મોરવેલ : દ્વિદળી (મેગ્નોલિયૉપ્સીડા) વર્ગમાં આવેલા રેનન્ક્યુલેસી (વત્સનાભ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Clematis triloba Heyne ex. Roth (સં. મૂર્વા, લઘુપર્ણિકા, ત્રિપર્ણી, મધુરસા; હિં. ચૂરણાહાર, મૂવા, મરીરફલી; મ. રંજની, મોરવેલ, મહુરશી; બં. મૂર્વા, મુર્ગા, મુરહર; ગુ. મોરવેલ, ત્રેખડિયો વેલો, ક. સૌગવલ્લી; તે. સાંગા, ચાગચેટ્ટ; તા. મરૂલ; અં. બોસ્ટ્રિંગ હેંપ) છે.
વિતરણ : તે કોંકણ, ડેક્કન, પશ્ચિમ ઘાટ અને સાપુતારા જેવા પહાડી પ્રદેશોમાં આવેલાં જંગલોમાં ચોમાસામાં થાય છે. તે ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થાય છે. મધ્યપ્રદેશમાં વધુ પ્રમાણમાં અને કોંકણમાં સૌથી વધારે પ્રમાણમાં થાય છે.
બાહ્ય લક્ષણો : તે વિસ્તીર્ણ એકવર્ષાયુ આરોહી ક્ષુપ છે. પ્રકાંડ મખમલી રોમિલ હોય છે. પર્ણો સંયુક્ત, ત્રિપર્ણી પંજાકાર(trifoliate), સંમુખ ગોઠવાયેલાં 2.5–6.3 સેમી. x 1.83.2 સેમી. પર્ણિકાઓ અંડાકાર કે હૃદયાકાર, ત્રણ શિરાવાળી, તેની ટોચ અણીદાર પર્ણિકાની કિનારી અખંડિત, પર્ણદંડ 2–8 સેમી. લાંબા, તથા સ્પર્શસંવેદી હોય છે અને કોઈ પણ આધાર મળતાં તેની ફરતે કુંતલાકારે વીંટળાય છે. પર્ણદંડનો નવો ભાગ રૂંછાંથી છવાયેલો હોય છે.
વેલ જમીન પર ફેલાય તો સાંધાઓ (ગાંઠો) પરથી અંકુર ફૂટે છે. પુષ્પનિર્માણ સપ્ટેમ્બર–ડિસેમ્બર સુધી થાય છે.
લીલાશ પડતાં સફેદ, 3.2–5.0 સેમી. વ્યાસ ધરાવતાં, સુગંધિત પુષ્પો શિથિલ લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. વજ્ર ચાર દલાભ (petaloid) વજ્રપત્રોનું બનેલું હોય છે. દલપુંજનો અભાવ હોય છે. તેનાં ફળ શિયાળામાં પાકે છે. તે શુષ્ક અસ્ફોટી ચર્મફળ (achene) પ્રકારનાં અને સમૂહમાં હોય છે અને તે દીર્ઘસ્થાયી પિચ્છાકાર (feathery) પરાગવાહિની ધરાવે છે. ફળવિકિરણ પવન દ્વારા થાય છે.
ગુજરાતમાં મોરવેલ તરીકે ઓળખાતી Clematisની ત્રણ જાતિઓ નોંધાઈ છે : (1) Clematis triloba Heyne ex Roth, (2) C. gouriana Roxb. ex DC., (3) C. hedysarifolia DC.
રાસાયણિક બંધારણ : મોરવેલમાંથી 0.7 % – 3.5 % બાષ્પશીલ તેલ અને 5.6 % સ્થિર તેલ પ્રાપ્ત થાય છે. બાષ્પશીલ તેલમાં કારવાકોલ 36.4 %, યુર્જીનોલ 6.6 %, ચવીકૉલ 4.6 %, D-લીનેલૂલ 30.6 %, મેથીલચોવીકૉલ 3.2 %, D.A. ટર્થીનૉલ 4.8 %, કૅર્યોફાયલિન 7.6 % હોય છે.
