મોદી, સોહરાબ (જ. 2 નવેમ્બર 1897, મુંબઈ; અ. 28 જાન્યુઆરી 1984, મુંબઈ) : ઐતિહાસિક કથાનકો ધરાવતાં ચલચિત્રોના નિર્માતા, નિર્દેશક અને સંવાદ-અદાયગી માટે વિશેષ જાણીતા બનેલા પારસી અભિનેતા. તેમના પિતા ઉત્તર પ્રદેશના રામપુરના નવાબના રાજમાં અમલદાર હતા. સોહરાબે માત્ર મૅટ્રિક સુધીનો જ અભ્યાસ કર્યો હતો. તેમના મોટા ભાઈ રૂસ્તમ નાટકોના અભિનેતા અને નિર્દેશક હતા. તેમની પોતાની એક નાટકમંડળી હતી. તેના કારણે નાનપણથી જ ઘરમાં અભિનયનો માહોલ મળતાં સોહરાબ પણ ભાઈની મંડળીમાં જોડાઈ ગયા અને નાટકોમાં અભિનય ઉપરાંત નિર્દેશન પણ કરવા લાગ્યા. થોડાં જ વર્ષોમાં રંગમંચની દુનિયામાં તેમનું નામ ગાજતું થઈ ગયું હતું. દરમિયાનમાં તેમણે ‘આલમઆરા’ ચિત્ર જોયું અને તેમને પણ ચલચિત્રોનું નિર્માણ કરવાની અને તેમાં અભિનય કરવાની ઇચ્છા થઈ આવી. એ માટે તેમણે પોતાની નિર્માણ-સંસ્થા ‘સ્ટેજ ફિલ્મ કંપની’ની સ્થાપના કરી.

સોહરાબ મોદીએ શેક્સપિયરના નાટક ‘હૅમલેટ’ પરથી પ્રથમ ચિત્ર ‘ખૂન કા ખૂન’નું નિર્માણ કર્યું હતું. પ્રથમ ચિત્રની સફળતા પછી તેમણે સંસ્થાનું નામ બદલીને ‘મિનરવા ફિલ્મ કંપની’ રાખ્યું હતું અને બે-એક વર્ષ પછી તેનું નામ ‘મિનરવા મૂવીટોન’ રાખ્યું હતું. ગર્જના કરતો સિંહ આ સંસ્થાનું પ્રતીક હતો. થોડા સમય બાદ સોહરાબ મોદી પણ ‘મિનરવાના સિંહ’ તરીકે ઓળખાવા માંડ્યા હતા !

લગભગ પાંચ દાયકાની કારકિર્દીમાં તેમણે 38 ચલચિત્રોનું નિર્માણ, 27 ચિત્રોનું દિગ્દર્શન અને 31 ચિત્રોમાં અભિનય કર્યો હતો; જેમાં ઐતિહાસિક ઉપરાંત સામાજિક, ધાર્મિક અને સુધારાવાદી ચિત્રોનો પણ સમાવેશ થતો હતો. જોકે ઐતિહાસિક ચિત્રોના નિર્માતા તરીકે તેમને વધુ ખ્યાતિ મળી હતી. તેમનાં મોટાભાગનાં ચિત્રોમાં તેમણે પોતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. વિશેષ લહેજાવાળા ધીરગંભીર અવાજ સાથેની તેમની સંવાદ-અદાયગી પણ તેમની એક વિશેષ ઓળખ બની રહી હતી. ‘પુકાર’, ‘સિકંદર’, ‘પૃથ્વીવલ્લભ’, ‘શીશમહલ’, ‘નૌશેરવાન-એ-આદિલ’ વગેરે ચિત્રોએ તેમની આ ઓળખ ર્દઢ બનાવી હતી.

ભારતના પ્રથમ રંગીન ચિત્ર ‘ઝાંસી કી રાની’નું નિર્માણ પણ તેમણે કર્યું હતું. એ જમાનામાં લખલૂંટ ખર્ચે બનાવાયેલા આ ચિત્રની વ્યાવસાયિક નિષ્ફળતાને કારણે તેઓ આર્થિક રીતે ભાંગી પડ્યા હતા. ઐતિહાસિક ચિત્રો ઉપરાંત સમાજની વિવિધ વિસંગતિઓ અને સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને તેમણે ‘મીઠા ઝહર’, ‘ડાઇવૉર્સ’, ‘મઝધાર’, ‘જેલર’ વગેરે ચિત્રો બનાવ્યાં હતાં. 1954માં તેમના ચિત્ર ‘મિરઝા ગાલિબ’ માટે તેમને રાષ્ટ્રપતિનો ચંદ્રક તથા 1979માં તેમને ભારતીય ચિત્રોનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ એનાયત કરાયો હતો. આ ઉપરાંત પણ તેમને અનેક પારિતોષિકો મળ્યાં હતાં. અભિનેત્રી મહેતાબ સાથે તેમણે લગ્ન કર્યાં હતાં.

નોંધપાત્ર ચિત્રો : ‘ખાનબહાદુર’, ‘જેલર’, ‘મીઠા ઝહર’ (1938), ‘પુકાર’ (1939), ‘ભરોસા’, ‘મૈં હારી’ (1940), ‘સિકંદર’ (1941), ‘ફિર મિલેંગે’, ‘ઊલટી ગંગા’ (1942), ‘પૃથ્વીવલ્લભ’ (1943), ‘ડૉ. કુમાર’, ‘પથ્થરોં કા સૌદાગર’ (1944), ‘એક દિન કા સુલતાન’ (1945), ‘શમા’ (1946), ‘મઝધાર’ (1947), ‘મેરા મુન્ના’ (1948), ‘નૃસિંહાવતાર’ (1949), ‘શીશમહલ’ (1950), ‘ઝાંસી કી રાની’ (1953), ‘મિરઝા ગાલિબ’ (1954), ‘ઘર ઘર મેં દીવાલી’, ‘કુંદન’ (1955), ‘રાજહઠ’ (1956), ‘નૌશેરવાન-એ-આદિલ’ (1957), ‘જેલર’ (1958), ચુનીલાલ મડિયાની નવલકથા ‘વેળાવેળાની છાંયડી’ ઉપરથી ‘સમય બડા બલવાન’ (1969), જ્વાલા (1970), ‘તાનારીરી’ (1975), ‘મીનાકુમારી કી અમર કહાની’ (1979), ‘રુસ્તમ’ (1982) અને ‘રઝિયા સુલતાન’ (1983).

હરસુખ થાનકી