મોદી, સુશીલકુમાર (. 5 જાન્યુઆરી 1952, ચેન્નાઈ; અ. 13 મે 2024) : બિહારમાં સૌથી લાંબો સમય એટલે કે 10 વર્ષ અને 316 દિવસ સુધી ઉપમુખ્યમંત્રી રહેનાર બીજા નેતા. રાજ્યમાં સૌથી લાંબો સમય એટલે 11 વર્ષ અને 94 દિવસ નાયબ મુખ્યમંત્રી રહેવાનો રેકૉર્ડ કૉંગ્રેસના અનુરાગ નારાયણ સિંહાના નામે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના આજીવન પ્રચારક અને કાર્યકર્તા સુશીલકુમાર મોદીએ ભારતમાં આઝાદી પછી પરોક્ષ કરવેરામાં સૌથી મોટા પરિવર્તનકારક કાયદા ચીજવસ્તુઓ અને સેવા વેરા(GST)નો અમલ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. યુપીએ સરકાર દ્વારા જુલાઈ, 2011માં રચાયેલી રાજ્યોના નાણાપ્રધાનોની સક્ષમ સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી અદા કરી હતી. વળી તેઓ સજાયત કે સમલૈંગિક લગ્નોના પ્રબળ વિરોધી હતા. મરણોપરાંત સામાજિક-રાજકીય ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ ‘પદ્મભૂષણ’  (2025)પુરસ્કાર એનાયત થયો હતો.

સુશીલકુમાર મોદી

જન્મ પરંપરાગત મારવાડી પરિવારમાં થયો હતો. પિતા મોતીલાલ મોદી અને માતા રત્ના દેવી. પિતા વેપારી અને બિહારમાં મારવાડી સમુદાયમાં આગેવાન હતા. માતા ગૃહિણી હતાં. પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચશિક્ષણ સુધીનો અભ્યાસ પટણામાં કર્યો હતો. 1973માં પટણા સાયન્સ કૉલેજમાં વનસ્પતિશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યાર બાદ માસ્ટર ડિગ્રી માટે પ્રવેશ મેળવ્યો, પરંતુ અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો.

1962માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયા હતા. કૉલેજકાળમાં સંઘની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)માં જોડાઈ ગયા હતા. ઇન્દિરા ગાંધીએ 1975માં દેશમાં લાદેલી કટોકટીના વિરોધમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હતો અને જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં કટોકટીનો વિરોધ કર્યો હતો. પરિણામે સરકારે 30 જૂન, 1975ના રોજ તેમની ધરપકડ કરી હતી અને પછી 19 મહિના જેલમાં પસાર કર્યા હતા. કટોકટી દૂર થયા પછી તરત કટોકટી પછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રાંતસચિવ તરીકે તેમની નિમણૂક થઈ હતી. પરિષદના પ્રાંતસચિવ તરીકે કાર્યકાળ દરમિયાન બિહાર અને ઉત્તરપ્રદેશમાં બીજી ભાષા તરીકે ઉર્દૂની જાહેરાતનો વિરોધ કરવા માટે આંદોલનનું નેતૃત્વ સફળતાપૂર્વક કર્યું હતું.

ABVPના કાર્યકાળમાં સમગ્ર દેશમાં પ્રવાસ કરવાના ભાગ રૂપે 1985માં ટ્રેનમાં મૂળે કેરળના અને મુંબઈમાં પ્રોફેસર ખ્રિસ્તી જેસિસ જ્યોર્જ સાથે પરિચય થયો હતો. પરિચય પછી પ્રેમમાં પલટાયો હતો. બંનેનો ધર્મ અલગ હોવાથી પરિવારજનોએ વિરોધ કર્યો હતો. છેવટે પરિવારજનો માની ગયા હતા અને 13 ઑગસ્ટ, 1986ના રોજ લગ્ન થયાં હતાં. લગ્નમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી હાજર રહ્યા હતા. લગ્નમાં જ તેમણે સુશીલકુમાર મોદીને રાજકારણમાં પ્રવેશ કરવાની સલાહ આપી હતી. જોકે તે સમયે પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો.

છેવટે 1990માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. બિહારમાં ભારતીય જનતા પક્ષ(ભાજપ)નો પાયો નાંખવામાં મોટી ભૂમિકા અદા કરી. 1990માં ભાજપના ઉમેદવાર તરીકે પટણા સેન્ટ્રલ (હવે કુમ્હરાર) બેઠક પરથી ચૂંટણી લડીને વિજય મેળવ્યો હતો. આ બેઠક પટણાની સાત વિધાનસભા બેઠકો પૈકીની એક છે. 1995 અને 2000માં આ જ બેઠક પરથી ફરી ચૂંટાયા હતા. 1990માં તેઓ બિહાર વિધાનસભા પક્ષના ચીફ વ્હિપ બન્યા હતા. વર્ષ 1996થી વર્ષ 2004 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે કામ કર્યું હતું. આ જ ગાળામાં તેમણે પટણા હાઈકોર્ટમાં બિહારના તત્કાલીન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવ સામે કુખ્યાત ‘ઘાસચારા કૌભાંડ’ની જનહિતની અરજી દાખલ કરી હતી. પછી લાલુપ્રસાદને મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવાની ફરજ પડી હતી અને તેમના સ્થાને તેમનાં પત્ની રાબડીદેવી મુખ્યમંત્રી બન્યાં હતાં.