ઔષધગુણવિજ્ઞાનીય ગુણધર્મ :
(1) મધુપ્રમેહરોધી સક્રિયતા (antidiabetic activity) : મધુપ્રેહ દીર્ઘકાલી ચયાપચયિક (metabolic) વિકાર છે. તેનું લક્ષણ ચિરસ્થાયી અતિગ્લુકોઝરક્તતા (hyperglycemia) છે અને આજે સમગ્ર વિશ્વમાં તે અસ્વસ્થતા (morbidity) અને મર્ત્યતા (mortality) માટેનું એક મહત્વનું કારણ ગણાય છે. સ્ટ્રેપ્ટોઝોટોસિન (STZ) અને સ્ટ્રેપ્ટોઝોટોસિન નિકોટિન ઍમાઇડ-પ્રેરિત મધુપ્રમેહી વિસ્ટાર નર ઉંદરોમાં મોરવેલના મૂળના મિથેનૉલીય નિષ્કર્ષનું મધુપ્રમેહરોધી સક્રિયતા માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મધુપ્રમેહી ઉંદરોમાં રુધિર ગ્લુકોઝ, ગ્લાયકોસીલેટિત હીમોગ્લોબિન, ઉચ્ચ ઘનત્વ લિપોપ્રોટીન (high density lipoprotein, HDL) અને ટ્રાઇગ્લીસરાઇડનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. મોરવેલનો નિષ્કર્ષ માત્રા આધારિત રુધિર ગ્લુકોઝ, ટ્રાઇગ્લીસરાઇડ અને ગ્લાયકોસીલેટિન હીમોગ્લોબિનમાં ઘટાડો અને HDLના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો હતો.
(2) વમન (emesis) ચિકિત્સા : ફેફસાંમાં રક્તઆધિક્ય (congestion)ને કારણે શ્વસનીશોથ (bronchitis), શરદી, કફ કે દમનું આક્રમણ વારંવાર થઈ શકે છે. વમન કફને કાઢવાની એક આયુર્વેદિક પદ્ધતિ છે. પ્રથમ દર્દીને સ્નેહન અને સ્વેદનની ચિકિત્સા આપ્યા પછી વિશિષ્ટ રોગ માટે ચોક્કસ પ્રકારનાં વમનકારી (emetic) ઔષધો આપી વમનની ક્રિયા પ્રેરવામાં આવે છે. એક વાર કફથી મુક્ત થતાં દર્દી વિશ્રાંતિ અનુભવે છે. રક્તાધિક્ય, સસણી (wheezing) અને શ્વાસરહિતતા (breathlessness) અર્દશ્ય થાય છે અને વાયુવિવરો સ્વચ્છ બને છે. ચિકિત્સીય વમન દીર્ઘકાલી દમ, મધુપ્રમેહ, દીર્ઘકાલી શરદી, લસિકાધિક્ય (lymphatic congestion) દીર્ઘકાલી અપચન (chronic indigestion), વિસ્તીર્ણ ત્વચાશોથ જેવા દીર્ઘકાલી ત્વચાના વિકારો, સોરાયસિસ અને શોફમાં સૂચવવામાં આવે છે. મોરવેલ, યષ્ટિમધુ, કડવો લીમડો, મદન-વમન કાષ્ઠફળ, દેવદાર, સિંધવમીઠું, ઇલાયચી, વચ, મધ વગેરે દર્દીની પ્રકૃતિ અને તેને થયેલા રોગ પ્રમાણે આપવામાં આવે છે.
(3) જીવાણુરોધી સક્રિયતા : મોરવેલ (clematis gouriana)ના પર્ણોના ઇથેનૉલ, બૅન્ઝિન અને પેટોલિયમ ઇથર નિષ્કર્ષો Salmonella typhimurium, Shigella flexneri અને Escherichia coliની જાતો સામે અસરકારક પ્રતિરોધ કરે છે; અને આલ્કોહૉલીય નિષ્કર્ષ સૌથી વધારે પ્રભાવ દર્શાવે છે. આ વનસ્પતિનું ઔષધીય મૂલ્ય તેમાં રહેલા આલ્કેલૉઇડો, ફીનૉલો, ફ્લેવોનૉઇડો અને ટૅનિનો જેવાં ચયાપચયકો (metabolites)ને આભારી છે.
આયુર્વેદ અનુસાર તે કડવી, તૂરી, ઉષ્ણ, સ્વાદુ, ગુરુ, પાકકાળે તીખી અને સારક છે અને ત્રિદોષ, કોઢ, રક્તદોષ, પ્રમેહ, ઊલટી, જ્વર, મુખશોષ, ભ્રમ, તૃષા, હૃદયરોગ, કફ, વાયુ અને વિષમજ્વરનો નાશ કરે છે. તેના કાંદા કૃમિ, કૃમિકીલક રોગ અને વિષદોષનો નાશ કરે છે. ક્ષીરમોરવેલ મધુર, તૂરી, વૃષ્ય અને બળકર છે અને દાહ, જ્વર, તૃષા, કફ અને પિત્તની નાશક છે. તેની ભાજી ખારી, સ્વાદુ, રસકાળે અને પાકકાળે શીત, જડ, મલબંધકારક, વાતકર, રુક્ષ અને કફપિત્તનાશક છે. લઘુ મોરવેલ હૃદ્ય હોઈ સંગ્રહણી, વાયુ અને ગુલ્મની નાશક છે. ગરમીની ચાંદીઓ, કંડૂ અને ખસ ઉપર તેનાં પર્ણો વાટી લેપ કરવામાં આવે છે. નળબંધ, વાયુ, શરદી, બરોળ અને વાયુના ગોળા ઉપર તેનો રસ લસણ નાખી પિવડાવવામાં આવે છે.
