મોન્ટે અલ્બાન : મેક્સિકોમાં આવેલ પ્રાચીન ઝેપોટેક સંસ્કૃતિનું કેન્દ્ર. મેક્સિકોમાં ઓકાસાકા નગરની નજીક પ્રાચીન મૉન્ટે અલ્બાન નગરમાંથી ઈ. સ. પૂ. 8મી સદીના પિરામિડો. ભૂગર્ભમાર્ગો, 170 જેટલી કબરો વગેરેના અવશેષો મળી આવ્યા છે. આ સ્થળ ટેકરા ઉપર આવેલું હતું. આ અવશેષો ત્યાંની ઝેપોટેક સંસ્કૃતિના છે.

બીજા તબક્કામાં ઈ. સ. 300થી 900ના સમયગાળામાં મૉન્ટે અલ્બાન અને તીઓટી હુઆકન શહેરો સંસ્કૃતિનાં કેન્દ્રો હતાં. ત્યાં કલા, સ્થાપત્ય, ધાતુકામ, વિજ્ઞાન વગેરેનો વિકાસ થયો હતો. મૉન્ટે અલ્બાન ઝેપોટેક પ્રદેશનું સૌથી વધુ જાણીતું કેન્દ્ર હતું. ત્યાં મંદિરો, મહેલો, કબરો, વેધશાળા આવેલ હતાં. કબરોમાંથી મોટા પ્રમાણમાં સોના-ચાંદીના અલંકારો, રત્નો, ઝવેરાત મળી આવેલ છે.

જયકુમાર ર. શુક્લ