મોદી, રૂસી (જ. 11 નવેમ્બર 1924, સૂરત; અ. 17 મે 1996, મુંબઈ) :  ભારતના ચપળ, સજાગ અને જમોડી આક્રમક ટેસ્ટ બૅટ્સમેન.

સૂરતમાં બાળપણમાં જ ક્રિકેટના પાઠ શીખનાર રૂસી મોદી સૈયદ મુસ્તાકઅલીને પોતાના આદર્શ ખેલાડી માનતા હતા. મુંબઈમાં કૉલેજના ઉચ્ચ અભ્યાસાર્થે આવ્યા બાદ, વિજય મરચન્ટની બૅટિંગથી ખૂબ પ્રભાવિત થયા હતા. મુંબઈ યુનિવર્સિટીની ક્રિકેટ ટીમ તરફથી 1941–42થી 1946–47 સુધી રમ્યા, જેમાં છેલ્લા વર્ષે યુનિવર્સિટીની ટીમના સુકાની હતા. આ ઉપરાંત મુંબઈ યુનિવર્સિટીમાં લૉન ટેનિસ અને ટેબલ ટેનિસની સ્પર્ધામાં વિજેતા બન્યા હતા.

1941–42માં માત્ર 17 વર્ષની નાની વયે મુંબઈની પારસી ટીમ તરફથી યુરોપિયન ટીમ સામે પચરંગી ક્રિકેટસ્પર્ધામાં રમવાની તેમને તક મળી હતી. શાનદાર સદી (144 રન) સાથે તેમણે પોતાની ક્રિકેટ- કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1943–44માં યુરોપિયન ટીમ સામે બૅટિંગની પરિપક્વતા દાખવતાં તેમણે બેવડી સદી ફટકારીને 215 રન નોંધાવ્યા હતા.

રુસી મોદી

મુંબઈ તરફથી રણજી ટ્રૉફી રમતાં સૌપ્રથમ મૅચમાં માત્ર એક રનથી પ્રથમ કક્ષાની ક્રિકેટ-કારકિર્દીનો પ્રારંભ કરનારા રૂસી મોદીએ 1944–45ની રણજી મોસમના પ્રથમ સત્રમાં 168, 128, 210, 245, 31, 113 રન નોંધાવીને 201.63ની બૅટિંગ સરેરાશથી કુલ 1,008 રન નોંધાવીને રણજી મોસમમાં 1,000 કે વધુ રન નોંધાવનાર તેઓ સૌપ્રથમ બૅટ્સમૅન બન્યા હતા. એ મોસમની રણજી ફાઇનલમાં હોલકર સામે બીજા દાવમાં તેમણે અણનમ 249 રન નોંધાવ્યા હતા. ઑસ્ટ્રેલિયન સર્વિસિઝ ઇલેવન સામે તેમણે 203 રન નોંધાવ્યા હતા.

આવી ઝમકદાર બૅટિંગ-શક્તિ ધરાવતા હોવા છતાં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશવા તેમને 1946 સુધી વાટ જોવી પડી હતી. 1946માં ઇફ્તેકારઅલી પટૌડીના નેતૃત્વ હેઠળ ઇંગ્લૅન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમમાં તેમનો સમાવેશ થયો હતો અને લૉર્ડ્ઝ પર ઇંગ્લૅન્ડ સામે તેઓ પોતાની પ્રથમ ટેસ્ટ રમ્યા હતા.

1946માં ઇંગ્લૅન્ડના પ્રવાસમાં રમ્યા બાદ, 1948–49માં ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ સામે, 1951–52માં ઇંગ્લૅન્ડમાં ઇંગ્લૅન્ડ સામે તથા 1952–53માં પ્રવાસી પાકિસ્તાન સામે રૂસી મોદી કુલ 10 ટેસ્ટ મૅચોમાં રમ્યા હતા, અને એક સદી (112 રન, વે.ઇં. સામે 1948–49) સાથે કુલ 736 રન નોંધાવ્યા હતા અને 3 કૅચ ઝડપ્યા હતા. નવ જેટલી ‘બિનસત્તાવાર’ ટેસ્ટમૅચ પણ ખેલ્યા હતા. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 1942થી 1962 સુધીમાં 20 સદીઓની સહાયથી 53.63ની બૅટિંગ સરેરાશથી કુલ 7,509 રન નોંધાવ્યા હતા. ઍસોસિએટેડ સિમેન્ટ કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતાં રૂસી શેહરયાર મોદીનું મુંબઈમાં ક્રિકેટ ક્લબ ઑવ્ ઇન્ડિયા(સીસીઆઈ)ના સંકુલમાં શારીરિક સમતુલન ગુમાવતાં પટકાઈ પડતાં અવસાન થયું હતું.

જગદીશ બિનીવાલે