મોરબી : ગુજરાત રાજ્યનો મોરબી જિલ્લો. જિલ્લા મથક, તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 22° 49´ ઉ. અ. અને 70° 50´ પૂ. રે.ની આજુબાજુનો 4871.5 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની ઉત્તરે કચ્છ જિલ્લો, પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લો, દક્ષિણે રાજકોટ જિલ્લો અને પશ્ચિમે જામનગર જિલ્લો આવેલા છે. આ જિલ્લાને મોરબી, માળિયા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાં વહેંચવામાં આવ્યો છે.
સમગ્ર તાલુકો સમતળ સપાટ ભૂપૃષ્ઠ ધરાવે છે. મોટાભાગની જમીન મધ્યમ કાળી છે. રણ નજીકની જમીન ક્ષારમિશ્રિત કાળી છે. આ તાલુકો કર્કવૃત્ત તથા કચ્છના નાના રણની નજીક આવેલો હોઈ પ્રમાણમાં વિષમ આબોહવા ધરાવે છે. મે માસનું મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 44° સે. અને 23° સે. તથા જાન્યુઆરી માસનું મહત્તમ અને લઘુતમ તાપમાન 34° સે. અને 4°થી 9° સે. જેટલું રહે છે. અહીં સરેરાશ વરસાદ 500 મિમી.ની આસપાસ પડે છે, રણ નજીક 450 મિમી. જેટલો પડે છે. વસ્તી આશરે જિલ્લાની 5,00,000 (2015) અને શહેરની 1,94,947 (2011) છે.
જંગલોમાં મુખ્યત્વે પાનખર અને કાંટાળાં વૃક્ષો જોવા મળે છે. તેમાં બાવળ, ગાંડો બાવળ, ખાખરો, બોરડી, ગોરડ, થોર, અરડૂસો, આકડો મુખ્ય છે. ગામની ભાગોળે અને ખેતરોના શેઢે પીપળો, વડ, પીપર, આંબલી, ખીજડો, લીમડો, અરડૂસી, મેંદી અને થોર વગેરે જોવા મળે છે. અહીંના પશુધનમાં ગાય, ભેંસ, ઘેટાં-બકરાં મુખ્ય છે, ઘોડા અને ગધેડાંની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. જંગલી પશુઓમાં વરુ, નાર, શિયાળ, નોળિયા અને જંગલી ગધેડાંનો સમાવેશ થાય છે.
ઘઉં, જુવાર, બાજરી, કઠોળ, કપાસ અને મગફળી અહીંના મુખ્ય કૃષિપાકો છે. ખાદ્યપાકોનું વાવેતર વરસાદને અનુલક્ષીને કરવામાં આવે છે. આ ઉપરાંત તલ, રાઈ, એરંડા, ઘાસ, શાકભાજી અને ફળો પણ થાય છે. મચ્છુ બંધ અને કૂવાઓ દ્વારા સિંચાઈ થાય છે. તાલુકામાંથી વિવિધ પ્રકારની માટી, ચૂનાખડકો, રેતીખડકો અને મીઠું મેળવવામાં આવે છે. ખેતી અને પશુપાલન અહીંના લોકોના મુખ્ય વ્યવસાય છે.
કેટલાક લોકો અહીંથી દરિયાકિનારે જઈને માછીમારી પણ કરે છે. તાલુકાના મોટાભાગના ઉદ્યોગો મોરબી ખાતે કેન્દ્રિત થયેલા છે. તાલુકામાં મોરબી સહિત અન્ય સ્થળોએ વાણિજ્ય તેમજ સહકારી બૅંકોની સુવિધા છે. આ જિલ્લામાં રેલવે અને પાકા રસ્તાની સુવિધા છે. નજીકમાં આવેલું નવલખીનું બારમાસી બંદર આ તાલુકાની આયાત-નિકાસ માટે ઉપયોગમાં લેવાય છે. ખાતર, અનાજ, ગંધક અને ફ્લોરસ્પારની આયાત તથા મીઠું, ખોળ અને ઢોરની નિકાસ થાય છે.
1991 મુજબ આ તાલુકાની વસ્તી 3,01,255 છે. અહીં વસ્તીની ગીચતાનું પ્રમાણ દર ચોકિમી. દીઠ 165 વ્યક્તિનું છે. કચ્છના નાના રણ તરફ વસ્તી પાંખી છે. તાલુકામાં ઇજનેરી કૉલેજ, ટૅકનિકલ સ્કૂલ, પ્રાથમિક–માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, સંસ્કૃત પાઠશાળા, પુસ્તકાલયો, અધ્યાપન–મંદિર, બાલમંદિરો તથા પ્રૌઢ-શિક્ષણનાં કેન્દ્રો આવેલાં છે. તાલુકામાં પ્રાથમિક શાળા વિનાનું એક પણ ગામ નથી.
