મોરવાણી, ઢોલણ ‘રાહી’ (જ. 6 જુલાઈ 1949, અજમેર, રાજસ્થાન) : સિંધી કવિ. તેમને તેમની કૃતિ ‘અંધેરો રોશન થિયે’ માટે 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે સિંધી ભાષા અને સાહિત્યમાં એમ.એ. તથા મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એડ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અધ્યાપક રહેલા.
તેઓ અંગ્રેજી અને ઉર્દૂ ભાષાની જાણકારી ધરાવે છે. 1967માં તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમણે કુલ 5 કાવ્યસંગ્રહો આપ્યા છે : ‘નીનાં ઓટિયો નીહુઁ’, ‘અક્સ ઐં પરાદા’, ‘દાત જૂણ દિયતિયૂં’, ‘મોરપંખી પલ’ તથા ‘અંધેરો રોશન થિયે’. આ ઉપરાંત તેમણે ‘બંકિમચંદ્ર ચેટર્જી’ નામક એક ગ્રંથનો અનુવાદ કર્યો છે. તેમણે બાળગીતો પણ આપ્યાં છે. તેમને રાજસ્થાન સિંધી અકાદમી પુરસ્કાર (ત્રણ વાર) અને નારાયણ શ્યામ પુરસ્કાર પ્રાપ્ત થયા છે.
તેમના પુરસ્કૃત કાવ્યસંગ્રહ ‘અંધેરો રોશન થિયે’માં કવિની વ્યાપક ર્દષ્ટિ, કાવ્યસંગીત અને સુંદર ભાષા ધ્યાન ખેંચે છે. તેમાંથી અર્થસભર ઘણી પંક્તિઓ લાંબા સમય સુધી સ્મૃતિમાંથી ન ખસે એવી અને સમૂહભોગ્ય છે. લોકોના રોજિંદા જીવનને સ્પર્શતા વિષયવસ્તુની કાવ્યાત્મક અભિવ્યક્તિના કારણે આ કૃતિ સિંધી સાહિત્યમાં ઉલ્લેખનીય બની છે.
બળદેવભાઈ કનીજિયા