Marsdenia roylei Wight નામની ઍસ્ક્લેપિયેડેસી (અર્ક) કુળની જાતિને પણ મોરવેલ કહે છે. તેની બીજી જાતિ M. tenacissima W & Aને પણ મોરવેલ તરીકે ઓળખાવાય છે. (સં. મૂર્વા, તિક્તવલ્લી, હિં. મરુવાબેલ, મર્વાવલ્લી ? જરતોર, ચિન્હારુ; ને બહુની લહરા, સુનામરઈ).
બાહ્ય લક્ષણો : તે ક્ષુપ સ્વરૂપ ધરાવતી મોટી રોમિલ વળવેલ છે. તે હિમાલયમાં કુમાઉથી આસામ સુધી 1500–2000 મી.ની ઊંચાઈ અને દક્ષિણ ભારતમાં જોવા મળે છે. તે ગુજરાતનાં ડાંગના જંગલોમાં, વ્યારા, રાજપીપળા, છોટા ઉદેપુર અને વિરેશ્વરમાં પણ મળી આવે છે. છાલ આછા બદામી કે ભૂખરારાખોડી રંગની, બૂચ જેવી અને વિદારિત (fissured) હોય છે. પર્ણો સાદાં, સંમુખ, મખમલી, 7–14.5 x 5.5–11 સેમી. પહોળાં, અંડહૃદયાકાર અને ઘટ્ટરોમિલ હોય છે. પર્ણાગ્ર અણીદાર હોય છે. પુષ્પો પર્ણની કક્ષમાંથી ઉદભવતાં લીલાશ પડતાં પીળાં, 5.010 સેમી. વ્યાસવાળાં, બહુશાખિત પરિમિત (multiparous cyme) સ્વરૂપે જૂનથી ઑગસ્ટ દરમિયાન આવે છે. ફળ એકસ્ફોટી (follicle) યુગ્મ પ્રકારનાં, અંડ-ભાલાકાર, 14–15 x 4–4.5 સેમી., પુષ્કળ પ્રમાણમાં રોમિલ, ચાંચવાળાં (beaked) અને રુક્ષપૃષ્ઠી (rugose) હોય છે. સુકાતાં તેઓ કરચલીવાળાં બને છે. ફળનિર્માણ જુલાઈમાં થાય છે.
વનસ્પતિ રસાયણ : Marsdenia royleiના શુષ્ક પ્રકાંડના ક્લોરોફૉર્મદ્રાવ્ય નિષ્કર્ષમાંથી રૉય્લિનિન નામનો પ્રેગ્નેન ઑલિગોગ્લાયકોસાઇડ અને પ્રેગ્નેન વ્યુત્પન્ન, માર્સજેનિનને અલગ તારવવામાં આવ્યાં છે.
M. royleiના શુષ્ક પ્રકાંડના ક્લોરોફૉર્મ દ્રાવ્ય પ્રકાંડમાંથી બે પ્રેગ્નેન-ડીસેસીલકૉન્ડુરેન્ગોજેનિન C અને ડેનિયેજેનિન તથા બે નવાં પ્રેગ્નેન ગ્લાયકોસાઇડો–ડેનિન અને માર્સિન મળી આવ્યાં છે.
આ ઉપરાંત, તેની શુષ્ક શાખાઓના વનસ્પતિ-રાસાયણિક વિશ્લેષણ દરમિયાન એક ટ્રાઇસૅકેરાઇડ, માર્થલ અને ડાઇગ્લાયકૉસાઇડ, રૉલિનોઝ પ્રાપ્ત થયાં હતાં.