વર્ષ 2000માં તેઓ ટૂંક ગાળાની નીતિશકુમારની સરકારમાં ધારાસભાની બાબતોના મંત્રી બન્યા હતા. તેમણે ઝારખંડ રાજ્યની રચનાને ટેકો આપ્યો હતો. બિહારમાં તેમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ભાજપે વર્ષ 2004માં ધારાસભ્ય તરીકે તેમને રાજીનામું આપીને ભાગલપુર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવી હતી. તેમાં તેમનો વિજય થયો હતો. જોકે વર્ષ 2005માં જનતા દળ (યુ) અને ભાજપના ગઠબંધન એનડીએનો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિજય થયા પછી તેમને પ્રાદેશિક રાજકારણમાં પરત લાવવામાં આવ્યા હતા. તેમણે લોકસભામાંથી તાત્કાલિક રાજીનામું આપી દીધું હતું અને પહેલી વાર બિહારના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. સાથે સાથે તેઓ નાણામંત્રીની જવાબદારી પણ સંભાળતા હતા. વર્ષ 2010માં એનડીએનો બિહાર વિધાનસભામાં ફરી વિજય થતાં તેઓ નાયબ મુખ્યમંત્રી તરીકે જળવાઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ વિધાનસભાના સભ્ય નહોતા, પરંતુ બિહારમાં વિધાનપરિષદના સભ્ય હતા. વિધાનપરિષદના સભ્ય તરીકે તેમનો કાર્યકાળ મે, 2006થી ડિસેમ્બર, 2020 સુધીનો હતો.

નીતિશકુમારના નાયબ મુખ્યમંત્રી તરીકે 11 વર્ષ સુધી કામ કર્યું હતું. બિહારના રાજકારણમાં બંનેની જોડી ‘રામલક્ષ્મણ’ તરીકે પણ ઓળખાતી હતી. જોકે વર્ષ 2013માં નીતિશકુમાર સાથે મતભેદો સર્જાયા હતા. પરિણામે એનડીએ ગઠબંધનનો અંત આવ્યો હતો. બિહારમાં ભાજપને સત્તાસ્થાન ગુમાવીને વિપક્ષમાં બેસવું પડ્યું હતું. એટલે મોદી વર્ષ 2013થી વર્ષ 2017 સુધી બિહાર વિધાનપરિષદમાં વિપક્ષના નેતા બન્યા હતા. વર્ષ 2017માં મોદીએ લાલુપ્રસાદ યાદવ અને તેમના પરિવારજનો સામે નાણાકીય ગેરરીતિનું સતત અભિયાન ચલાવ્યું હતું. આ કારણસર નીતિશકુમારના જનતા દળ (યુ) અને રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)નું ગઠબંધન તૂટી ગયું. પછી નીતિશકુમારે ભાજપ સાથે ફરી જોડાણ કર્યું હતું. મોદી વર્ષ 2017થી વર્ષ 2020 સુધી ફરી નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.

વર્ષ 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 74 બેઠકો પર વિજય મેળવીને ભાજપ બીજો સૌથી મોટા પક્ષ બન્યો હતો. આ સંજોગોમાં નીતિશકુમાર અને રાષ્ટ્રીય જનતા દળે ગઠબંધન કર્યું. પરિણામે ભાજપને વિપક્ષમાં સ્થાન મળ્યું. ત્યાર બાદ પ્રાદેશિક રાજકારણમાં સુશીલકુમાર મોદીનું વર્ચસ્વ ઘટી ગયું. તેમને ડિસેમ્બર, 2020માં રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા. અહીં તેમણે એપ્રિલ, 2024 સુધી સાંસદ તરીકે સેવા આપી.

બિહારમાં લાંબો સમય નાણામંત્રી રહેવાને કારણે રાજ્યમાં રાજકોષીય શિસ્ત લાવવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. નાણામંત્રી તરીકે તેમના કાર્યકાળમાં રાજ્યમાં કરવેરાની આવકમાં ઝડપથી વધારો થયો અને રાજ્ય પુરાંત બજેટ ધરાવતું રાજ્ય બની ગયું હતું. વિકાસલક્ષી ખર્ચમાં વૃદ્ધિ અને રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં તેમજ રોકાણ આકર્ષિત કરવામાં મોદી સક્ષમ હતા. સાથે સાથે તેમણે મહિલાઓના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને જેન્ડર-બજેટ(લિંગ તટસ્થતા ધરાવતું અંદાજપત્ર)ની વિભાવનાની શરૂઆત કરી હતી.

સામાજિક કાર્યોમાં પણ સક્રિય રહેનાર મોદીએ ‘મૃત્યુ પછી અંગદાન’ વિશે જાગૃતિ લાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. રક્તદાન માટે બ્લડ બૅન્ક સ્થાપિત કરવામાં અને બિહારમાં થેલેસીમિયાના રોગીઓને મફતમાં લોહી મળી રહે એનું આયોજન કરવામાં સક્રિય રહ્યા હતા.

વર્ષ 2023ના અંતે જ તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. 13 મે, 2024ના રોજ અંતિમ શ્વાસ લીધા.

બે પુત્રો ઉત્કર્ષ અને અક્ષય અમૃતાંક્ષુ. ઉત્કર્ષ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં અને અક્ષય કાયદાક્ષેત્રમાં કાર્યરત. રાજકારણથી દૂર રહેવાનું પસંદ કરે છે.

કેયૂર કોટક