મોપલાઓનો વિદ્રોહ : દક્ષિણ ભારતના મલબાર પ્રદેશમાં રહેતા મુસ્લિમોનો વિદ્રોહ. ખાસ કરીને વાલવનદ અને એરંડ તાલુકાઓમાં એમની વસ્તી વધારે હતી. ઈસુની 9મી સદીમાં દક્ષિણ હિંદમાં આવનાર આરબોના તેઓ વંશજો હતા. તેઓ ઘણા ઉગ્ર અને ધર્મઝનૂની હતા. તેઓ જ્યારે ઉશ્કેરાય ત્યારે સમૂહમાં ભયંકર તોફાનો કરતા. અસહકારની ચળવળ (1920–22) દરમિયાન મલબારમાં અલીભાઈઓનાં ભાષણોને લીધે વાતાવરણ ઉગ્ર બન્યું ત્યારે અંગ્રેજ સરકારે 144મી કલમ લાગુ કરી; તેથી મોપલાઓ બંડ કરી તોફાને ચડ્યા. એટલે સરકારે 1921ના ઑક્ટોબરમાં ત્યાં માર્શલ લૉ જાહેર કર્યો. મોપલાઓએ હિંદુઓને લૂંટવાનું, એમની કતલ કરવાનું અને એમનાં ઘરો બાળવાનું શરૂ કર્યું. હિંદુ સ્ત્રીઓ ઉપર અત્યાચારો કર્યા; હિંદુઓને બળજબરીપૂર્વક મુસ્લિમ બનવાની ફરજ પાડી. તેથી લશ્કરે તેમની સામે કડક થઈને 3,000 મોપલાઓને મારી નાંખ્યા.
મોપલાઓના આ અત્યાચારોને લીધે સમગ્ર દેશના હિંદુઓમાં રોષની લાગણી જન્મી અને મુલતાન, શહાબાદ, મુંબઈ, કાનપુર, કરતારપુર તથા અન્ય શહેરોમાં કોમી હુલ્લડો થયાં. અંતે કેટલાક મોપલાઓને મોતની સજા કરવાથી આ તોફાનો કાબૂમાં આવ્યાં. 70 મોપલાઓને કાલિકટથી ચેન્નાઈ રેલવેના બંધ વૅગનમાં મોકલવામાં આવતા હતા ત્યારે ગરમી અને ગૂંગળામણને લીધે તેમાંના બધા મોપલાઓ મૃત્યુ પામેલા.
આમ, મોપલાઓએ અંગ્રેજો અને હિંદુઓ – એમ બંને ઉપર જુલ્મો કર્યા. ખિલાફત ચળવળથી હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે જે એકતા સ્થપાઈ હતી તે શિથિલ બની. હિંદી રાષ્ટ્રીય મહાસભા(કૉંગ્રેસ)એ આ તોફાનોને વખોડી કાઢ્યાં. મોપલાઓના બંડ પછી સ્વામી શ્રદ્ધાનંદે ‘હિંદુ સંગઠન દલિત ઉદ્ધાર સભા’ અને ‘ભારત શુદ્ધિ સભા’ નામની સંસ્થાઓ તથા ‘તેજ’ નામનું સમાચારપત્ર શરૂ કર્યાં હતાં.
મુગટલાલ પોપટલાલ બાવીસી