શહેર : મોરબી મચ્છુ નદીના પશ્ચિમ કાંઠે વસેલું છે. ભૌગોલિક સ્થાન : 22° 49´ ઉ. અ. અને 70° 50´ પૂ. રે.. તે રાજકોટથી 52.5 કિમી. અંતરે ઉત્તર તરફ આવેલું છે. 2015 મુજબ તેની વસ્તી આશરે 5,00,000 જેટલી છે.
મોરબીની આજુબાજુ વિવિધ પ્રકારની માટી મળતી હોઈને અહીં સિરૅમિક ઉદ્યોગ વિકસ્યો છે. આ શહેરમાં ટાઇલ્સ, બરણીઓ, ઈંટો, ઇન્સ્યુલેટર, અગ્નિરોધકો વગેરે બનાવતાં કારખાનાં તથા તેલ મિલો અને જિનપ્રેસ આવેલાં છે. તે પૈકી પરશુરામ પૉટરી જાણીતી છે. ભીંતઘડિયાળો, તાંબા-પિત્તળ-ઍલ્યુમિનિયમનાં વાસણો, વનસ્પતિ–ઘી, રસાયણો, લઘુઇજનેરી વગેરે માટેનાં નાનાં-મોટાં કારખાનાં તથા તેલ મિલો અને જિનપ્રેસ આવેલાં છે. મોરબીમાં વાણિજ્ય અને સહકારી બૅંકોની સુવિધા છે. તાલુકા ખરીદ-વેચાણ સંઘનું કાર્યાલય મોરબી ખાતે આવેલું છે. તે ખેડૂતોને ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ તેમજ ધિરાણ પૂરું પાડે છે.
મોરબી ખાતે ઉચ્ચ શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ માટે સ્કૂલની વ્યવસ્થા છે. અહીં બાલમંદિરો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક–ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કન્યા વિદ્યાલય, સંસ્કૃત પાઠશાળા તથા અધ્યાપનમંદિર આવેલાં છે. અહીં ઇજનેરી કૉલેજ પણ આવેલી છે.
મોરબી શહેરની બાંધણી અને બજારની ગોઠવણી જયપુર સાથે સરખાવી શકાય એવી છે. રસ્તા પહોળા અને દુકાનો હારબંધ સપ્રમાણ છે. ગ્રીન ચોકમાં ત્રણ દરવાજાવાળો આશરે 9થી 10 મીટર ઊંચો લોખંડનો ટાવર છે. દરબારગઢ અને ઇજનેરી કૉલેજને જોડતો 230 મીટર લાંબો અને 1.35 મીટર પહોળો ઝૂલતો પુલ છે. ઠાકોર વાઘબહાદુરે મોરબીમાં વિવિધ ધર્મનાં મંદિરોનું નિર્માણ કરવાની યોજના કરી હતી. તેમના મૃત્યુ પછી અહીં મંદિર–સંકુલ અને વહીવટી કચેરીઓનું સંકુલ બાંધવામાં આવેલાં છે. આ સંકુલો વાઘજી ઠાકોરના જીવંત સ્મારક રૂપે જોવા મળે છે. મોર જેઠવાએ મચ્છુના પૂર્વ કાંઠા પર જૂનું મોરબી વસાવ્યું હતું. તેનું જૂનું નામ મોરધ્વજપુરી હતું. તે ભીમપોર નામથી પણ જાણીતું હતું. મોરબા ટેકરી પાસે સંઘજી જેઠવા અને વાઘેલા રાણા વચ્ચે થયેલા યુદ્ધમાં સંઘજીની જીત થતાં વિજયની સ્મૃતિ તરીકે મચ્છુના પશ્ચિમ કાંઠે નવું શહેર વસાવવામાં આવેલું, તે જ આજનું મોરબી શહેર. 15મી અને 16મી સદી દરમિયાન થયેલાં યુદ્ધોને કારણે જૂનું શહેર ખેદાનમેદાન થઈ ગયેલું. 1979માં મચ્છુ બંધ તૂટવાથી પણ મોરબી શહેરને તારાજીનો ભોગ થવું પડેલું.
શિવપ્રસાદ રાજગોર