની અનેક સંસ્થાઓને મોરારિબાપુએ પોતાનાં કથા-પારાયણો દ્વારા મદદ કરી છે. વળી તેમણે દાનદક્ષિણા નિમિત્તે કોઈ પણ બહારની આર્થિક મદદ સ્વીકારવાનું ટાળી હવે નિ:સ્પૃહભાવે જ પોતા તરફથી અનેક વ્યક્તિઓ–સંસ્થાઓ વગેરેને સાથ-સહકાર કે ટેકો આપતા રહે છે. તેમની કથાઓની ર્દશ્ય-શ્રાવ્ય કૅસેટો તેમજ તેમના રામકથા-વિષયક અનેક ગ્રંથો સંસ્કારશુદ્ધિનું તેમજ પવિત્રતાના પ્રસારનું મહત્વનું કાર્ય કરી રહ્યા છે. તેમને આજની અનેક સમસ્યાઓનો ઉકેલ રામાયણમાં–‘રામચરિતમાનસ’માં હોવાનું લાગ્યું છે અને તેથી જ રામનામના બળે ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિની, તેની અસ્મિતાની સુરક્ષા સાથે તેનો ઉત્તરોત્તર વિકાસ પણ સધાતો રહે એવી તેમની પ્રવૃત્તિ મનસાવાચાકર્મણા ચાલતી રહી છે.
મોરારિબાપુની કથાઓને આધારે ઘણુંબધું સાહિત્ય ગુજરાતી-હિન્દી જેવી ભાષાઓમાં સતત પ્રકાશિત થતું રહ્યું છે. મોરારિબાપુનું આ ધર્મશિક્ષણ-નીતિશિક્ષણ તેમજ સંસ્કારસંવર્ધન માટેનું પથ્ય અને પ્રસન્નકર સાહિત્ય હોઈ તેનો વ્યાપકપણે પ્રચાર લોકસમાજમાં થઈ રહ્યો છે. મોરારિબાપુની કથાઓમાં દેખીતી રીતે જ કેન્દ્રસ્થાને રામચરિતમાનસ છે, રામભક્તિ છે. એમનું સમગ્ર સાહિત્ય ભારતીય ધર્મપરંપરાના વિકાસ-વિસ્તારમાં મહત્વના પ્રદાનરૂપ છે. તેમાં ‘રામચરિતમાનસ’ ઉપરાંત વેદોપનિષદો, વાલ્મીકિ રામાયણ, મહાભારત આદિ મહાકાવ્યો, ભાગવતાદિ પુરાણો, સ્મૃતિગ્રંથો વગેરેની ઘણી વસ્તુ-સામગ્રીનો સવિવેક સુંદર વિનિયોગ થયો છે. તેમની કથાઓમાં રામસીતા સાથે જ હનુમાન, રાધાકૃષ્ણ, શિવપાર્વતી વગેરેનો પણ સમાદર થયેલો જોવા મળે છે. વ્યાપક માનવધર્મને કેન્દ્રમાં રાખીને થયેલાં એમનાં કથાપ્રવચનો અનેકાનેક ર્દષ્ટાંતોથી સમૃદ્ધ હોય છે. તે રુચિકર હોવા સાથે શુચિકર પણ હોય છે. એમના આ કથાસાહિત્યમાંથી માનવધર્મનાં ઉત્તમ મૂલ્યોની સુંદર સમજ આપવામાં આવી છે. એ રીતે એમનું સાહિત્ય સ્વસ્થ જીવનના સાધકોને પ્રેરક-ઉદબોધક અને માર્ગદર્શક થાય એવું છે. એમાં સ્ત્રીપુરુષ, ગુરુશિષ્ય આદિ સંબંધોનીયે સમીક્ષા છે. મોરારિબાપુ તેમાં પ્રસંગોપાત્ત, સાંપ્રત સાહિત્યના સંદર્ભોયે વણી લેતા હોય છે એમની આ સાહિત્યની ઊંડી ધર્મપૂત સૂઝસમજ તેમજ વિનીત વિદ્વત્તાની ઉત્તમ પ્રસાદીરૂપ છે. એમની વિપુલ ગ્રંથસામગ્રીમાંથી ‘સંતચિંતન’ (ભાગ 1 અને 2), ‘માનસ ઉપનિષદ’, ‘માનસ દોહાવલી’, ‘માનસ ગીતા’, ‘માનસ જગદગુરુ’, ‘ગુરુપૂર્ણિમા’, ‘માનસ સૂત્ર’, ‘માનસ ગોપી ગીત’ (ચરણ 1, 2, 3, 4 વગેરે) ‘માનસ ભક્તિસૂત્ર’, ‘માનસ મનુસ્મૃતિ’, ‘માનસ વાલ્મીકિ’, ‘માનસ’ (ભાગ 1, 2, 3), ‘માનસ ભુશુંડિદર્શન’ જેવા કેટલાક ગ્રંથોના આસ્વાદ–અધ્યયને મોરારિબાપુની નરવી ધર્મર્દષ્ટિ ને જીવનર્દષ્ટિનો, તેમની માનવતાલક્ષી કથારીતિનો મૂલ્યવાન અને મધુર પરિચય મળી રહે છે. જે સંતપરંપરાએ ભારતીય સંસ્કાર-સંસ્કૃતિનું જતન અને ઘડતર કર્યું તે જ પરંપરાનો નિર્વાહ મોરારિબાપુ મનસાવાચાકર્મણા કરી રહ્યાની વ્યાપક પ્રતીતિ છે.
ચન્દ્રકાન્ત શેઠ
પ્રવીણચંદ્ર પરીખ
બંસીધર શુક્લ