M. tenacissimaના પ્રકાંડમાંથી 6 પૉલિઑક્સિપ્રેગ્નેન મળી આવ્યાં છે : 11α-O-ટિગ્લોઇલ-12β-O-એસિટાઇલ-ટીનેસિજેનિન B; 11α-O-બૅન્ઝોઇલ-12β -O-એસિટાઇલ-ટીનેસિજેનિન B; 11α-O-2-મિથાઇલબ્યુટાઇરીલ-12β -O-એસિટાઇલ-ટીનેસિજેનિન B; 11α-O-2-મિથાઇલબ્યુટાઇરીલ-12β-O-ટિગ્લોઇલટીનેસિજેનિન B; 11α-O-2-મિથાઇલબ્યુટાઇરીલ-12β-O-બૅન્ઝોઇલટીનેસિજેનિન B અને 11α, 12β -O, O-ડાઇટિગ્લોઇલ-17 β-ટીનેસિજેનિન B. છેલ્લાં ત્રણ સંયોજનો KB કોષવંશો સામે કોષવિષાળુ (cytotoxic) સક્રિયતા દર્શાવે છે.
તેનાં મૂળ આયુર્વેદિક યોગોમાં ‘કાળી નિશીથ’ (Ipomoea turpethum)ની અવેજીમાં વપરાય છે. તેઓ સ્ટેરૉલો, આલ્કેલૉઇડો અને સેપોનિન ગ્લાયકોસાઇડો ધરાવે છે.
આયુર્વેદિક ગુણધર્મો :
ગુણ
ગુણ – ગુરુ, રુક્ષ રસ – તિક્ત, કષાય
વિપાક – કટુ વીર્ય – ઉષ્ણ
કર્મ
દોષકર્મ – તે ઉષ્ણ હોવાથી કફવાતશામક અને તિક્ત હોવાથી પિત્તશામક હોય છે. આમ, તે ત્રિદોષહર છે.
બાહ્ય કર્મ – તે ત્વગ્દોષહર છે.
પાચનતંત્ર – તે દીપન, આમપાચન, પિત્તસારક, અનુલોમન, શૂલપ્રશમન અને કૃમિઘ્ન હોય છે.
રુધિરાભિસરણતંત્ર – તે રક્તશોધક અને હૃદ્ય હોય છે.
ઉત્સર્જનતંત્ર – તે પ્રમેહઘ્ન હોય છે.
પ્રજનનતંત્ર – તે સ્તનશોધન હોય છે.
ત્વચા – તે સ્વેદજનન અને કુષ્ઠઘ્ન હોય છે.
તાપક્રમ – તે જ્વરઘ્ન હોય છે.
પ્રયોગ
દોષકર્મ – તે કફ, વાત અને પિત્તના વિકારોમાં ઉપયોગી છે.
બાહ્યકર્મ – મૂળને વાટીને ચામડીના રોગો ઉપર તેનો લેપ લગાવવામાં આવે છે.
પાચનતંત્ર – આમદોષ, અમ્લપિત્ત, કબજિયાત, કમળો, શૂળ અને કૃમિમાં પ્રયુક્ત હોય છે.
રુધિરાભિસરણતંત્ર – હૃદય અને રુધિરના વિકારોમાં લાભદાયી હોય છે.
ઉત્સર્જનતંત્ર – પ્રમેહમાં તેનો ઉપયોગ થાય છે.
પ્રજનનતંત્ર – તે સ્તન્ય વિકારોમાં ઉપયોગી છે.
ત્વચા – તે કુષ્ઠમાં પ્રયુક્ત હોય છે.
તાપક્રમ – તે જ્વરમાં ખાસ કરીને વિષમજ્વરમાં લાભદાયી છે.
પ્રયોજ્ય અંગ – મૂળ
માત્રા – ક્વાથ 50100 મિલી.
વિશેષ – તેના મૂળની છાલ કાઢી નાખી તે બજારમાં ‘સફેદ નિશીથ’ તરીકે વેચાય છે.
मूर्वा तिक्ता कषायोष्णा हृद्रोगकफवातहत् ।
वमिप्रमेहकुष्ठारिर्विषमश्चरहारिणी ।।
રાજનિઘંટુ
આ મોરવેલના મૂળનું ચૂર્ણ ચોખાના ધોવાણ સાથે પિત્તજ ઊલટીમાં પિવડાવવામાં આવે છે. આંખના રોગોમાં તેનું મૂળ, તેલ, સિંધાલૂણ અને સરકો બધું સમાન ભાગે લઈ કાંસાના વાસણમાં ઘૂંટીને આંખ ઉપર લગાડવામાં આવે છે. તે વિષમજ્વર, કફવાયુ, કુષ્ઠ અને તાવ મટાડે છે.
તે મજબૂત રેશમી રેસા ઉત્પન્ન કરે છે, જે માછીમારી માટે ને જાળ અને દોરડાં બનાવવામાં ઉપયોગી છે. તેના ક્ષીરરસમાં અલ્પ પ્રમાણમાં કૂચુક (cacoutchouc) હોય છે.
બળદેવભાઈ પટેલ
ભાલચન્દ્ર હાથી