મોમિનખાન 1લો (મીરઝા જાફર નજમુદ્દૌલા) (ઈ. સ. 1737–1743) : ગુજરાતનો મુઘલ સૂબેદાર. જોધપુરના અભયસિંહ રાઠોડ ગુજરાતના સૂબેદાર નિમાતાં એમની સાથે મોમિનખાન ગુજરાત આવ્યો હતો. ગુજરાતની બક્ષીગીરી તથા ખંભાતનો વહીવટ એને પાછાં મળ્યાં. ખંભાતનો વહીવટ પોતાના પિતરાઈ ભાઈ ફિદાઉદ્દીનખાનને સોંપી પોતે પેટલાદ રહેતો.
જોધપુરના મહારાજા અભયસિંહે ગુજરાતની સૂબેદારી પોતાના પ્રતિનિધિ રતનસિંહ ભંડારીને સોંપેલી હતી, પણ એનો વહીવટ પ્રજાને અનુકૂળ આવતો ન હતો. મોમિનખાનને ભંડારી સાથે મેળ નહોતો. દિલ્હીમાં અભયસિંહ રાઠોડ અપ્રિય થવાથી એની સૂબેદારી ગઈ અને મોમિનખાનની ‘નજમુદ્દૌલા મોમિનખાન બહાદુર ફીરોઝજંગ’ના ખિતાબ સાથે ગુજરાતના સૂબેદાર તરીકે 1737માં નિમણૂક થઈ.
રતનસિંહ ભંડારીને અમદાવાદમાંથી દૂર કરવા માટે મોમિનખાન ખંભાતથી પોતાનું લશ્કર લઈ આવી કાંકરિયાની પાળે પડાવ નાખી યુદ્ધની તૈયારીમાં પડ્યો, આ દરમિયાન મોમિનખાનને સૂરત અને જૂનાગઢથી મદદ મળી. દામાજી ગાયકવાડ પણ એને આવી મળ્યો. ભંડારીએ હજી અમદાવાદ છોડ્યું નહોતું. એણે દામાજીને જણાવ્યું કે મોમિનખાનનો સાથ છોડો તો ખંભાત અને અમદાવાદ સહિત ગુજરાતનો અડધો ભાગ આપું. આ વાત દામાજીએ મોમિનખાનને કહેતાં અમદાવાદ હવેલી, પરગણાનાં કેટલાંક ગામ અને વીરમગામ પરગણું આપવાનાં કહી મોમિનખાને દામાજી સાથે સમાધાન કર્યું. અંતે ભંડારી અમદાવાદ છોડી ચાલ્યો ગયો. મોમિનખાને અમદાવાદમાં વિજયપ્રવેશ કર્યો. અમદાવાદનો અડધો ભાગ મોમિનખાને મરાઠાઓને આપેલો તેથી અથડામણો થયાં કરતી હતી, પણ એની હોશિયારીથી એ એમાંથી પાર ઊતર્યો. આથી પ્રસન્ન થઈ બાદશાહે એની મનસબદારીમાં વધારો કરી આપ્યો. આ પછી એની તબિયત બગડી અને ઈ. સ. 1743(ફેબ્રુઆરી 20)માં એનું અવસાન થયું.
એણે પોતાના પ્રભાવશાળી અને શક્તિશાળી વ્યક્તિત્વથી ગુજરાત પ્રાંતમાં થોડીઘણી રહેલી મુઘલ સત્તાને ટકાવી રાખવા સફળ પ્રયાસ કર્યો હતો.
રામજીભાઈ ઠા. સાવલિયા